Monday, April 26, 2010

આત્મા સાધનથી અસાઘ્ય, અનંત અને શ્રેષ્ઠ છે...

અનુવાદ: એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી, તારે શરીર માટે શોક કરવો ન જોઈએ.



આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શકિતશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઇ શકાતો નથી, તે અદ્રશ્ય-અવ્યકત છે.



gitaઆત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી.



આત્મા ચેતના છે અને સચેતન છે એ વેદોનું કથન છે. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતાં નથી. સદા અવિકારી રહેતો આત્મા, અનંત પરમાત્માની તુલનામાં અનુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે, અનંત આત્મા એવા પરમેશ્વરનો સમકક્ષ કદાપિ થઇ શકે નહિ.



આ જ વિચાર, વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે પુન: પુન: વ્યકત થયો છે. આપણે કોઇ બાબતને સમજી શકીએ માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે.



જીવત્માઓ નિવારણ તથા અસ્તિત્વ માટે પરમાત્મા પર આધારિત છે. જીવાત્મા અને પરમાત્માની વરચે પ્રેમનો સંબંધ છે, પરંતુ જીવાત્મા આ ભૂલી ત્રિગૂણી માયાના બંધનમાં ફસાઇ ગયો છે.



માનવ જન્મ ખૂબ જ દુર્લભ છે અને આ સમયે જીવાત્મા પોતાની પરિસ્થિતિને ગ્રહણ કરી પરમાત્માની સાથે પોતાના સંબંધ ફરીથી બનાવવા જોઈએ. આને યોગ કહેવાય છે. બધા યોગમાં ભકિતયોગ સરળ તથા ઉત્તમ ફળદાયી છે. જેથી આપણે આ જપનું અનુસરણ કરી શકીએ.



હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.



વ્યાસજીએ વેદરૂપ સમુદ્રનું બુદ્ધિરૂપી રવૈયાથી મંથન કરી તેમાંથી ગીતારૂપી અનુપમ નવનીત કાઢયું છે. આ નવનીતને જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ આપી ઉકાળવામાં આવતાં મનુષ્યને ગીતાનાં રહસ્યોનો તાગ મળે છે.



વૈરાગ્યવાન સદાસર્વદા જેની ઇચ્છા કરે છે, સંતો નિત્ય જેનું સેવન કરે છે અને બ્રહ્મનિષ્ઠ સુઘ્ધાં જેમાં વિહાર કરે છે તે તત્ત્વ સંસારીઓ માટે પણ સરળ અને સુલભ બને છે; ગીતાના અઘ્યયનથી. આકાશને ઢાંકી દેવું હોય તો આકાશથી વિશેષ મોટા થવું જોઈએ. ગીતાર્થની મહત્તાનું સ્વયં ભગવાન શંકરે વર્ણન કર્યું છે.



પાર્વતીજીએ કુતૂહલતાપૂર્વક પ્રશ્ન કરતાં ભગવાન શંકરે કહ્યું હતું, ‘હે દેવી જેમ તમારું સ્વરૂપ નિત્ય નવું હોવાથી તેનો પાર કોઈથી પમાતો નથી તેવી રીતે ગીતાતત્ત્વ નિત્ય નવું છે, એમ એનું શુદ્ધ સ્વરૂપ ગહન છે. જેની યોગનિદ્રામાંથી વેદ પ્રકટ થયા છે તે સર્વેશ્વરે સ્વમુખેથી અર્જુનને આ ગીતાનું કથન કર્યું છે.



આવી અગાધ ગીતા આગળ વેદ પણ સ્તબ્ધ બની જાય ત્યાં મારું શું ગજું? એ અપાર ગીતાનો પાર શી રીતે પામી શકાય? સૂર્યના તેજને કોણ ઉજજવળ બનાવી શકે તેમ છે? મુઠ્ઠીને ગગનમાં શી રીતે સમાવી શકાય?’ જ્ઞાનેશ્વરજી ગીતાના બીજા અઘ્યાયના પચીસમા શ્લોક માટે કહે છે: આત્મા તર્કશાસ્ત્રની દ્રષ્ટિથી દેખાય તેવો નથી.



મન તો તેનો મેળાપ કરવા માટે સદા તડપતું જ રહ્યું છે, હે અર્જુન! એ આત્મા મનને સદા દુર્લભ, સાધનથી સદા અસાઘ્ય, અનંત અને શ્રેષ્ઠ છે.



એ ત્રિગુણાતીત, અનાદિ, વિકારરહિત, સ્વરૂપાતીત અને વસ્તુમાત્રના સ્વરૂપમાં વ્યાપ્ત છે. હે અર્જુન! આ રીતે આત્માને સર્વવ્યાપી જાણીશ કે તત્કાળ શોકરહિત થઈશ.

No comments: