Monday, April 19, 2010

અસંભવને સંભવ બનાવે છે આત્મબળ

VIRAL MORBIA

જો આપણે પોતાની જાતને અંદરથી મજબૂત રાખીએ તો અસંભવ કે જટિલ કાર્યોને સંભવ બનાવી શકીએ છીએ. તમામ વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળતામાં બદલવાનું એકમાત્ર સાધન આત્મબળ છે.



world warદ્વિતિય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. મિત્ર રાષ્ટ્ર સંગઠિત બની જર્મનીને ટક્કર આપી રહ્યા હતા. યુદ્ધના ભાગરુપે 24 માર્ચ, 1944ના દિવસે બ્રિટનના સાર્જન્ટ નિકોલસે બર્લિન પર બોમ્બની વર્ષા ચલાવવા વિમાનમાં ઉડાન ભરી. બોમ્બમારો કરી જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે દુશ્મન સેનાની ભેદી વિમાની તોપોએ નિકોલસના વિમાનને નિશાન બનાવ્યું. જેના કારણે નિકોલસના વિમાનને આગ લાગી ગઇ. નિકોલસ પેરાશૂટ કાઢવા કેબિન તરફ ફર્યા, પણ કેબિનનો દરવાજો ખૂલતા જ આગની જ્વાળાઓ તેમની તરફ વધવા લાગી. આગમાં પેરાશૂટ પણ બળીને ખાક થઇ ગયું.



વિમાનમાં આગ વધી રહી હતી. નિકોલસે ઈશ્વરને યાદ કરી વગર પેરાશૂટે જ નીચે કૂદકો લગાવ્યો. જ્યારે તેઓ જાગૃત થયા, ત્યારે પોતાની જાતને બરફથી ઘેરાયેલી જોઇ. તેમના પગના હાડકા તૂટી ચૂક્યા હતા, ઊઠવા માટે તેઓ બિલકુલ અસમર્થ હતા. તેમને એટલો તો અંદાજ આવી ગયો હતો કે પોતે શત્રુના ક્ષેત્રમાં છે. પરંતુ જીવન રક્ષાના હેતુથી તેમણે પોતાની કમરમાં બાંધેલી સીટી વગાડી. સીટીનો અવાજ સાંભળી શત્રુઓ દોડી આવ્યા અને તેમને ઊઠાવી ગયા. જ્યારે તેમને શત્રુ સેનાના અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે સેના અધિકારીઓએ તેમને તમામ વાત પૂછી.



નિકોલસે પોતાની સાથે ઘટેલી તમામ ઘટનાનું વર્ણન કર્યું. કોઇને પણ તેમની વાત પર વિશ્વાસ બેસતો ન હતો પરંતુ સળગેલા વિમાનના અવશેષો મળતા જ તેમણે નિકોલસની સાહસગાથા પર વિશ્વાસ કરવો પડ્યો. જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે નિકોલસને અન્ય યુદ્ધ કેદીઓની સાથે છોડી મૂકવામાં આવ્યા અને તેઓ ક્ષેમકુશળ બ્રિટન પહોંચ્યા.



આ સત્ય ઘટના આપણને આત્મબળની પ્રેરણા આપે છે. જો આપણે પોતાની જાતને અંદરથી મજબૂત રાખીએ તો અસંભવ કે જટિલ કાર્યોને સંભવ બનાવી શકીએ છીએ. તમામ વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળતામાં બદલવાનું એકમાત્ર સાધન આત્મબળ છે.


No comments: