
ફકીરોની સોબતમાં શું મળે છે તે તો નક્કી નથી થઇ શકતું પણ કંઇક મેળવવાની ઘેલછા જરૂર નષ્ટ પામે છે. સૂફીઓના અંદાજમાં રહેનારા લોકો અન્ય લોકો પાસેથી અપેક્ષા છોડી દે છે. અપેક્ષા રહિત જીવનમાં પ્રેમ સાવ સરળતાથી જાગે છે. પ્રેમમાં સામેવાળી વ્યક્તિને પોતાના જેવી બનાવવાની તાકાત હોય છે. ફકીરી પ્રેમની પ્રતિનિધિ છે. અહમદ ખિજરવિયા નામના ફકીર સારા લેખક પણ હતા. તેઓ આમ તો ફૌજીઓના વેશમાં રહેતા હતા પણ સંપૂર્ણ રીતે પ્રેમથી લથબથ હતા. એક વખત તેમના ઘરમાં ચોર ઘૂસી ગયો. ચોર કલાકો સુધી ઘરમાં કંઇક શોધતો રહ્યો, પણ કંઇજ હાથ ન લાગ્યું. લાગે પણ ક્યાંથી ઘર તો પ્રેમથી ભરેલું હતું.
અહમદનું મન સંપૂર્ણ રીતે પ્રેમમાં મગ્ન હતું. ચોરને પાછા વળતા નિહાળી તેમણે તેને રોક્યો. તેમણે કહ્યું કે હું આપને પ્રેમ તો આપી જ શકુ છું, બાકી મારી પાસે કંઇ નથી. મારા ઘરમાં બેસો અને સમગ્ર રાત ઇબાદત કરો. ફકીર જાણતા હતા કે જીવનનું કેન્દ્રબિંદુ શોધવું હોય તો પ્રેમ જ એક માધ્યમ છે. જેના જીવનમાં પ્રેમ છે તેના જીવનમાં ઉપરવાળો છે. દુનિયામાં જે શબ્દોનો ભરપૂર ઉપયોગ થયો છે તેમાંનો એક છે પ્રેમ. લોકો તેના ખોટા અર્થો પણ કાઢે છે.
આવો જોઇએ પ્રેમ કેવું આચરણ કરાવે છે. પેલા ચોરે સમગ્ર રાત દરમિયાન ઇબાદત કરી. સવારે ફકીરને કોઇ અમીર ભક્તે કેટલીક દીનારો આપી. ફકીરે તે દીનારો ચોરને આપી દીધી અને કહ્યું કે તારી ઇબાદતના વળતરમાં આ કબુલ કર. ચોર હવે પ્રેમની પકડમાં હતો. આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે હું એ ખુદાને ભૂલી ગયો હતો જે એક રાતની ઇબાદતમાં આટલું બધું આપી શકે છે. ચોરે દીનારો ન લીધી અને કહેતો ગયો કે પ્રેમ અને પૈસા બંને મળ્યા, પણ હવે જ્યારે પ્રેમ પ્રાપ્ત થઇ ગયો છે ત્યારે અન્ય વસ્તુઓ પણ આપોઆપ આવી જશે. જીવનમાં જ્યારે પ્રેમનો પ્રવેશ અટકી જાય છે ત્યારે અશાંતિને પ્રવેશવાની જગ્યા મળી જ રહે છે.
No comments:
Post a Comment