જો કોઇ આપની નિંદા કરે છે કે ભૂલો શોધે તો પ્રયત્ન કરવો જોઇએ કે તેને હકારાત્મક રુપમાં લઇએ અને પોતાની નબળાઇ દૂર કરીએ. સાથે બીજાની નિંદાથી બચીએ.
પ્રસિદ્ધ દુહો છે...
નિંદક નિયરે રાખિએ
આંગન કુટિ છબાય |
બિન પાની બિન સાબુન
નિર્મલ કરે સુહાય ||
આ દુહામાં કહેવામાં આવ્યું છે કે પોતાની નિંદા, આલોચના, ખોદણી કરનારી વ્યક્તિને હંમેશા પોતાની નજીક રાખવી જોઇએ. તેના મુખેથી આપણી આલોચના સાંભળી આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન લાવી શકીશું અને આપણામાં રહેલી ઉણપો દૂર થશે.
આ દુહો અતિપ્રાચીન છે અને આજના જમાનામાં કોઇ ક્યારેય પોતાની નિંદા સાંભળી શકતું નથી. “મારા કાર્યમાં કેવી રીતે ઉણપ રહી શકે ?” મોટાભાગના લોકોની આ જ વિચારસરણી છે. બધા ઇચ્છે છે કે ચોતરફ તેમના વખાણ થાય, કોઇ કાર્યમાં તેમની ભૂલ નજરે ન ચડે. પરંતુ જ્યારે આ આશાથી વિપરિત સમસ્યા સર્જાય, કોઇ આપણી ભૂલો બતાવે ત્યારે આપણો અહમ ઘવાય છે.
લોકોને બીજાની ભૂલો શોધવામાં મજા પણ આવે છે. લોકોના આ કાર્યને આજના સમયમાં નિંદારસ કહેવામાં આવે છે. આજે કોઇની ખોદણી કરવી જાણે કે એક ફેશન બની ગઇ છે. કોઇના સારા કાર્યોને ભલે કોઇ એકવાર યાદ ન કરાય પણ જો કોઇ ભૂલથી પણ કોઇ ભૂલ કરી બેસે તો તેણે કોઇ ગુનો કર્યો હોય તે રીતે તેને જોવામાં આવે છે. વાસ્તવમાં વ્યક્તિ બીજાની ભૂલો શોધી, બીજાની નિંદા કરી પોતાની ખામીઓને સંતાડવા ઇચ્છે છે. તે એ જ બતાવવા ઇચ્છે છે કે ખામીઓ માત્ર મારામાં જ નથી.
કેટલાક લોકોની માનસિકતા હોય છે કે જે કાર્ય હું ન કરી શકું તે કાર્ય કોઇ અન્ય વ્યક્તિ કેવી રીતે કરી શકે? પણ જ્યારે કોઇ એ કાર્ય કરીને બતાવે છે ત્યારે તે વ્યક્તિને પોતાની ખામીનું ભાન થાય છે અને તે તેના કાર્યમાં ખામીઓ શોધવા લાગે છે. આ પ્રકારની ભાવનાઓને વશ થઇને અન્યોમાં ખામીઓ શોધવામાં આવે છે અને પછી તે ભૂલોનો પ્રચાર કરવામાં વ્યક્તિને અદભૂત આનંદ પ્રાપ્ત થાય છે. જો કોઇ આપની નિંદા કરે છે કે ભૂલો શોધે તો પ્રયત્ન કરવો જોઇએ કે તેને હકારાત્મક રુપમાં લઇએ અને પોતાની નબળાઇ દૂર કરીએ. સાથે બીજાની નિંદાથી બચીએ.
No comments:
Post a Comment