Monday, April 19, 2010

દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો દસ્યુ છે...

VIRAL MORBIA

gyaneshwaracharyaદુષ્ટ મનુષ્યો ન કેવળ પોતાના જીવનને દુ:ખી બનાવે છે, પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર-સમાજ-રાષ્ટ્ર અને વિશ્વના મનુષ્યોને પણ દુ:ખી કરે છે

શબ્દાર્થ: अकर्मा- પુરુષાર્થ વિનાનો મનુષ્ય दस्युः- અસુર છે अभि- નુકસાન કરે છે नः- અમારી अमन्तुः- વિચાર ન કરવાવાળો अन्यव्रतः- અવળાં કામ કરવાવાળો अमानुषः- પશુ જેવો त्वम् - તું तस्य- તેનો दासस्य દસ્યુનો अमित्रहन् - હે શત્રુનાશક वधः- નાશ કરવાવાળો છે दासस्य- દસ્યુનો दम्भय- નાશ કર.

વેદ કહે છે કે દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો દસ્યુ છે, આવા મનુષ્યો ન કેવળ પોતાના જીવનને દુ:ખી બનાવે છે, પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર-સમાજ-રાષ્ટ્ર અને વિશ્વના મનુષ્યોને પણ દુ:ખી કરે છે.

આમાં પહેલી કક્ષાના દુષ્ટ બુદ્ધિવાળા ‘अकर्मा’ એટલે કે જે મનુષ્યો પુરુષાર્થ કર્યા વિના ફકત પોતાની બુદ્ધિચાતુર્યથી, છળકપટ, પ્રલોભન વગેરે અનૈતિક સાધનોથી ભોગસામગ્રી પ્રાપ્ત કરવાની ઇરછા ધરાવે છે, તેઓ ‘अकर्मा’ નામના દસ્યુ કહેવાય છે.

બીજી કક્ષાના દસ્યુ છે ‘अमन्तुः’ એટલે કે જે મનુષ્યો પોતાના વિચારો, વાણી, વ્યવહારનો પોતા પર, પરિવારના સભ્યો પર, સમાજ-રાષ્ટ્રની વ્યક્તિઓ પર શું પ્રભાવ પડશે તેનો વિચાર કર્યા વિના જ કર્મો કરી દે છે એવાં અમન્તુ દસ્યુ વ્યક્તિ લાંબો વિચાર કરતા નથી કે મારાં કાર્યો, વ્યવહારોનું, અમારી સંસ્કૃતિ-સભ્યતા- પરંપરાઓ વગેરે પર કેવો ખરાબ પ્રભાવ પડશે. આનો સૂક્ષ્મતાથી વિચાર કર્યા વિના જ, ક્ષણિક લાભ, સુખ- સગવડને કારણે ખરાબ કાર્યો કરી નાખે છે આવા વ્યક્તિઓ ‘अमन्तुः’ નામના દસ્યુ છે.

ત્રીજા પ્રકારના દસ્યુ છે ‘अन्यव्रतः’ એટલે કે નાસ્તિક વ્યક્તિ. જેઓ ન ઈશ્વરને માને છે, ન કર્મફળને, ન પાપ-પુણ્યને આવી વ્યક્તિઓનું લક્ષ્ય જેમ તેમ કરીને માત્ર ધન પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયભોગોને ભોગવવાનું હોય છે. આવી વ્યક્તિઓ દારૂ, માંસ, વ્યભિચાર, હિંસા વગેરે ખરાબીઓથી પરેજ રાખતા નથી. તેઓને માટે અહિંસા, સંયમ, ત્યાગ, તપસ્યા, ઈશ્વર સાક્ષાત્કાર, મોક્ષ વગેરે માન્યતાઓ નકામી હોય છે. આવા ‘अन्यव्रतः’ નાસ્તિકો માત્ર એક જ જીવનને માને છે, તે પણ આકસ્મિક (કર્તા વિના). તેઓને પોતાનું સુખ, પોતાનું ધન, સાધન, સંપત્તિ તેમજ પોતાની ભૂમિ જ દેખાય છે.

ચોથી કક્ષાના દસ્યુ છે ‘अमानुषः’ એટલે કે અત્યંત ક્રૂર, દયા વગરના મનુષ્ય જે ધન, ભોગ અને સુખ-સગવડને માટે કોઇ પણ વ્યક્તિની હત્યા કરી નાખે છે, કોઇની પણ ઇજજત લૂટી લે છે, મારકાપ કરી દે છે કે બોમ્બ ફેંકી દે છે. આ ‘अमानुषः’ નામના દસ્યુ, મનુષ્ય સ્વભાવથી રહિત તામસિક પ્રવૃત્તિવાળા પિશાચ હોય છે. શરીર તો તેઓના મનુષ્ય જેવા હોય છે પરંતુ કાર્ય તેઓનાં પશુઓથી પણ ક્રૂર-હિંસક હોય છે.

હે પરમેશ્વર! આપ તો આવા દસ્યુઓનો વિનાશ કરીને દંડ આપો છો, જુદી જુદી નરક જેવી યોનિઓમાં નાખો જ છો. અમોને પણ એવી શક્તિ, સાહસ, બળ આપો કે આવા દસ્યુઓનું દમન કરવાને માટે તેમ જ તેઓને રોકવાને માટે સુસંગિઠત થઇને કંઇક આયોજન કરીએ અને સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વની રક્ષા કરવામાં સમર્થ થઇએ. સારા ધાર્મિક, આર્ય, સજ્જન પુરુષ વધારે માત્રામાં હોવા છતાં પણ સંગિઠત ન હોઇ આવા દસ્યુઓના વિનાશને માટે કોઇ આયોજન અને તેના માટે તન-મન-ધનનો ત્યાગ ન કરે તો આ થોડા જ દસ્યુઓ, અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુ:ખ પહોંચાડતા રહે છે, એટલા માટે કપા કરીને અમોને સંગિઠત થવામાં, એક સમાન વિચાર, સિદ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી આ દસ્યુઓના વિનાશને માટે સર્વસ્વની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો, આ અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે.

No comments: