મઘ્યમ માર્ગ કોઇ સિદ્ધાંત નથી, એ એક વિજ્ઞાન છે, જીવન જીવવાની રીત છે, શાંતિ અને સહજતાનો માર્ગ છે. અતિશયતા કે આત્યંતિકતાનો ત્યાગ કરવો એ જ મઘ્યમ માર્ગ છે.
સાધનાનો માર્ગ શાંતિનો માર્ગ છે. એ હોશ અને બોધપૂર્વક જીવવાનો માર્ગ છે, બુદ્ધે સાધનાની એક ખાસ દ્રષ્ટિ આપી છે. બુદ્ધ અદ્ભુત થયા — આકાશમાં ઊગેલા સૂર્ય જેવા, માનસરોવરમાં ખીલેલા કમળ જેવા, અંધારાંમાં પ્રજવલિત દીપક જેવા. હું બુદ્ધનો પ્રશંસક છું. મારા પર બુદ્ધનો પ્રભાવ રહ્યો છે. એમનો મઘ્યમ માર્ગ જીવન જીવવાનો વ્યવહારુ અને વૈજ્ઞાનિક માર્ગ છે. ભોગ અને યોગ વચ્ચે, કામના અને સાધના વચ્ચે સંતુલન બેસાડવાનું કામ મઘ્યમ માર્ગ કરે છે.
વિપશ્યના એક માર્ગ છે — સ્વયંના સત્ય સાથે સાક્ષાત્કાર કરવાનો માર્ગ. આપણે આપણી બેહોશીને સમજીએ, બેહોશીની જાળમાંથી બહાર નીકળીએ, જીવનની હકીકતોથી પરિચિત રહીએ અને પછી પોતાનું સહજ-સચેતન જીવીએ એ બહુ જરૂરી છે. હું સંબોધિમાં વિશ્વાસ રાખું છું. સંબોધિ એટલે હોશ અને બોધપૂર્વક જીવન જીવવાની દ્રષ્ટિ. એક મહાત્માએ એક સત્સંગી યુવકને સમજાવતાં કહ્યું, ‘દુનિયામાં કેવળ ભગવાન જ આપણા છે, બાકી કોઇ કોઇનું નથી. માતા-પિતાની સેવા અને પત્ની-બાળકોનું પોષણ કર્તવ્ય સમજીને કરો, એમાં ડૂબી જઇને, આસક્ત થઇને નહીં...’
યુવકે કહ્યું, ‘પરંતુ ભગવન્, મારાં માતા-પિતા મને એટલો પ્રેમ કરે છે કે એક દિવસ ઘરે ન જાઉં તો એમની ભૂખ-તરસ મરી જાય છે, ઊંઘ ઊડી જાય છે. વળી, મારી પત્ની તો મારા વગર જીવી જ ન શકે.’ મહાત્માએ યુવાનને પરીક્ષા કરવાનો રસ્તો સમજાવ્યો. એ મુજબ યુવક ઘરે જઇ ચૂપચાપ પલંગ પર સૂઇ ગયો. પ્રાણાયામ દ્વારા શ્વાસને મસ્તકમાં ઉપર ચડાવી એ લગભગ નિશ્ચેષ્ટ થઇ ગયો. ઘરવાળાઓએ એને મૃત માની રડવા-કકળવાનું શરૂ કરી દીધું. અડોશી-પડોશી અને સગાંવહાલાં ભેગાં થઇ ગયાં. એ જ સમયે મહાત્માજી આવી પહોંચ્યા. એમણે કહ્યું, ‘હું આને જીવતો કરી શકું છું. એક લોટો પાણી લાવો.’
ઘરના લોકો મહાત્માજીનાં ચરણોમાં આળોટી પડ્યા. મહાત્માજી એ પાણીના લોટા પર હાથ રાખી કંઇ મંત્ર બોલ્યા અને યુવકના માથા પર ત્રણ વાર ફેરવી કહેવા લાગ્યા: આ પાણી કોઇ પણ પી લે. પીનારનું મૃત્યુ થશે, પણ યુવાન જીવિત થશે. આ સાંભળતાં જ બધા આંચકો ખાઇ ગયા. હવે મરે કોણ? બધા એકમેકનું મોં જોવા લાગ્યા અને બહાનાં બતાવવા માંડ્યા. માતા-પિતા કહેવા લાગ્યાં, ‘અમારો આ કંઇ એકમાત્ર દીકરો તો નથી કે એને માટે મરીએ.’ પત્નીએ કહ્યું, ‘મરનારની પાછળ કંઇ મરી તો ન જવાય.’ છેવટે મહાત્માજીએ કહ્યું, ‘તો હું પી લઉં આ પાણી?’
ઘરના બધા એકસાથે - એક સૂરમાં બોલી ઊઠ્યાં, ‘આપ ધન્ય છો, પ્રભુ! તમારું તો જીવન જ પરોપકાર માટે છે. તમે કૃપા કરો. તમે તો મુક્ત પુરુષ છો. તમારે માટે તો જીવન-મરણ બધું સમાન છે.’ યુવકે આથી વધુ કંઇ જોવું-સાંભળવું નહોતું. એ બેઠા થતાં બોલ્યો, ‘ભગવન્, તમારે હવે આ પાણી પીવાની જરૂર નથી. તમે મને આ પાણી દ્વારા જીવનનો સાચો બોધ આપ્યો છે, સંબુદ્ધ જીવનનો બોધ.’ યુવકે જીવનનો બોધ શીખી લીધો. શું આપણે પોતાના જીવનના સત્યની રૂબરૂ થઇશું?
(‘ધ વિપશ્યના’ પુસ્તકમાંથી)
No comments:
Post a Comment