ધ્યાન એટલે તટસ્થપણે જોવું. ધ્યાન એટલે શિવોહમ્ની અસ્ખલિત અનુભૂતિ. ધ્યાન એટલે લક્ષ્ય સાથે એકતાન થવાનો વ્યાયામ. ધ્યાન એટલે ડર, આશંકા, ઇર્ષ્યા જેવા નિષેધક ભાવોનું નિરસન. ધ્યાન એ ઉચ્ચતમ ધ્યેયોને સાધવાનું સાધન ને સ્વયં એક સાઘ્ય પણ! દસ કામો છોડીને જમવું, સો કામ છોડીને સૂવું અને હજાર કામ છોડીને ઘ્યાન કરવું.
અનંતના આકાશે મનપંખીનું ઊડાણ એટલે ધ્યાન. તેની બે પાંખો છે, જાગૃતિ અને સાવધાની. ઝેન દર્શનમાં ધ્યાનનો અર્થ જાગૃતિ છે. જાગૃત મનમાં વિકલ્પો કે વિકારોને સ્થાન ન હોય. આવું નિરભ્ર નિરંજન મન શુદ્ધ ચેતનાનું પર્યાય છે. મનની સ્થિતિ સમજવા એક સરળ પ્રયોગ કરીએ.
એક પહોળા વાસણમાં પાણી ભરી તેમાં એક નાનકડી કાંકરી નાખીએ. શાંત પાણીની સપાટી પર એક વર્તુળ સર્જાશે. જે વિસ્તરતું જશે. એક નાનકડી વાત કાન મારફતે મગજમાં પહોંચે કે તરત જ પૂર્વાપર સંબંધોના તાણાવાણા જોડાય. એકમાંથી અનેક બિંદુઓ સર્જાય. તેમાંથી વિચાર-વર્તુળો ઉદ્ભવે અને વિસ્તરતાં જાય. એક નાની ઘટના કે વાત સમગ્ર ચિત્ત પ્રદેશનો કબજો લઇ લે.
અશાંત મન હોય ત્યારે ઘ્યાન ન થઇ શકે. આનો કોઇ ઉપાય? શ્રીકૃષ્ણની બંસરી, શિવનું ડમરુ અને વાગ્વાદિનીની વીણા કોઇ લયબદ્ધ અને સુદીઘર્ સ્વરવાળું ગાયન-વાદન ચિત્તને શાંત કરે. મહાન ભૌતિક વિજ્ઞાની શ્રી કાપ્રા શિવતાંડવ નૃત્યને તો બ્રહ્માંડની આણ્વિક ગતિ સાથેનો લયયોગ ગણે છે!
ગીતામાં ભગવાન યજ્ઞોમાં સહુથી શ્રેષ્ઠ જપયજ્ઞ ગણાવે છે. શાસ્ત્રીય ગાયનનો કક્કો પણ ન જાણનાર માણસને રાગ ભૈરવી કે મલ્હાર સૂરસમાધિમાં પહોંચાડી શકે તો પછી એક સંગીતજ્ઞની અનુભૂતિ તો સામાન્ય માણસની કલ્પનાથી પરે છે. મનોરંજનનાં બે સાધનો ટીવી અને ઓડિયો પ્લેયરની તુલના કરીએ તો ટીવી આંખ, કાન અને મગજને જકડી રાખી ઠાંસી ઠાંસીને કચરો ઠાલવતું રહે.
જ્યારે રેડિયો કે મ્યુઝિક સિસ્ટમ પર હળવું મધુર સંગીત સાંભળતાં કોઇ પણ કામ કરી શકાય, ઘ્યાન પણ. ઘરમાં શાંતિ સ્થાપવા અને ખાસ કરીને ઊગતી પેઢીના શ્રેયાર્થે અઠવાડિયે એક દિવસ ‘નો ટીવી ડે’ ઊજવીએ અને તે સન્ડે જ હોય તો કેવું સારું! આવા પરિવારોની કલબ સ્થપાય તો તેનું દસ વર્ષના એડવાન્સ લવાજમ સાથે સભ્યપદ લેવા આપનો આ મિત્ર તૈયાર છે!
ધ્યાન એ શુદ્ધ વૈજ્ઞાનિક વિભાવના છે. શરીરમાં વહેતા વીજ ચુંબકીય સ્પંદનોના ધ્રુવીકરણ સાથે તેનો સંબંધ છે. ધ્યાનની વાત જેવી સાંભળવા-સમજવામાં સુગમ છે, અનુસરવામાં તેટલી જ અઘરી કેમ લાગે છે? કારણ કે ધ્યાન છે ભૌતિક અને ભાવાત્મક વિશ્વની સરહદ પર થતી ક્રિયા છે. આહાર વિહારથી ઘડાય તન તો વિચારથી નીપજે મન. જેવું મન તેવો ભાવ અને જેવો ભાવ તેવી રચના!
માનવ મન એટલે? અસ્ત-વ્યસ્ત આકાંક્ષાઓ, આગ્રહો અને અભિપ્રાયોનો ઓરડો! માનવનું મન બહારથી જેટલું જોઇ અને જાણી શકાય તેથી વધારે ઊડું અને અસીમ છે. જેને આધુનિક વિજ્ઞાન સબ-કોન્સિયશ માઇન્ડ કહે છે, તે તો અનેક રહસ્યોને સમાવતું મનો-સરોવર છે. જે કંઇ સાંભળીએ, જોઇએ કે અનુભવીએ છીએ તેની ફૂટ-પ્રિન્ટ મનની રેત પર પડે. આ પદછાપ અમીટ છે.
અઘ્યાત્મની ભાષામાં તેને જીવાત્મા પર પડેલા સંસ્કારો કહે છે. આ સંસ્કારો આપણને ક્યારે અને કયાં ઉઘાડા પાડશે, તે કહી ન શકાય. એટલે તો મહાત્મા ગાંધી જેવા સંત ત્રણ વાંદરાનું રૂપક સૂચવતાં કહે છે : બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો!
Monday, April 19, 2010
ધ્યાન = જાગૃતિ + સાવધાની
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment