Wednesday, April 28, 2010

સત્ય એ જ ઇશ્વર છે...........

ગાંધીજી એમના જીવન દરમિયાન ધર્મ/ઈશ્વર/સત્યને સમજવાનો અને પામવાનો જે ઉદ્યમ સતત કરતા રહ્યા અને એમની અનુભૂતિ જે રીતે એમનાં લખાણોમાં વ્યક્ત કરતા રહ્યા, એ થકી એમની ધર્મની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી ગઇ છે. એ ધર્મભાવના આપણને પણ સ્પર્શ કર્યા વગર રહેતી નથી.‘નવજીવન’ના તા.૮-૩-૧૯૨૫ના અંકમાં ગાંધીજી ઈશ્વરની જે સરળ ઓળખ આપે છે તેવી ઓળખ આપણને કદાચ ધર્મગ્રંથોમાં પણ ન મળે. ગાંધીજી જે રીતે ઈશ્વરને ઓળખાવે છે, એ રીત જો આપણે સ્વીકારી લઇએ તો ઈશ્વરનું સાંનિઘ્ય આપણે અનુભવવા લાગીએ.



gandhijiમહાત્મા ગાંધીએ કહ્યું હતું, ‘મારું જીવન એ જ મારો સંદેશ.’ ગાંધીજી એવું તો કેવું જીવી ગયા, કે એમનું જીવન સૌને માટે આદર્શ સમાન ગણાય? એમના જીવનમાંથી સૌને સીધો અને સરળ બોધપાઠ મળે?



ગાંધીજીને આપણે ‘ગાંધીબાપુ’ કહીને નવાજયા અને ‘મહાત્મા’ કહીને એમને સંતની કોટીએ મૂક્યા. આવું કરવા માટેનાં અનેક કારણો મળી આવે પણ સૌથી પ્રથમ કારણ જે ગણાવી શકાય તે મારી દ્રષ્ટિએ : ગાંધીજીના વિચાર અને આચરણમાં જરાય તફાવત ન હતો. એ સાચું વિચારતા અને સાચું લાગે તેને આચરણમાં મૂકતા.



બાલ્યકાળમાં એમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું. નાટક એમને ગમ્યું. ફરી ફરી જોવાનું મન થાય પણ વારંવાર તો કોણ જવા દે? એટલે એ નાટક મનમાં ને મનમાં સેંકડો વખત ભજવ્યું, વિચારતા રહ્યા કે હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી અને સત્યનું પાલન કરવું.



એમના મનમાં એ જ ધૂન ચાલી કે ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આમ સત્ય માટેની લગની ગાંધીજીને નાનપણથી લાગી હતી અને મોટા થતા ગયા તેમ એ લગની વધારે તીવ્ર થતી ગઇ.



‘ઈશ્વર સત્ય છે.’ એમ કહેતાં ગાંધીજીએ આગળ જતાં જણાવ્યું, ‘સત્ય એ જ ઈશ્વર છે.’ સત્ય પ્રત્યેની ગાંધીજીની અમાપ નિષ્ઠા જ અહીં પ્રગટ થાય છે.



ગાંધીજી એમના જીવન દરમિયાન ધર્મ/ઈશ્વર/સત્યને સમજવાનો અને પામવાનો જે ઉદ્યમ સતત કરતા રહ્યા અને એમની અનુભૂતિ જે રીતે એમનાં લખાણોમાં વ્યક્ત કરતા રહ્યા, એ થકી એમની ધર્મની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી ગઇ છે. એ ધર્મભાવના આપણને પણ સ્પર્શ કર્યા વગર રહેતી નથી.



‘નવજીવન’ના તા.૮-૩-૧૯૨૫ના અંકમાં ગાંધીજી ઈશ્વરની જે સરળ ઓળખ આપે છે તેવી ઓળખ આપણને કદાચ ધર્મગ્રંથોમાં પણ ન મળે. ગાંધીજી જે રીતે ઈશ્વરને ઓળખાવે છે, એ રીત જો આપણે સ્વીકારી લઇએ તો ઈશ્વરનું સાંનિઘ્ય આપણે અનુભવવા લાગીએ.



ચાલો જોઇએ, ગાંધીજી ઈશ્વરની ઓળખાણ કેવી આપે છે તે : ‘મારે મન ઈશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે, ઈશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઈશ્વર અંત:કરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે, પરમ પ્રેમસ્વરૂપ હોઇ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે.



જેને મૂર્ત સ્વરૂપે ભગવાનની હાજરી જોઇએ તેની આગળ તે મૂર્ત સ્વરૂપે દર્શન દે છે. જેને તેનો ચરણસ્પર્શ જોઇએ છે તેને અર્થે દેહધારણ કરે છે. ભગવાન શુદ્ધ સત્ત્વ સ્વરૂપ છે. શ્રદ્ધાળુને તે કેવળ સત્ સ્વરૂપ છે.’ ગાંધીજીએ આપેલી ઈશ્વરની આ ઓળખાણ આપણી ભક્તિભાવનાને પુષ્ટ કરે તેવી છે.



સામાન્ય સંજોગોમાં તો આપણેય સત્ય બોલીએ છીએ, સત્યનું જ આચરણ કરીએ છીએ, પણ આપણા માટે કોઇ અડચણ ઊભી કરે નહીં ત્યાં સુધી જ! સત્ય બોલવાથી કોઇ અડચણ ઊભી થતી લાગે તો સત્યને તરછોડી દેતાં અચકાતા નથી.



‘સત્યનારાયણ’ની કથાનો પ્રસાદ જેમ આપણે હોંશપૂર્વક સ્વીકારીએ છીએ તેમ ‘સત્યનારાયણ’નો પણ સ્વીકાર કરવા લાગીએ તો કેવું?

No comments: