બૌદ્ધ ધર્મના સંસ્થાપક અને માર્ગદર્શક મહાત્મા બુદ્ધે પોતાના ઉપદેશોમાં પરિવ્રજકોને અષ્ટાંગિક માર્ગનો નિર્દેશ આપીને સમસ્ત પ્રાણીઓના સાર્વજનિક હિતની કામના કરી છે. જેમાં વિશ્વ બંધુત્વ, માધુર્ય, પ્રેમ, શાંતિ સંજ્ઞાન, સોમનસ્યતા, એકતા સંગઠન અને પરોપકાર વગેરેની શિક્ષાઓ અને પ્રેરણાઓ ભરેલી પડી છે.
સંસારમાં આવવાનો તથાગતનો ઉદેશ્ય દીન-દુ:ખીઓની સેવા, અસહાયોની સહાયતા અને અરક્ષિતોની રક્ષા કરવાનો હતો. જે રોગી હોય કે જે બૌદ્ધ ધર્મને માનતા ન હોય તેમની સેવા કરવી, સહાયતા કરવી, ગરીબો, અનાથો અને વૃદ્ધોની સેવા, સહાયતા અને અન્યોને પણ તેવું કરવાની પ્રેરણા આપવી. ગૌતમ બુદ્ધના ઉપદેશોમાં એ આઠ ચરણોની પણ ગણતરી છે કે જેનું પાલન કરીને મનુષ્ય દુ:ખોના કારણોનો નાશ કરી શકે છે.
આ અષ્ટાંગિક માર્ગ આ પ્રમાણે છે.
(1) સમ્યક્ દ્રષ્ટિ, એ સમજ રાખવી કે જીવનમાં દુ:ખ છે અને તે દુ:ખ વિના કોઈ કારણ નથી. જો દુ:ખ છે, તો તેને દૂર પણ કરી શકાય છે. સુખની જેમ દુ:ખ પણ સ્થાયી નથી.
(2) સમ્યક્ સંકલ્પ, સત્કાર્યોને કરવાનો સંકલ્પ અને ન કરવા યોગ્ય કાર્યોને ન કરવાનો સંકલ્પ. અર્થાત્ શ્રેષ્ઠ અને સદાચારયુક્ત કર્મોને કરવાની દ્રઢ પ્રતિજ્ઞા અને ખોટા તથા દુરાચરણયુક્ત કર્મોને ન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા સમ્યક સંકલ્પ છે.
(3) સમ્યક્ વચન, જૂઠું બોલવાથી બચવું, નિંદા અને ચાડિયાગીરી કરવાથી બચવું, કોઈને તકલીફ પહોંચાડનારી વાત કરવાથી બચવું. તથા વ્યર્થ અનાવશ્યક બકવાસ કરવાથી બચવું.
(4) સમ્યક્ કર્માંન્ત, કોઈપણ પ્રાણી પ્રત્યે મન, કર્મ અને વચનથી હિંસા ન કરવી, જે આપવામાં આવ્યું નથી, તેને ન લેવું. દુરાચારથી બચવું અને ભોગ-વિલાસના જીવનમાં અતિથી બચવું.
(5) સમ્યક્ આજીવિકા, ખોટી, અનૈતિક અને અધાર્મિક પદ્ધતિથી આજીવિકા પ્રાપ્ત ન કરવી. જો અનૈતિક અને અધાર્મિક રોજગારમાં લાગેલા હો, તો તેને છોડીને તુરંત પવિત્ર અને નૈતિક રોજગાર પ્રાપ્ત કરવો.
(6) સમ્યક્ વ્યાયામ, ખરાબ અને અનૈતિક આદતો અને લતોને છોડવાનો સાચા મનથી પ્રયત્ન કરવો જોઈએ. મનમાં જો પાપપૂર્ણ અને અનૈતિક ઈચ્છાઓ, ભાવનાઓ જાગૃત હોય, તો તેને દબાવવાનો પ્રયત્ન કરવો. મનમાં સારા ભાવ જગાડવા, વધારવા અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માટે સમ્યક્ વ્યાયામનું તાત્પર્ય છે કે પોતાના વ્યક્તિત્વની બુરાઈ અને કમીઓ દૂર કરવા તથા સદગુણોને ગ્રહણ કરવા અને વધારવા.
(7) સમ્યક સ્મૃતિ, તેનો અર્થ છે કે એ સત્યને હંમેશા યાદ રાખવું કે આ સાંસારિક જીવન ક્ષણિક છે. હંમેશા એ યાદ રાખવું કે આ શરીર પણ નશ્વર છે. ઘડપણ અને મૃત્યુ જ શરીરની અંતિમ નિયતિ છે. માટે જીવનની વાસ્તવિકતાઓને યાદ રાખીને વિષય-વિકારોનું દમન કરવું અને આત્મજ્ઞાનને વિકસિત કરવું જોઈએ.
(8) સમ્યક્ સમાધિ, ધ્યાનની એ અવસ્થા છે કે જેમાં મનની અસ્થિરતા, ચંચળતા શાંત હોય અને વિચારોનો વ્યર્થ ભટકાવ ન હોય. આ અવસ્થામાં શાંતિ અને એકાગ્રતાથી સ્વયંને જાણવાની કોશિશ કરવામાં આવે છે. આ અવસ્થામાં સુખ અને દુ:ખ બંનેથી અલિપ્ત રહેવાનું હોય છે.
માટે સારાંશ સ્વરૂપે આપણે કહી શકીએ કે ગૌતમ બુદ્ધે પોતાના અનુયાયીઓને કહ્યું છે કે તેમના ઉપદેશો પર વિશ્વાસ રાખે, બુદ્ધિથી તેને સમજવાનો પ્રયત્ન કરે અને દરેક ઉપદેશને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, પવિત્રથી પવિત્ર જીવન વીતાવો તથા એકાગ્રતા અને ધ્યાનનો નિયમિત અભ્યાસ કરો.
No comments:
Post a Comment