મહર્ષિ વાલ્મીકિ શ્રીરામના દિવ્ય ગુણોને વર્ણવતાં શ્રીરામમાં પરિપૂર્ણ જ્ઞાન હોવાનું સ્પષ્ટીકરણ કરે છે. સૌમ્ય અને ધૈર્યયુક્ત વ્યક્તિત્વથી ઓતપ્રોત પ્રભુ શ્રીરામ બધા જ જ્ઞાન-વિજ્ઞાનનો આશ્રય છે. શ્રીરામ જ્ઞાનના આશ્રયમાં નથી પણ જ્ઞાન પોતે જ શ્રીરામના આશ્રયમાં વિરામ પામે છે.
ત્રેતાયુગમાં ચૈત્ર સુદ નોમના દિવસે મઘ્યાહ્ને રાણી કૌશલ્યા અને રાજા દશરથને માતાપિતા તરીકેનું સૌભાગ્ય અર્પીને દિવ્યવાત્સલ્ય ભક્તિનો આનંદ આપવા પરમેશ્વર શ્રીરામ તરીકે અવતર્યા. ત્યાર પછી તો બાળપણથી લઇને યુવાવસ્થા સુધીની સમગ્રલીલાઓ દરમિયાન ભગવાન શ્રીરામચંદ્રજીએ અસાધારણ દિવ્ય કાર્યો કર્યા. તેમ છતાં તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે.
ભગવાન શ્રીરામનાં કાર્યો સામાન્ય માણસના સામર્થ્યની પણ ઉપરવટનાં અતિમાનુષિય છે, પરંતુ તે છતાંય આપણે જાણી શકીએ છીએ કે ભગવાન શ્રીરામનો અવતાર માનવ સમાજના દરેક સદાચારી મનુષ્યએ તેનું જીવનધોરણ કઇ રીતે સ્થાપિત કરવું તે આદર્શ સ્થાપવા માટેનો છે, પણ મુશ્કેલી એ છે કે સામાન્ય મનુષ્યની જેમ માનવીયલીલાઓ કરતાં ભગવાન શ્રીરામ પોતાને અનેક રીતે નિ:સહાય સંઘર્ષ કરતા સહનશીલ દુ:ખી પુત્ર, ભાઇ, પતિ, મિત્ર, પિતા, રાજા તરીકે રજૂ કરે છે.
શ્રીરામ ભગવાન તરીકે શા માટે દિવ્ય વ્યક્તિત્વ ધરાવે છે તેનું સમર્થન વિષ્ણુપુરાણમાં થયેલું છે. ભગવાન શ્રીરામની લીલાઓમાં તેમનું અતિમાનુષિય દિવ્ય વ્યક્તિત્વ તેમનામાં રહેલાં ષડઐશ્વર્યોથકી પ્રમાણિત થાય છે, માટે જ તેઓ પૂર્ણપુરુષોત્તમ અક્ષર અવિનાશી પ્રગટ પરમંબ્રહ્મ પરાત્પરપરમાત્મા ભગવાન તરીકે સુવિખ્યાત છે. ભગવાન શ્રીરામમાં રહેલાં ષડઐશ્વર્યોવિશેનું વર્ણન નીચે પ્રમાણે વૈદિક ગ્રંથોના આધારે કરવામાં આવે છે.
‘દિવ્યજ્ઞાનના ભંડાર ભગવાન શ્રીરામ: ગુરુવશિષ્ઠ અને વિશ્વામિત્રના આશ્રમમાં શાસ્ત્રો અને અસ્ત્રોની વિદ્યા પ્રાપ્તિ દરમિયાન ભગવાન શ્રીરામની વાણીમાં જે જ્ઞાનનું દર્શન થાય છે તે તેમના અતિમાનુષી વ્યક્તિત્વને પુરવાર કરે છે. તદુપરાંત ભરત, લક્ષ્મણ સાથે સંવાદ, સુગ્રિવ, વાલિ સાથેના સંવાદ તથા જાંબુવાન, હનુમાનજી અને વિભીષણ સાથેના વાર્તાલાપોમાંથી શ્રીરામનું અસાધારણ જ્ઞાન રજૂ થાય છે.
મહર્ષિ વાલ્મીકિ પણ શ્રીરામના દિવ્ય ગુણોને વર્ણવતાં શ્રીરામમાં પરિપૂર્ણ જ્ઞાન હોવાનું સ્પષ્ટીકરણ કરે છે. સૌમ્ય અને ધૈર્યયુક્ત વ્યક્તિત્વથી ઓતપ્રોત પ્રભુ શ્રીરામ બધા જ જ્ઞાન-વિજ્ઞાનનો આશ્રય છે. રામ જ્ઞાનના આશ્રયમાં નથી પણ જ્ઞાન પોતે જ શ્રીરામના આશ્રયમાં વિરામ પામે છે.
‘વૈરાગ્યમૂર્તિ ભગવાન શ્રીરામ: જ્યારે માતા-પિતાની આજ્ઞા થઇ કે શ્રીરામે અયોઘ્યાનું સમગ્ર ઐશ્વર્ય ત્યજી વલ્કલ વસ્ત્રો ધારણ કરી ચૌદ વર્ષનો વનવાસ કરવો. તો તે આજ્ઞાને કોઇ પણ બદલાની પ્રતિક્રિયા બતાવ્યા વિના પ્રભુ શ્રીરામે નાના ભાઇ લક્ષ્મણ અને યુવાન પત્ની સીતાદેવી સહિત અસા વનવાસનાં દુ:ખો સહન કરીને આજ્ઞાપાલન કર્યું. વાલિ અને રાવણનો વધ કર્યા પછી પ્રાપ્ત થયેલું કિષ્કિંધા અને લંકાનું રાજ્ય તેમને તેમના ભક્તમિત્રો સુગ્રિવ અને વિભીષણને વચનો આપ્યાં મુજબ સુપરત કર્યું.
અયોઘ્યાના નાગરિક એક ધોબીનાં કડવાં વચનોનો પણ કાયદાકીય અમલ કરીને ભગવાન શ્રીરામે પત્ની સીતાદેવીને પુન: વનવાસ આપીને ત્યાગ કર્યો હતો. આ બધા પ્રસંગોમાં ભગવાન શ્રીરામનો ઉત્કટ ત્યાગ-વૈરાગ્ય જોવા મળે છે. આ રીતે બિલકુલ ભૌતિક મમત્વવિહીન મળેલું સર્વસ્વ જતું કરીને સુખોપભોગની કોઇ જ પ્રતિક્રિયા ન હોવી તેમાં જ ભગવાન શ્રીરામનું અસાધારણ વૈરાગ્યયુક્ત વ્યક્તિત્વ દિવ્ય રીતે જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રીરામ ભગવાન છે.
‘સવાôગસુંદર ભગવાન શ્રીરામ: દંડકવનમાં ઋષિ-મુનિઓએ જ્યારે ભગવાન શ્રીરામને પહેલી વખત જોયા ત્યારે તે બધા જ શ્રીરામનાં સૌંદર્યથી આકર્ષિત થયા હતા. મિથિલાનગરના બગીચામાં સીતાદેવીએ પ્રથમ વાર પ્રભુ શ્રીરામનાં દર્શન કર્યા ત્યારે તેઓ શ્રીરામના દિવ્ય વ્યક્તિત્વથી આકર્ષાયાં હતાં.
પછી તેમણે મનોમન પાર્વતીદેવીને પ્રાર્થના કરેલી કે કોઇ પણ સંજોગોમાં શ્રીરામ જ તેમને પતિ તરીકે મળવા જોઇએ. પછીથી તો તે પ્રમાણે જે થયેલું તે સર્વવિદિત છે. સાક્ષાત્ લક્ષ્મીરૂપી સીતાદેવીનું આકર્ષણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન જ કરી શકે. આથી સિદ્ધ થાય છે કે શ્રીરામ ભગવાન છે. ‘સર્વશક્તિમાન શ્રીરામ: વનવાસ દરમિયાન દંડકવનમાં યુદ્ધ માટે આવેલા ખર, દૂષણ, સુબાહુ, ત્રિશિરા જેવા શક્તિશાળી ચૌદ હજાર માયાવી રાક્ષસોને એકલપંડે પળવારમાં થોડાંક જ બાણો વડે યુદ્ધમાં મારી નાખવા, તે ઉપરાંત મારીચ નામના રાક્ષસને ફણા વગરનું બુઠ્ઠાબાણથી મારીને સમુદ્રની પેલે પાર લંકાની ધરતી પર ફેંકીને જીવતો પછાડવો- આ પ્રકારનું આશ્ચર્યકારી યુદ્ધ કરનાર શ્રીરામ ભગવાન સાબિત થાય છે.
ક્રૂર અને નાલેશીજનક દુષ્કત્યો કરનાર અને તેના થકી નિર્દોષ ઋષિમુનિઓ, દેવો, મનુષ્યો અને યક્ષોને ડરાવનાર એટલે રાવણ. આ રાવણનો નાશ કરવા તથા વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ શ્રીરામ તરીકે અવતર્યા હતા. તેથી સીતાહરણની ઘટના થકી ભગવાન શ્રીરામે રાવણની સામે યુદ્ધનો મોરચો માંડ્યો. લંકાની ધરતી પર જ રામ-રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણને ભગવાન શ્રીરામે યુદ્ધ દરમિયાન રણમાં રોળી નાખ્યો અને તેનો રાક્ષસકુળ સહિત નાશ કર્યો.
‘કીર્તિવાન અને મહાન યશસ્વી શ્રીરામ: ભગવાન શ્રીરામજીએ ત્રેતાયુગમાં તેમની દિવ્યલીલાઓનો વિસ્તાર કર્યો હતો. હવે વર્તમાન કળિયુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષો છે. તેથી ત્રેતાયુગથી લઇને વર્તમાન કળિયુગને આવ્યે હજારો, લાખો વર્ષો લાગી ગયાં છે. છતાંય ભગવાન શ્રીરામના ગુણગાનરૂપ તેમની કીર્તિ હંમેશાં નિત્ય અને તરોતાજા છે.
‘શ્રીરામનો અસાધારણ વૈભવ: વૈભવ એટલે ધન, સંપત્તિ, ઐશ્વર્યની દેવી લક્ષ્મીજી સીતાદેવી રૂપે ભગવાન શ્રીરામજીની સેવામાં સતત સંકળાયેલાં રહે છે. તેથી ભગવાન શ્રીરામ-રમાપતિ કે લક્ષ્મીપતિ તરીકે પણ વિખ્યાત છે. ભગવાન જેવો ત્યાગી-વૈરાગી કોઇ ના હોઇ શકે અને ભગવાન જેવો વૈભવશાળી ધનવાન પણ જગતમાં કોઇ જ નથી. પરસ્પર વિરોધી ગુણોનું ઐક્ય ભગવાન શ્રીરામમાં જોઇ શકાય છે તે સામાન્ય માનવીમાં શક્ય હોતું નથી.
શ્રીરામ દરરોજ સવારે બ્રાહ્મણો, યાચકોને ગાયો, સોનામહોર, રત્નાહાર વગેરેનું દાન કરતા હતા. તદુપરાંત મોટા ખર્ચા યજ્ઞો પણ કરતા હતા. જે સાધારણ માણસ માટે કદાપિ શક્ય જ નથી. આ બહોળો વૈભવ શ્રીરામને ભગવાન તરીકે સમર્થન આપે છે. અયોઘ્યાનો વૈભવ ભગવાનાનું ઐશ્વર્ય દર્શાવે છે.
આ બધાં ષડઐશ્વર્ય ઉપરાંત શ્રીરામમાં અનંત દિવ્ય વિવિધતાઓનું સામર્થ્ય રહેલું છે. સારાંશે ભગ (ભોગ) અને ભાગ્યના માલિકને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે શ્રીરામના ભક્ત થઇને તેમની સેવા-ભક્તિનાં કાર્યોમાં પરોવાઇએ છીએ ત્યારે ભગવાન શ્રીરામ અને તેમની લીલાઓ, નામ, રૂપ, ધામ, પરિકર ઇત્યાદિને સમજી શકીએ છીએ.
અંતત: ભક્તિયોગના પંથે પ્રયાણ કરીને ભગવાન શ્રીરામની સેવાભક્તિના પ્રયોજન અર્થે દરેક મનુષ્યએ નિષ્ઠાવાન ભક્ત થવું એ જ મનુષ્ય જન્મની ચરમ સિદ્ધિ છે. જય શ્રીરામ.
Monday, April 19, 2010
ભગવાન શ્રીરામનું અસાધારણ દિવ્ય વ્યક્તિત્વ...
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment