Monday, April 19, 2010

અંધશ્રદ્ધા એ શ્રદ્ધા નથી....

VIRAL MORBIA

તિતિક્ષાની સુંદર વ્યાખ્યા છે, અપ્રતિકારપૂર્વક સહન કરવું. એટલાં બધાં રોદણાં રોઇએ કે ગામ આખું ખરખરો કરવા દોડી આવે તેને તિતિક્ષા ન કહેવાય.



Blind faith is not faithમહાભારતમાં એક ગુરુ અને બે શિષ્યોની વાત બહુ જાણીતી છે. ગુરુનું નામ દ્રોણાચાર્ય, રાજપુત્ર અર્જુન અને રંકપુત્ર એકલવ્ય. આપણે અહીંયા તેમના વહાલા-દવલા કારણની ચર્ચા નથી કરવી. આપણે ખપ છે, બંને શિષ્યની લક્ષ્યવેધની લગનીનો. અર્જુન જ્યારે શરસંધાન કરે છે, ત્યારે લક્ષ્યમાં એટલો ખૂંપી જાય છે કે તેને ‘માત્ર પક્ષીની આંખ જ દેખાય છે.’ જ્યારે એકલવ્ય તો તેનાથી સવાસો ટકા ચઢિયાતો છે. ગુરુ જ્યારે તેને વિદ્યા આપવાનો ઇનકાર કરે છે ત્યારે ગુરુની મૂર્તિ બનાવીને તેમાંથી પ્રેરણા મેળવીને શ્રેષ્ઠ બાણાવળી બને છે.



આ બંને પાત્રોનો એક મઘ્યવર્તી સાર છે. તે છે, લક્ષ્ય પ્રતિ પૂર્ણ સમર્પણ. ઘ્યેય સાથે એકરૂપ થવાની ક્રિયા એ જ ઘ્યાન!



આહાર, વિહાર અને વિચાર એ યોગ-સાધનાનાં ત્રણ પરેજી ક્ષેત્રો, પરેજી એટલે શું કરવું અને શું ન કરવું. આ લિસ્ટ કરવાના પ્રયાસોમાં કોણ જાણે કેટલાં પુસ્તકો લખાયાં, ઢગલાબંધ ધર્મો-સંપ્રદાયો રચાયા અને તોયે ગાગર હૃદયની અરધી કેમ ખાલી?



આદિ શંકરાચાર્યે ચાર આઘ્યાત્મિક સાધનોની વાત કરી છે, વિવેક, વૈરાગ્ય, મુમુક્ષતા અને ષટ્ સંપત્તિ. વિવેક એટલે સારા સાર નિર્ણય. શું કરાય અને શું ન કરાય તેની સમજણ એટલે વિવેક. વૈરાગ્ય શબ્દ બહુ વગોવાઇ ગયો છે. વૈરાગ્યનું સ્થાન દંભ નામના ભારાડીએ પચાવી પાડ્યું છે. ‘તેન ત્યકતેન ભુંજીથા:’ અર્થાત્ ‘ત્યાગીને ભોગવી જાણ’નો પાઠ આચારમાં ઊતરતો થાય ત્યારે વૈરાગ્યના આંબે મોર બેઠો કહેવાય.



મુમુક્ષતા એટલે મોક્ષની ઇચ્છા. મોક્ષને ભારતીય દર્શનમાં સર્વોત્તમ ઉપલબ્ધિ ગણવામાં આવી છે. આતમ રૂપી આયનો જ્યારે ચોખ્ખો ચણક થાય અને શિવનું સનાતન સ્મિત જીવની આંખ્યુમાં રમતું દેખાય તે અવસ્થા તે મોક્ષ. મોક્ષ માટેની પ્રથમ શરત છે, મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા. જે છૂટવા માગે તે ક્યારેક છૂટે પણ જે કશું છોડવા માગતો નથી તેનો મોક્ષ કયાંથી થાય?



ચોથી સંપદા છે, ષટ્ સંપત્તિ. જે છ જુદી જુદી આઘ્યાત્મિક શક્તિઓનો સરવાળો છે : દમ, શમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ છએ સાધનોની પસંદગી બહુ વ્યવહારુ અને વૈજ્ઞાનિક ઢબે કરી છે, નાનું બાળક કોઇ શરારત કરે એટલે મમ્મી એક આંખ લાલ કરી ડારો આપે અને બીજી માયાળુ આંખે પ્રેમથી સમજાવે, ‘બકા, આવું ન કરાય’. આ થયા દમ અને શમ! તેમના અભ્યાસથી જ્યારે વૃત્તિઓ પોતાના વિષયમાં જ સમાઇ જાય, એટલે કે ચોકલેટ જોઇને લાળ ટપકવાનું બંધ થાય, ત્યારે ઉપરતિ સિદ્ધ થઇ ગણાય.



તિતિક્ષાની સુંદર વ્યાખ્યા છે, અપ્રતિકારપૂર્વક સહન કરવું. એટલાં બધાં રોદણાં રોઇએ કે ગામ આખું ખરખરો કરવા દોડી આવે તેને તિતિક્ષા ન કહેવાય. પત્નીના દુ:ખદ અવસાનનો તાર ગજવામાં મૂકી અત્યંત દ્રઢતાથી કોર્ટમાં ધારદાર દલીલો કરી કેસ જીતી જનાર સરદાર પટેલ તિતિક્ષાના આધુનિક અવતાર ગણાય. પછીનું સાધન છે શ્રદ્ધા. આપણી આજની શ્રદ્ધા લગભગ અંધશ્રદ્ધાનો પર્યાય બની ગઇ છે.



સત્યમ્-શિવમ્-સુંદરમના ત્રેવડા ગળણે ગાળીને અનુભૂતિના ખોબામાં ઝીલેલા અમૃતનો આસ્વાદ એટલે શ્રદ્ધા. અનુભૂતિનું સત્ત્વ ધરાવતી શ્રદ્ધા ક્યારેય અંધ ન હોઇ શકે. અંધશ્રદ્ધા એ શ્રદ્ધા નથી જ. અંતિમ સાધન છે, સમાધાન. જ્યારે વિકલ્પો શમી જાય ત્યારે સમાધાન સધાય. પૂર્ણિમાની નિ:શબ્દ રાતે શાંત સરોવર જળમાં મુક્ત તરતી નાવમાં પોઢેલા એકાકી યાત્રીની મનોસ્થિતિ એટલે સમાધાન. સમાધાન એટલે અખાડામાં ધીંગામસ્તી કરતાં લવરમૂછિયાને જોઇને નિવૃત્ત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન દારાસિંઘ દાદાનું મર્માળુ સ્મિત!



આદિ શંકરને જગદ્ગુરુનું બિરુદ અમથું તો નહીં જ મળ્યું હોય મિત્રો! આ સંપદાઓ વિનાનો માણસ ન ખરો યોગી હોય કે ન ખરો ભોગી. ઋષિનું દર્શન તો દીવાદાંડી છે. સમંદરમાં વળી રેડીમેઇડ કેડીઓ થોડી કંડારેલ હોય! ત્યાં તો જાતે જ મારગ ખોળી કાઢવો પડે. ક્યારેક રસ્તો ભુલાય તો ક્યારેક લાગે ઠેસ. પણ રોકાય તે બીજા. ચરૈવેતિ ચરૈવેતિ! ચલતે રહો...


No comments: