ભગવાને આપણને જે અમુલ્ય શરીર આપ્યું છે તે કોઇ ખજાનાથી કમ નથી. ગરીબી માટે ભગવાનને ફરિયાદ કરવાથી સારું છે કે આપણા તેમણે આપેલા શરીરની મદદથી શ્રમ કરીએ, કર્મ કરીએ અને આપણું જીવન સારી રીતે પસાર કરીએ.
સામાન્ય રીતે આજનો સમાજ તેને ગરીબ ગણે છે જેની પાસે ધનનો અભાવ હોય છે. ધનના અભાવવાળી વ્યક્તિ પણ પોતાની જાતને ગરીબોની શ્રેણીમાં જ ગણાવે છે. જેમની પાસે ધનનો અભાવ હોય છે તેવા લોકો સામાન્ય રીતે ભગવાન અને ભાગ્યને કોસ્યા કરે છે. આવો જ એક ભિખારી જેની પાસે ભોજન ન હતુ, રહેવા માટે ઘર ન હતુ, પહેરવા માટે કપડા ન હતા, તે હંમેશા પોતાની પરિસ્થિતિ માટે ઈશ્વરને સારો-ખોટો ગણાવતો, અપશબ્દો બોલતો, નસીબને કોસ્યા કરતો. તેના દિવસો આવી રીતે જ પસાર થતા હતા.
એક દિવસ આ ભિખારી રસ્તા ઉપર ઊભો રહીને જોર-જોરથી બુમો પાડી ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો કે તે મને કંઇ આપ્યું નહીં, સમગ્ર જીવન દુખોથી ભરી દીધું, મને એક પૈસો કે કોઇ વસ્તુ ન આપી. તમામ સુવિધાઓથી વંચિત રાખ્યો. આવું જીવન આપ્યા કરતા તો મને જન્મ જ ન આપ્યો હોત તો વધારે સારું હતું. તે જ માર્ગ પાસે એક શેઠ રહેતા હતા જેની પાસે ધન-દૌલતની કોઇ ખોટ ન હતી. તેમણે ભિખારીને ભગવાન આગળ ફરિયાદ કરતા સાંભળ્યો. શેઠે પોતાના સેવકને ભિખારીને બોલાવવાનો આદેશ આપ્યો. સેવક તુરંત જ ભિખારીને લઇ આવ્યો.
શેઠે કહ્યું- ભાઇ શા માટે ભગવાનને કોસે :છે?
ભિખારીએ કહ્યું- શેઠજી ભગવાને મારી સાથે ન્યાય નથી કર્યો. તેણે મને દુખદાયક જીવન આપ્યું. એક પૈસાની સંપત્તિ પણ ન આપી, પેટ ભરવા માટે ખાવાનું ન આપ્યું. શેઠે ભિખારીને ઉપરથી લઇને નીચે સુધી નિહાળ્યો. તેમણે ભિખારીને કહ્યું હું તને એક લાખ રૂપિયા આપી શકુ છું. પણ તેના બદલામાં તારે મને તારો એક હાથ આપવો પડશે. ભિખારીએ વિચાર્યુ એક હાથ આપવામાં શું ખોટું છે, પૈસા તો મળશે. આમ વિચારી તે એક હાથ આપવા માટે તૈયાર થઇ ગયો. થોડુ વિચારી તેણે શેઠને કહ્યું કે એક લાખ રુપિયા તો થોડા દિવસોમાં જ ખલાસ થઇ જશે. શેઠે કહ્યું તો એક લાખ રુપિયા વધારે લઇ લે અને તારી એક આંખ મને આપી દે. ભિખારી આંખ આપવા પણ તૈયાર થઇ ગયો. ફરી પાછા થોડી વાર બાદ ભિખારીને પૈસા ઓછા લાગવા લાગ્યા. આ રીતે શેઠે ભિખારીના સમગ્ર શરીરની કિંમત આંકી. હવે રકમ મોટી થઇ ગઇ હતી. હવે ભિખારીને સમજણ પડી કે ભગવાને તેને અમુલ્ય શરીર આપ્યું છે, જે અનમોલ છે. તુરંત જ તે શેઠના પગમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો. ભિખારીને શેઠે પોતાને ત્યાં કામ માટે રાખી લીધો અને તેનું જીવન સારી રીતે વ્યતિત થવા લાગ્યું.
ભગવાને આપણને જે અમુલ્ય શરીર આપ્યું છે તે કોઇ ખજાનાથી કમ નથી. ગરીબી માટે ભગવાનને ફરિયાદ કરવાથી સારું છે કે આપણા તેમણે આપેલા શરીરની મદદથી શ્રમ કરીએ, કર્મ કરીએ અને આપણું જીવન સારી રીતે પસાર કરીએ.
No comments:
Post a Comment