ગુરુનાનક દેવજીએ અકાળ પુરુષનું જેવું સ્વરુપ પ્રસ્તુત કર્યુ છે, તે મુજબ અકાળ પુરુષ એક છે, તેના જેવું કોઇ બીજુ હોઇ શકે નહીં. તે દરેકમાં એકસમાન રૂપમાં વસેલો છે. તે અકાળ પુરુષનું નામ અટલ છે. એ અકાળ પુરુષ જ સૃષ્ટિ નિર્માતા છે...
અલગ-અલગ શબ્દકોશોમાં આપેલા અર્થ અનુસાર શીખ ધર્મનો અર્થ છે શિષ્ય, ચેલા, ગુરુનાનકના પંથના અનુયાયી, નાનકદેવના અનુયાયીઓનો એક વર્ગ. શીખ ધર્મ પણ જૈન ધર્મની જેમ હિન્દુ ધર્મની નજીકના ઘર્મોમાંનો એક છે. અર્થાત્ શીખ ધર્મ એટલે હિન્દુ ધર્મ સાથે સમાનતા કે એકરુપતા રાખે તેવો ગ્રંથ.
વાસ્તવમાં શીખ ધર્મગુરુઓ પર આધારિત ધર્મ છે. આ ધર્મના પ્રણેતા ગુરુનાનક દેવ છે. ગુરુનાનક દેવ શીખ ધર્મના પહેલા ગુરુ છે. આ ધર્મમાં બહુદેવતાવાદની માન્યતા નથી. શીખ ધર્મ માત્ર અકાળ પુરુષમાં માને છે. તે ‘એક ઇશ્વર’ અને ગુરુદ્વારા પર આધારિત ધર્મ છે. આ ધર્મમાં મહદ્અંશે ગુરુ મહિમા પૂજનીય અને દર્શનીય માનવામાં આવી છે.
ગુરુનું માધ્યમ દ્વારા જ અકાળ પુરુષ સુધી પહોંચે છે.
ગુરુનાનક દેવજીએ અકાળ પુરુષનું જેવું સ્વરુપ પ્રસ્તુત કર્યુ છે, તે મુજબ અકાળ પુરુષ એક છે, તેના જેવું કોઇ બીજુ હોઇ શકે નહીં. તે દરેકમાં એકસમાન રૂપમાં વસેલો છે. તે અકાળ પુરુષનું નામ અટલ છે. એ અકાળ પુરુષ જ સૃષ્ટિ નિર્માતા છે, સંસારની નાની-મોટી વસ્તુઓનું નિર્માણ પણ તેમણે જ કર્યુ છે. તેના દ્વારા બનાવવામાં આવેલી તમામ વસ્તુઓમાં પણ તેનો વાસ રહે છે. અર્થાત્ સૃષ્ટિના કણ-કણમાં તેનો વાસ રહે છે. તે સર્વશક્તિમાન છે, તેને કોઇનો ડર નથી હોતો કે ન તો તેને કોઇની સાથે દુશ્મનાવટ હોય છે.
તે અકાળ પુરુષનું અસ્તિત્વ બંધન મુક્ત હોય છે. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ જેવું વિભાજન તેના માટે કોઇ મહત્વ નથી ધરાવતું. બાળપણ, યૌવન, વૃદ્ધવસ્થા અને મૃત્યુનો પણ તેના પર કોઇ પ્રભાવ નથી પડતો. અકાળ પુરુષ કોઇ યોનિમાં જન્મ નથી લેતો અર્થાત્ તે જન્મ-મરણથી પર છે. તેને કોઇએ નથી બનાવ્યો કે ન તો તેને કોઇએ જન્મ આપ્યો છે. તે સ્વયં પ્રકાશિત છે. આવા પ્રભુ ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવ છે. તેમનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ પંજાબના શેખપુરા જિલ્લાના તલવંડીમાં થયો હતો. તેમનો સમય ઇસ 1469થી 1538 સુધીનો રહ્યો છે. તેમના પિતાનું નામ કલ્યાણદાસ, માતાનું નામ તૃપ્તાજી હતું. તેઓ બાળપણથી જ શાંત અને બુદ્ધશાળી હતા. તેમણે પોતાના શરૂઆતી જીવનમાં ખેતી, વેપાર જેવા કાર્યો કર્યા હતા. જેમ-જેમ ભક્તિ અને ધર્મમાં તેમનું મન પરોવાતુ ગયું તેમ-તેમ તેઓ ધાર્મિક યાત્રાઓ પર જવા લાગ્યા. તેમણે ગૃહ ત્યાગ કરી વિશ્વભ્રમણ કર્યું. તેમણે હિન્દીની સાથે સંસ્કૃત અને ફારસીનો અભ્યાસ પણ કર્યો હતો. નાની ઉંમરથી જ તેમને ભગવાન પ્રત્યે વિશેષ લગાવ હતો. ગુરુનાનક જ શીખ ધર્મના પ્રણેતા અને આધારસ્તંભ છે.
ગુરુનાનકની પ્રસિદ્ધ રચનાનું નામ જપુજી છે. જે રીતે હિન્દુઓ ગીતા પર, મુસ્લિમો કુરાન પર, પારસી ગાથા પર તેમજ બૌદ્ધ ધમ્મપદ પર શ્રદ્ધા રાખે છે તેમ શીખ ધર્મના અનુયાયીઓ જપુજી પર શ્રદ્ધા રાખે છે. શીખધર્મના પહેલા ગુરુ નાનકદેવજીના તમામ ઉપદેશોનો સાર આ ગ્રંથમાં છે. આ ધર્મમાં માનનારા લોકો દરરોજ જપુજીનું પઠન કરે છે. તે ગુરુમુખી લિપિમાં લખાયા છે. તે સમયથી જ આ લિપિ પ્રચલનમાં આવી છે. શીખ ધર્મના મુખ્ય ધર્મગ્રંથ ‘ગ્રંથ સાહિબ’નું સંકલન અને સંપાદન ઇસ 1604માં પાંચમા ગુરુ અર્જુનદેવે કર્યુ.
આ ગ્રંથમાં શીખ સંપ્રદાયના પાંચ ગુરુ અને ગુરુ તેજબહાદુરના વચનો તેમજ પદો સંગ્રહિત છે. શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી સાહિત્યના વિદ્વાન, કવિઓના સહાયક અને સંરક્ષક હતા, સ્વયં પોતે પણ એક સારા કવિ હતા. તેમની તમામ રચનાઓને શીખો ‘દશમ ગ્રંથ’ના નામે ઓળખે છે. ગુરુ ગોવિંદસિંહજીના મનમાં હિન્દુ ધર્મ અને દેવી-દેવતાઓ માટે ભારે શ્રદ્ધા હતી. તેમણે ‘રામાયણ’ ગ્રંથની રચના પણ કરી જે પાછળથી ‘ગોવિંદ-રામાયણ’ના નામે પ્રકાશિત થઇ.
શીખ ધર્મ મૂળરુપે ભારતીય ધર્મ છે. તેનો જન્મ અને ફેલાવો ભારતમાં થયો. આ ધર્મના સર્વાધિક અનુયાયીઓ ભારતમાં જ જોવા મળે છે. વિશ્વભરમાં આ ધર્મના અંદાજે 3 કરોડ અનુયાયીઓ છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ-પૂર્વી એશિયા, અને યુરોપમાં શીખ ધર્મના અનુયાયી છે.
No comments:
Post a Comment