પોતાના પ્રતિ કરવામાં આવેલી પ્રશંસાનો ભોગ પણ પરમાત્માને ધરાવવો જોઇએ.
પ્રશંસા સહુને પ્રિય હોય છે. પણ પ્રશંસાથી નુકસાન એ થાય છે કે તે આપણી અંદર ક્યાંક ને ક્યાંક અહંકારના બીજ રોપવાનું શરુ કરી દે છે. ખુબ ઓછા એવા લોકો હોય છે જે પ્રશંસાને પચાવી જાણે છે. બાકી મોટાભાગના કિસ્સાઓમાં એવું જ થાય છે કે પ્રશંસાનો વધારે પડતો ધોધ માણસમાં અભિમાનનું સ્વરુપ જન્માવે છે. હનુમાનજીએ આનાથી બચવાનો સહુથી સરળ ઉપાય બતાવ્યો છે, જેનાથી આપણે પ્રશંસા પણ મેળવી શકીશું અને અહંકાર પણ આપણાથી દૂર રહેશે.
અનેક પરિવારોમાં ભોજન પહેલા ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. શાસ્ત્ર કહે છે ધાન-દોષ(અન્નનો ખરાબ પ્રભાવ) દૂર કરવા માટે ભોજન કર્યા પહેલા પરમાત્માને તે સમર્પિત કરવું જોઇએ. ભગવાનને ભોજન અર્પિત કર્યા બાદ તે પ્રસાદ બની જાય છે. જીભના ભોજનને તો આપણે ભગવાનને અર્પિત કરીએ છીએ પણ જ્યારે આપણને આપણા કર્મનું ભોજન એટલે કે પ્રશંસા પીરસવામાં આવે છે ત્યારે આપણે ભગવાનને ભૂલી જઇએ છીએ. પોતાના પ્રતિ કરવામાં આવેલી પ્રશંસાનો ભોગ પણ પરમાત્માને ધરાવવો જોઇએ.
એક ભક્તનો પ્રસંગ છે. તેને સમાજમાંથી વધારે પ્રશંસા પ્રાપ્ત થઇ તો તેણે ભગવાનને પીરસી દીધી. ભગવાન પણ મજાકના મૂડમાં આવી ગયા અને ભક્તની પરીક્ષા કરવા પૂછ્યું કે આ ભોજન તું મને કુપથ્ય માનીને ધરાવે છે કે સુપથ્ય માનીને? ભક્તનો જવાબ હતો મારા માટે તો તે પરહેજ(કુપથ્ય) જ છે, પ્રશંસા પચાવવી વિષ કરતા પણ વધારે અઘરું છે, પણ આપ તો પ્રશંસા પચાવી શકશો. હું જો બારોબાર પ્રશંસાનું ભોજન કરી લઇશ તો અહંકારની બીમારીથી ઘેરાઇ જઇશ.
સમજવાની વાત એ છે કે જો જીવનમાં વિજય અને સફળતા મળે તો પહેલા પ્રભુને પીરસવામાં આવે, ત્યારબાદ જે પ્રસાદી આપણને મળે છે તેમાંથી અહંકારની સંભાવના સમાપ્ત થઇ જાય છે. અહીં એ પણ સમજી લેવું કે આપણે ત્યાં પ્રસાદીના કેટલાક કાયદા છે. સહુ પ્રથમ ભગવાનને ચઢાવવી, પછી લોકોને વહેંચવી, બાદમાં પોતે ગ્રહણ કરવી. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે કે પ્રસાદના કિસ્સામાં હાથમાં જેટલો બચી જાય તેને જ પોતાનો હિસ્સો માનવો. ભોજનના સંદર્ભમાં આ અઘરું લાગી શકે પણ પ્રશંસાના ભોજનમાં ભોગ લગાવીને, પ્રસાદ બનાવી, વહેંચી બાદમાં પોતે ગ્રહણ કરવો.
No comments:
Post a Comment