Tuesday, April 20, 2010

સંબંધ કોઇ પણ હોય, તેમાં પવિત્રતા જરૂરી છે............

VIRAL MORBIA

ભગવાનની ઘોષણા છે કે મારા ભાગનું જે ખાય છે અને મારી સાથે જે જુઠ્ઠું બોલે છે તેને દરિદ્ગ બનવું પડે છે.



relationsઆધુનિકતાને કારણે એક નુકસાન એ થયું છે કે આપણી વ્યક્તિગત જિંદગી અપવિત્ર થઇ રહી છે, સામાજિક જીવનમાં પારદર્શકતા રહી નથી. આવા સમયે સંબંધોનું ગૌરવ જળવાઇ રહે તે જરૂરી છે. જો આપણું પોતાનું જીવન જ પવિત્ર ન હોય તો આપણે પરમાત્માના માર્ગમાંથી ઘણાં દૂર નીકળી જઇશું. આપણે પ્રયત્ન કરીએ કે આપણા સંબંધો દુનિયા સાથે અને દુનિયા બનાવનારા સાથે પણ પવિત્ર હોય.



આજના સમયમાં સંબંધોના વ્યવહાર પર ધ્યાન આપવામાં આવે છે, હકીકતમાં ધ્યાન આપવું જોઇએ પવિત્રતા પર. અરસ-પરસના સંબંધો ઉપહારો જેવા બનાવી દેવા જોઇએ, એક હાથે લો, બીજા હાથે આપો. સંબંધોમાં જ્યારે લેણ-દેણની દાનત હોય છે ત્યારે જીવનમાં લોભ, સ્વાર્થ, ષડયંત્ર અને અશાંતિ પ્રવેશી જાય છે. જ્યારે આપણે આવી વૃત્તિ સાથે જીવવા લાગીશું ત્યારે દુનિયા પણ આપણી સાથે કંઇક એવું જ વર્તન કરશે, અને શરુ થશે મુશ્કેલીઓનો દોર.



ઈશ્વર સાથે આપણા સંબંધો કેવા હોવા જોઇએ તે સવાલ દરેક ભક્તના મનમાં ઉદ્ભવતો રહે છે. આપણે શું કરીએ, તે શું કરશે, આવા સવાલોના ઘેરામાં આપણી ભક્તિ ઝૂલતી રહે છે. શ્રીકૃષ્ણ અવતારમાં સુદામાનો પ્રસંગ આ સમસ્યાનો જવાબ આપે છે. સાંદીપનિ આશ્રમમાં બાળપણમાં શ્રીકૃષ્ણ અને સુદામાં સાથે ભણ્યા હતા. ત્યારપછી શ્રીકૃષ્ણ રાજમહેલમાં ગયા અને સુદામા ગરીબ રહી ગયા. સુદામાની પત્નીએ સુદામાને શ્રીકૃષ્ણ પાસેથી મદદ માંગવાની વાત કરી અને સુદામા મદદની આશા સાથે દ્વારકા આવ્યા.



એક મિત્ર બીજા મિત્ર સાથે કેવો વ્યવહાર કરે તેનો આદર્શ દાખલો શ્રીકૃષ્ણએ સુદામાના આગમન સમયે દર્શાવ્યો. તેમણે સુદામાને ખૂબ સન્માન આપ્યું, પણ વિદાય કરતી વખતે તેમને ખાલી હાથે મોકલી દીધા. સુદામા જ્યારે પોતાના ગામમાં પહોંચે છે ત્યારે તેમને માલુમ પડે છે કે શ્રીકૃષ્ણએ તો તેમની સમગ્ર દુનિયા જ બદલી દીધી છે. ઈશ્વરના લેણ-દેણના પોતાના આગવા પ્રકાર હોય છે. બસ, જરૂર છે આપણે તેને સમજવાની. ભગવાન દેખાડીને નથી આપતો પણ ખૂલીને આપે છે.



સુદામા-કૃષ્ણના આ પ્રસંગની મહત્વની વાત છે ઈશ્વરનો હિસ્સો. જ્યારે સુદામા કૃષ્ણને પૂછે છે કે હું તમારો ભક્ત હોવા છતાં ગરીબ કેમ રહી ગયો? ત્યારે કૃષ્ણ સુદામાને બાળપણનો એ પ્રસંગ યાદ અપાવે છે જેમાં સુદામા શ્રીકૃષ્ણને મૂકીને બધા જ ચણા ખાઇ ગયા હતા. ગુરુ માતાએ સુદામાને કહ્યું હતું કે જ્યારે જંગલમાં લાકડી કાપવા જાય ત્યારે શ્રીકૃષ્ણ સાથે વહેંચીને ચણા ખાજે. પણ સુદામા પોતે એકલા જ બધા ચણા આરોગી ગયા, જ્યારે ચણામાં શ્રીકૃષ્ણનો પણ ભાગ હતો. ભગવાનની ઘોષણા છે કે મારા ભાગનું જે ખાય છે અને મારી સાથે જે જુઠ્ઠું બોલે છે તેને દરિદ્ગ બનવું પડે છે.

No comments: