એક ભાઇએ મહાત્માને ફરિયાદ કરી, ‘સ્વામીજી હું છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત પાઠપૂજા કરું છું. રાત્રે પ્રભુનું નામસ્મરણ કરું છું. છતાં મારું મન અશાંત છે. ધંધામાં બરકત નથી. ગીતામાં પ્રભુ કહે છે, મામ અનુસ્મર-‘મારું સ્મરણ કરતો જા.’ (અ.૮/૭)
ભાઇની ફરિયાદ સાંભળી સ્વામીએ કહ્યું, ‘તમે ખોટું કહ્યું નથી. પણ ભગવાને ગીતામાં કહ્યું છે તે તમે પૂરું સમજયા નથી. ગીતામાં તો ભગવાને કહ્યું છે - હર ક્ષણ મારું સ્મરણ કર.’
ભગવાનનું સ્મરણ તો આપણે બધા જ કરીએ છીએ પણ કયા હેતુથી સ્મરણ કરીએ છીએ તે મહત્ત્વનું છે. કોઇ પરીક્ષામાં પાસ થવા, કોઇ સંતાનસુખ માટે તો કોઇ વળી ધંધામાં બરકત માટે સ્મરણ કરે છે. ‘ટૂંકમાં પ્રભુનું સ્મરણ પાછળ માનવીનો સ્વાર્થ છુપાયો છે ને?’ મહાત્માએ પેલાને એક પ્રસંગ કહ્યો.
ચોર ચોરી કરવા નીકળે ત્યારે પ્રભુને પગે લાગી તેનું સ્મરણ કરતો કરતો ચોરી કરવા જાય. કોઇએ પૂછ્યું, ‘તું ચોરી કરવા જાય છે- તારી હરામનું લેવાની વૃત્તિ છે તો આમાં ભગવાન કાંઇ સાથ આપતો હશે?’
હું કરું છું તેને હરામખોરી કહેવી કે ચોરી કહેવી તેનું તત્ત્વજ્ઞાન મને ખબર નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે જયારે જયારે હું ભગવાનને યાદ કરી ચોરી કરવા જાઉ છું ત્યારે મારે ખાલી હાથે પાછા ફરવું નથી પડતું. હું ચોરી મોટા બંગલામાં જ કરું છું. એ લોકોએ પણ લોકોને છેતરીને જ પૈસા ભેગા કર્યા છે ને! મોટે ભાગે તેઓ એક યા બીજી રીતે ઇન્કમટેકસની ચોરી કરે જ છે ને! એ લોકો તો રાષ્ટ્રની ચોરી કરે છે. તે લોકો દેશદ્રોહી છે. હું એવું તો નથી કરતો ને!’ ચોરની વાત સાંભળી પેલા ભાઇ ચૂપ થઇ ગયા. ‘હવે તમે જ કહો કે ચોરની વાતમાં થોડું ઘણું પણ તથ્ય છે ને?’ મહાત્માએ કહ્યું.
મૂળ વાત ચોરી કરવી, હરામખોરી કરવી, છેતરપિંડી કરવી એ બધી વાતો ખરાબ છે. તાત્ત્વિક ભાષામાં કહેવું હોય તો તે આસુરી છે. અસત્ છે. ચોરી કરનાર ચોર અને ઇન્કમટેકસની ચોરી કરનાર શાહુકાર-બંનેની વૃત્તિ તો એક જ છે ને? ચોર ચોરી કરવા જાય છે ત્યારે ભગવાનનું સ્મરણ કરે છે અને શાહુકાર તેના ઘરે કોઇ ચોર ચોરી ન કરે માટે પ્રભુનું સ્મરણ કરે છે.
એક ભોગની પ્રાપ્તિ માટે અને બીજો તેના ભોગોને ટકાવવા પ્રભુનું સ્મરણ કરે છે. ભોગોની માગણી માનવીની આસુરીવૃત્તિ છે. આપણું ચિત્ત આપણે માગેલી ભોગ વસ્તુમાં હોય છે, કારણ કે આપણને ભગવાન કરતાં એ ભોગ પદાર્થ વધુ પ્રિય હોય છે. હવે તમે જ કહો આવી વૃત્તિ રાખીને આપણે ભગવાનને યાદ કરીએ તેનું સ્મરણ કરીએ તો ભગવાન મદદ કરે.
ઉપનિષદોમાં ઋષિમુનિઓએ ભગવાન પાસે પ્રાર્થનામાં આ પ્રકારની જ માગણી કરી છે, ‘હે પ્રભુ તું અમને અસત્માંથી સત્ તરફ લઇ જા. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન તરફ લઇ જા, પરંતુ આપણે તો અસત્ભાવને જ વહાલું કરી બેઠા છીએ.
No comments:
Post a Comment