મનુષ્યમાં દૂરદર્શનની શક્તિ આત્મસાત્ થયેલી હોય છે. શ્રી સાંઇબાબામાં આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ય હતી.
Mysterious Powerના અદભૂત ચમત્કાર સર્જતી બ્રિટનની વિલક્ષણ મહિલા Anny Ovans તેની આત્મકથામાં લખે છે કે ‘હું હંમેશાં જાણતી હતી કે પરિવારના કયા વ્યક્તિને શું તકલીફ છે. હું વેધક દ્રષ્ટિથી તેના પર નજર નાખતી અને પૂછતી કે શું તમારી છાતીમાં દર્દ થાય છે? હંમેશાં મારું અનુમાન સાચું જ પડતું. હું વ્યક્તિના વસ્ત્રની અંદર છુપાયેલી કોઇપણ વસ્તુને સ્પષ્ટ જોઇ શકતી હતી, જાણે તે ચીજ પ્રત્યક્ષ રીતે મારી સામે જ રાખી ન હોય!’
એકવાર એનીની પડોશમાં જ રહેતી તેની કાકીના ધેર એક ઘટના ઘટી. કાકી રાયસાનો એક સોનાનો દાગીનો ડ્રેસિંગ ટેબલ ઉપરથી અચાનક જ ગાયબ થઇ ગયો! પહેલાં તો રાયસા એમ સમજી કે તેનાથી જ આ આભૂષણ ક્યાંક મુકાઇ ગયું હશે. જેથી ઘરમાં બધે જ ફંફોસી જોયું. આખરે થાકીને અનુમાન લગાવ્યું કે તે ચોરાઇ ગયું હશે, પરંતુ ઘરમાં પતિ-પત્ની અને બે બાળકો જ હતાં. બાળકો તો એવાં હતાં જ નહીં કે તેમની ઉર શંકા કરી શકાય.
અંતત: મામલો Anny પાસે આવ્યો. સઘળી બીના સાંભળ્યા પછી થોડીવાર માટે એનીએ આંખ બંધ કરી. આંખો ખોલતાં જ તેણે નિર્ણય આપ્યો કે,‘કાકી! આ દાગીનો એક પાલતુ ઘરેલુ જાનવરે પોતાના ઘરે છુપાવી રાખ્યો છે!’ આવું સાંભળી બધા વિચારોના ચકરાવે ચઢયા કેમ કે ઘરમાં કોઇ પાલતુ પશુ-પંખી તો શું, ઘરકામવાળી બાઇ પણ રાખી ન હતી. તો પછી આવો ચોર કોણ હશે? સૌની જિજ્ઞાસા પરાકાષ્ઠાએ પહોંચવા છતાં કોઇ નિષ્કર્ષ ન મળ્યો ત્યારે એનીએ જ તેનું રહસ્ય ખોલ્યું, ‘એક ઉદર આ દાગીનો તેના દરમાં લઇ ગયો છે. ઘરના અમુક ખૂણામાં તે પડેલો છે. ચિંતા કર્યા વિના તે શોધી કાઢો.’ અને સાચે જ તે જ જગ્યાએથી આ દાગીનો મળી આવ્યો!
‘માનસ વિદ્યા’ દ્વારા હજારો વર્ષ પૂર્વે મહર્ષિઓએ શોધેલા યોગમાર્ગના સત્યનો સ્વીકાર હવે પિશ્ચમાત્ય ભૌતિક વિજ્ઞાન ધીરે ધીરે કરતું થયું છે. જેમ કે મનુષ્યમાં દૂરદર્શન (Tele- vision) ની શક્તિ આત્મસાત્ થયેલી હોય છે. એ સંબંધી એક દાર્શનિક પ્રયોગ રોમની રોયલ યુનિવર્સિટીમાં ૨૬મી નવેમ્બર, ૧૯૩૪ના રોજ કરવામાં આવ્યો. ડો. ગેસેપ્પે કાલી- ગારીસ નામના જ્ઞાન-તંત્ર- માનસશાસ્ત્રના પ્રોફેસર એક વ્યક્તિના શરીરના ચોક્કસ ભાગો દબાવતા જ તેણે દીવાલની બીજી બાજુએ જે માણસો અને પદાર્થો હતા, તેનું વિગતવાર વર્ણન કર્યું.
પ્રો. કાલીગારીસે બીજા અઘ્યાપકોને કહ્યું કે ચામડીના ચોક્કસ ભાગોને દબાવવામાં આવે તો તે માણસને અતીન્દ્રિય અનુભવો થવા લાગશે અને સામાન્ય રીતે જે વસ્તુઓ જોઇ શકાતી ન હોય તેવી અદ્રષ્ટ ચીજોને તે પોતે જોઇ શકશે. થોરાકસ નામના માણસને દીવાલની બીજી બાજુએ જોતો કરવા માટે પ્રો. કાલીગારીસે તેના શરીરની જમણી બાજુનો એક ચોક્કસ ભાગ ૧૫ મિનિટ સુધી દબાવી રાખ્યો.
પ્રો. કાલીગારીસે આગળ ઉપર આ પ્રયોગ વિશે કહ્યું કે શરીરના બીજા ભાગોને આ રીતે ઉત્તેજિત કરવામાં આવે તો માનવીમાં ઘણે દૂર સુધીના અદ્રશ્ય પદાર્થો જોવાની ક્ષમતા કેળવી શકાય છે. આ સિદ્ધિને ‘દૂરદર્શન’ સિદ્ધિ કહેવાય છે.
અખંડ ભારતના ઔરંગાબાદ જિલ્લાના ધૂપખેડા ગામનો તે સમયનો પોલીસ પટેલ ચાંદ પાટિલ પોતાની ખોવાયેલી ઘોડી ‘કદમ’ની શોધમાં બે મહિના રખડ્યો. છેવટે તે પોતાના ગામ પરત જતો હતો, ત્યાં રસ્તામાં આંબાના ઝાડ નીચે ૨૦ વર્ષનો માથે સટકો બાંધેલો અને શરીર પર કફની ધારણ કરેલો એક ફકીર બગલમાં નાનો દંડૂકો અને હાથમાં ચલમ તથા ચીપિયો રાખી બેઠેલો જોયો. આ યુવાને તે ફકીરને પોતાની ખોવાયેલી ઘોડીની આપવીતી જણાવી ત્યારે ફકીરે ધીરેથી કહ્યું, ‘નાળામાં જઇ તપાસ કર. તારી ઘોડી ત્યાં ચરી રહી છે.’
પાટિલે ત્યાં જઇ જોયું તો આભો જ બની ગયો! તેની ઘોડી આરામથી લીલો ઘાસચારો ચરતી હતી. આ પ્રસંગ બાદ તે યુવાન ફકીર શિરડીના સંત સાંઇબાબા તરીકે ખ્યાતિ પામ્યા. શ્રી સાંઇબાબાને જન્મથી જ અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ય હતી. મહર્ષિ પતંજલિનો રાજયોગમાં અષ્ટ મહાસિદ્ધિઓ ઉપરાંત ર૩ પ્રકારની જે દિવ્ય સિદ્ધિઓ વર્ણવામાં આવી છે, તેમાં ‘દૂરદર્શન’ની અદ્રષ્ટ એવી દૂરની ચીજવસ્તુ કે બીનાને જોઇ શકવાની સિદ્ધિનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment