Monday, April 19, 2010

ચીન-અમેરિકા બાદ ભારત ત્રીજા નંબરે હશે..

VIRAL MORBIA

- BRIC ૨૦૨૫માં ચીન-અમેરિકા બાદ ભારત ત્રીજા નંબરે હશે

- અમેરિકાને વિદેશી મૂડીરોકાણમાંથી સૌથી વધુ મળતર અને વળતર ભારતમાંથી મળ્યું છે. (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ)

- ૨૦૩૨માં ભારત દુનિયાની ત્રણ સૌથી મોટી ઇકોનોમીમાં સ્થાન પ્રાપ્ત કરશે.(ગોલ્ડમેન સાચનો રિપોર્ટ)

- ઇન્ટેલેકચ્યુઅલ કેપિટલને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સૌથી વધુ સુવિકસિત દેશ છે.(જનરલ ઇલેકિટ્રક)

- વિશ્વમાં આજે વિદેશી મૂડીરોકાણમાં પ્રથમ ત્રણ સ્થાનમાં ભારતનો સમાવેશ થાય છે. (એ.ટી.કર્ની)

- અમે ભારતમાં ‘કોસ્ટ’ બચાવવા આવ્યા હતા, ‘ક્વોલિટી’ મળી એટલે ટકયા છીએ અને હવે ‘ઇનોવેશન’માં મૂડીરોકાણ કરીએ છીએ.(સિસ્કો)

- ભારતની ગણના હવે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાં માનભેર થાય છે.(ઇન્ટેલ)



બ્રિક એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ ચાર દેશો આવનારા દાયકામાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે. આ ચારેય ટ્રિલિયન ડોલર દેશોની હાલની ઇકોનોમી ૨૦,૦૦૦ ટ્રિલિયન ડોલર એટલે કે અમેરિકા કરતાં વધુ છે.



BRIC_newઉપરોક્ત અવતરણો વ્યકિતગત અભિપ્રાય નથી પરંતુ વિશ્વની શ્રેષ્ઠતમ કંપનીઓ અને ઓડિટ એજન્સીઓનાં તારણ છે. ભારતીય લોકશાહી અને નેતાશાહીમાં અસ્થિરતાનું રાજકારણ ન આવે તો ભારતનું ભાવિ જબરજસ્ત ઉજજવળ દેખાય છે. વિશ્વના અર્થતંત્રની તરાહ અને તાસીર બદલાઇ રહી છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન અર્થાત્ (ઇદકઈ) રાષ્ટ્રોને મંદીની ઝાઝી અસર થઇ નથી. આવનારા દાયકામાં વિશ્વનું ૪૦ ટકા મૂડીરોકાણ, ફંડિંગ અને ટર્નઓવર આ ચાર રાષ્ટ્રોમાંથી થશે.



ચીનને સૌથી વધુ ફાયદો થશે જયારે દ્વિતીય નંબર માટે બ્રાઝિલ અને ભારત હરીફાઇમાં છે. બ્રાઝિલની વસતી ભારતની સરખામણીમાં માત્ર ૨૦ ટકા, અંદાજે ૨૦ કરોડ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ બ્રાઝિલ ભારત કરતાં અઢી ગણું છે. બ્રાઝિલનું અર્થતંત્ર ભારતની માફક વાઇબ્રન્ટ છે. જયારે રશિયા આગામી દાયકામાં આંતરિક પ્રશ્નોને કારણે ચોથા નંબરે રહેશે, પરંતુ કુદરતી સંપદા અને સ્રોતોના વિપુલ જથ્થાને કારણે રશિયા ગમે ત્યારે ભારત અને બ્રાઝિલને ઓવરટેક કરી શકે છે.



આ બ્રિક-યાને કે ચાર રાષ્ટ્રો પાસે અત્યારે વિશ્વની ૬૫ ટકા મેટલ, ૩૮ ટકા કેમિકલ્સ, ૩૦ ટકા ઓટોમોબાઇલ અને ૨૮ ટકા ઇલેકટ્રોનિકસ ઉત્પાદનોનો ફાળો છે. સામા પક્ષે યુએસ, બ્રિટન અને યુરોપ મેન્યુફેકચિંરગ સહિત અન્ય તમામ આર્થિક મોરચે મંદીમાંથી હજી બહાર આવતાં જણાતાં નથી. જયારે વિયેતનામ જેવા દેશો ટકાવારીની દ્રષ્ટિએ આગળ ધપી રહ્યા છે. ફકત ભારત અને ચીનની વાત કરીએ તો વિશ્વની કુલ વસતીમાં આ બંને રાષ્ટ્રોનું ૩૫ ટકા યોગદાન છે.



૩૦૦ વર્ષ પહેલાં વિશ્વના જીડીપીમાં ચીન અને ભારતનું યોગદાન પચાસ ટકા હતું. ત્યાર બાદ બ્રિટિશરો સત્તાનું મુખ્ય કેન્દ્ર બન્યા અને પ્રગતિ-વિકાસનું ચક્ર પૂર્વમાંથી પિશ્ચમ તરફ જતું રહ્યું. આજે ભારત અને ચીનનું યોગદાન વૈશ્વિક જીડીપીમાં ૧૭ ટકા છે. વિશ્વના કુલ વ્યાપારમાં ભાગીદારી દશ ટકાથી ઓછી છે પરંતુ હવે પ્રવાહ પલટાયો છે. ઇમિર્જંગ સેવન એટલે કે સંભવિત સાત આર્થિક પ્રગતિશીલ રાષ્ટ્રોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના ઉપરાંત મેકિસકો, ઇન્ડોનેશિયા અને તુર્કી આવે છે.



આ સાત દેશો વિકાસની દ્રષ્ટિએ જી-સેવન (-૭) રાષ્ટ્રો યુએસ, જાપાન, જર્મની, યુકે, ફ્રાન્સ, ઇટાલી અને કેનેડાને ટક્કર મારી હરીફાઇ કરશે. ૨૦૫૦માં અર્થશાસ્ત્રીઓની આગાહી અનુસાર ટોપટોન ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમી એટલે કે ઝડપથી વિકસનારાં રાષ્ટ્રોમાં વિયેતનામ, નાઇજિરિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત અને બાંગ્લાદેશ અગ્રેસર હશે. પાકિસ્તાનનું નામ કંગાળ યાદીમાં શોઘ્યું જડતું નથી અને બાંગ્લાદેશ ખાસ્સી મહેનત કરતું જણાય છે. પ્રાઇસ વોટર હાઉસ કૂપર નામની વૈશ્વિક ઓડિટ ફર્મનો રિપોર્ટ કહે છે કે ૨૦૨૫માં ૧.૧૭ અબજની વસતી સાથે ભારતનું અર્થતંત્ર અમેરિકાની ૯૦ ટકા લગોલગ પહોંચી જશે. અર્થતંત્રના વિકાસનું ફોકસ પિશ્ચમથી બદલાઇને ચીન, ભારત અને રશિયા તરફ ઢળી રહ્યું છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ ઘટનાક્રમ પ્રગતિને જાણે એકિસલેટર આપશે.



ચીન ૨૦૨૫માં અમેરિકાને ઓવરટેક કરશે અને ૨૦૫૦માં અમેરિકાની સરખામણીમાં ચીન ૧૩૦ ટકા પર પહોંચી જશે એવી આગાહી કરતાં આ અહેવાલ ઉમેરે છે કે ભારતમાં જૉ રાજકીય માહોલ સ્થિર રહે અને મેન્યુફેકચિંરગમાં ઇન્વેસ્ટમેન્ટ ઉત્તરોત્તર વધતું રહે તો ૫૦ વર્ષ બાદ ભારત ચીનને પણ ટક્કર મારી આગળ નીકળી શકે, કારણ કે એ સમયે ભારતીય વસતી ચીન કરતાં વધુ યુવાન, વધુ ભણેલી અને સોફટવેરની દ્રષ્ટિએ કેળવાયેલી હશે. ભારતની બેકગિં, ઓડિટિંગ અને લીગલ સિસ્ટમમાં દુનિયાનો વિશ્વાસ સુદ્રઢ થઇ ચૂકયો હશે. ભારતમાં અત્યારે મિલ્ટનેશનલ કંપનીઓ અને સોફટવેર-આઇટી કંપનીઓને શ્રેષ્ઠ માહોલ મળી રહ્યો છે અને તેઓ ‘બ્રાન્ડ ભારત’ના એમ્બેસેડર બની જશે. ભારતની ઇકોનોમી અત્યારે ૧.૨ ટ્રિલિયન ડોલર મનાય છે, પરંતુ જી-૨૦નાં અન્ય રાષ્ટ્રોનો તુલનાત્મક અભ્યાસ સૂચવે છે કે ૨૦૫૦માં ભારતનું અર્થતંત્ર ૧૭.૮ ટ્રિલિયન ડોલરને આંબી જશે.



ઉપરોકત પરિપ્રેક્ષ્યમાં ગોલ્ડમેન સાચના અર્થશાસ્ત્રી જીમ ઓ’નીલની થિયરી કહે છે કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ ચારેય દેશો આવનારા દાયકામાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે. આ ચાર દેશો પાસે દુનિયાની કુલ ૨૫ ટકા જમીન અને ૪૦ ટકા વસતી છે. આ ચારેય ટ્રિલિયન ડોલર દેશોની હાલની ઇકોનોમી ૨૦,૦૦૦ ટ્રિલિયન ડોલર એટલે કે અમેરિકા કરતાં વધુ છે. આ ચારેય રાષ્ટ્રો વિકસી રહ્યાં છે અને સૌથી મોટા કન્ઝ્યુમર માર્કેટ (ગ્રાહક બજાર) છે. આ ચારેય દેશોમાં મઘ્યમવર્ગનું પ્રમાણ સૌથી વધુ અંદાજે ૫૦થી ૬૦ ટકા છે અને આ વર્ગ વધતો જશે.



વિશ્વમાં મોબાઇલ ફોનના વપરાશમાં ચીન પ્રથમ, ભારત બીજા, રશિયા ચોથા અને બ્રાઝિલ પાંચમા ક્રમે છે. યુએસ ત્રીજા નંબરે એટલે કે ભારતથી પાછળ છે. ઇન્ટરનેટના વપરાશમાં ચીન પ્રથમ, ભારત ચોથા અને બ્રાઝિલ પાંચમા ક્રમે છે. આ ઉદાહરણ સૂચવે છે કે ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલમાં ગ્રાહકવાદની ક્ષમતા જબરજસ્ત છે. લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. માર્કેટ વિકસી રહ્યાં છે. ભારતનું ઉદાહરણ વધુ વિગતે સમજીએ તો શહેરીકરણ વધી રહ્યું છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા ૩૦ પૈકી ૧૦ વિસ્તારો ભારતના છે. ૨૦૫૦ સુધીમાં ભારતના ૭૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે અર્થાત્ રિયલ એસ્ટેટના ભાવ શહેરોમાં વધશે અર્થાત્ ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ સેકટરની ડિમાન્ડ વધશે.



ઉપરોકત સંદર્ભમાં ‘બ્રિક’ રાષ્ટ્રોની પ્રથમ બેઠક ગત વર્ષે ૧૬, જૂન ૨૦૦૯માં રશિયામાં યેકેતિરિનબર્ગ ખાતે મળી હતી, જેમાં ચારેય રાષ્ટ્રોના વડા ઉપસ્થિત રહ્યા હતા અને બીજી બેઠક બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયામાં આ સપ્તાહમાં સંપન્ન થઇ ચૂકી છે. આ બંને બેઠકોની ફળશ્રુતિ ભારત માટે શું છે? ભારતે હવે જવાબદાર આર્થિક મહાસત્તા બનવા માટે સજજતા કેળવવી પડશે. હિંમતભેર નિર્ણયો લેતા શીખવું પડશે.



છેલ્લાં ૫૦ વર્ષના ઇતિહાસ પર નજર નાખો. ચીને ૧૯૮૦ના દાયકા બાદ આર્થિક સુધારા શરૂ કર્યા હતા. જાપાને ૧૯૫૫માં દ્વિતીય વિશ્વયુદ્ધના પરાજય અને બરબાદીની કળ વળી પછી આર્થિક પ્રગતિ માટે મહેનત શરૂ કરી હતી. સિંગાપોરે ૧૯૬૫માં આઝાદી મેળવી. કોરિયાએ ૧૯૬૦માં ઔધોગિકીકરણ શરૂ કર્યું. મલેશિયાએ ૧૯૮૦માં... જયારે ભારતે ૧૯૯૦ના દાયકામાં મનમોહન નાણાપ્રધાન બન્યા ત્યારે ઉદારીકરણની શરૂઆત કરી. મનમોહને ૧૯૯૦માં હિંમત ન દાખવી હોત તો ભારત આજે કદાચ આર્થિક દ્રષ્ટ્રિએ પછાત રહી ગયું હોત. સદ્ભાગ્યે આજે મનમોહન વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. લીડરે કયારેક કડવા અને લોકપ્રિય ન હોય એવાં પગલાં લેવાં પડે છે, પરંતુ પરિણામો કયારેક દાયકા પછી મળે છે. મનમોહનને ભારતનો ઇતિહાસ ઉદારીકરણ અને ન્યુકિલયર સંધિ માટે હંમેશાં યાદ રાખશે.



વાતનો સાર એ છે કે ભારત માટે ટ્રેન્ડ પોઝિટિવ છે, પરંતુ ફકત પોરસાઇ જવાથી કામ નહીં ચાલે. ભારતે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં ખાસ્સું કામ કરવું પડશે. વીજળી અને પાણીનો વ્યય અટકાવવો પડશે. આર્થિક સુધારાની ગાડી વેગવંતી બનાવવી પડશે. આ વિકાસ સર્વગ્રાહી, સંતુલિત અને સમાજના છેવાડાના માનવીને લાભદાયી નીવડે એની તકેદારી રાખવી પડશે. ભારતે વિદેશી મૂડીરોકાણની નીતિ સરળ, સહજ અને બાબુશાહીથી વંચિત રાખવી પડશે.



ચીનમાં ઇન્વેસ્ટરને રેડ કાર્પેટ વેલકમ અપાય છે અને કોઇ કાનૂની ગૂંચ નડતી નથી. નીતિઓ નક્કી થાય ત્યાર બાદ અમલીકરણ ફટાફટ થાય છે. ડાબેરીઓ કે જમણેરીઓ ભારતની માફક આડખીલી બનતા નથી. ભારત પાસે વિકાસની વિપુલ તકો છે. દુનિયાનું સૌથી મોટું ડોમેસ્ટિક માર્કેટ છે. શ્રમિકો સૌથી સસ્તા દરે ઉપલબ્ધ છે. વસ્તી યુવાન છે. કૌશલ્યવાન યુવાન એકિઝક્યુટિવ વાજબી ભાવે મળે છે. ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા અન્ય કોઇ પણ દેશ કરતાં વધુ છે. રાજકીય સ્થિરતા છે. બદલાતી દુનિયા સાથે ભારત પણ બદલાઇ રહ્યું છે, પરંતુ ગતિ ધીમી છે. વૈશ્વિક અને પ્રાદેશિક વાસ્તવિકતાઓ પ્રજાએ ખાસ કરીને રાજકીય પક્ષોએ સમજવી પડશે. ભારતની ભાવિ પેઢી માટે કદાચ આપણું આ દાયિત્વ છે.



પોઇન્ટ ઓફ વ્યૂ



No comments: