Monday, April 19, 2010

બસ, તૂં હી તૂં...

VIRAL MORBIA

ચિત્તવૃત્તિ જ્યારે ઉકરડે જઇ બેસવાની ટેવ છોડીને સુંદર સુગંધિત પુષ્પો માંહેથી રસ ચૂસવાની મધુર વૃત્તિમાં રૂપાંતરિત થાય ત્યારે સંયમની શરૂઆત થાય. ચિત્તની આવી શુદ્ધ અને સાત્વિક અવસ્થા કઇ રીતે ટકાવી શકાય, એ દરેક આઘ્યાત્મિક પ્રણાલીનું મુખ્ય હાર્દ છે.

yogaધારણા, ઘ્યાન અને સમાધિનો સરવાળો એટલે સંયમ. યોગના આ ત્રણ અંતરંગ ચરણોની પૂર્વભૂમિકાનું નિર્માણ યમ-નિયમ, આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારથી થાય. યોગના આ પાંચ ક્વોલિફાઇંગ રાઉન્ડ પૂરા કર્યા પછીની અનુભૂતિ કેવી હોય? આ અંગે ગીતા અને શ્વેતાશ્વેતર ઉપનિષદમાં સુંદર વર્ણન છે.

સાધકનું શરીર નરવું અને હળવુંફૂલ થાય. શરીરના કણેકણમાં ઓજસ પ્રસરે, ત્વચા તેજસ્વી અને આકર્ષક બને, અવાજ સુરીલો થાય, શરીરમાં સુગંધ આવે અને મળ-મૂત્રનું પ્રમાણ ઘટે. આ બધાં યોગનો ખરો રસ્તો પકડાયાનાં ચિહ્નો છે. યમ અને નિયમના પાલનથી જ્યારે આહાર-વિહાર અને વિચાર વધુ ને વધુ સાત્વિક બનતા જાય ત્યારે શરીર નીરોગી અને તેજસ્વી બને તે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે.

હળવા, સુપારય અને તાજા ખોરાકથી શરીરમાં મેલનું પ્રમાણ ઘટે, મળ-મૂત્ર પ્રવત્તિ પણ ઓછી થાય. સાત્વિક આહારથી ઘડાયેલા તનમાંથી નાના બાળક જેવી સુગંધ આવે. યોગનાં પ્રારંભિક ચરણોમાં સૂચવેલ ક્રિયાઓ શરીર વિજ્ઞાનની એરણે સો ટકા ખરી ઊતરે છે. ઋષિની વૈજ્ઞાનિક દ્રષ્ટિને પ્રણામ કરીને આગળ વધીએ.

ધારણા એટલે શું? મહર્ષિ પતંજલિ વિભૂતિપાદના પ્રારંભે બહુ જ સરળ શબ્દોમાં કહે છે, ‘દેશ બન્ધ ચિત્તસ્ય ધારણા.’ દેશ એટલે કોઇ ખાસ જગ્યા અથવા સ્થાન. આપણે જોયું કે ચિત્તને કોઇ થાંભલે કે ખીંટીએ બાંધવું પડે.

આ ખીંટી કેવી હોઇ શકે? ગીતામાં ભગવાન એક ઉત્તમ ખાતરી વચન ઉચ્ચારે છે, ‘સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટ!’ પરમાત્મા દરેકના હૃદયમાં વસે છે. જગદ્ગુરુ આદિ શંકરે એકત્વનો જયઘોષ કરતાં કહ્યું છે, ‘જીવ અને શિવ બંને એક જ છે.’ લગભગ દરેક આઘ્યાત્મિક પ્રણાલીનું મૂળ તત્વ સમાન છે.’

એકત્વનો આ ધબકાર અનુભવવો છે, મિત્રો? ચેતનાની કોઇ ઉત્તમ ક્ષણે જરા હૃદય પર હાથ મૂકી જુઓ. દિલની સરગમ આનંદ અને શાંતિના સૂરથી ભરપૂર હશે. તેનાથી ઊલટું, જ્યારે ક્રોધ, ઇર્ષ્યા કે કોઇ તામસીવૃત્તિનું વાદળ મનોપટલ પર ઘેરો ઘાલે ત્યારે હૃદયની બંસરી અવશ્ય બેસુરી થઇ જશે. હૃદય-સિંહાસન પરના ઈશ્વરનાં બેસણાંનો આ સૌથી મોટો પુરાવો.

દિલ કભી જૂઠ નહીં બોલતા! શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું છે, ‘અંગુષ્ઠ માત્ર પુરુષો અંતરાત્મા, સદા જનાનાં હૃદયે સન્નિવિષ્ટ!’ જ્યારે ચિત્ત નોર્મલ થાય ત્યારે અંગૂઠાના માપની દિવ્ય જ્યોત દિલના કોડિયે જલતી દેખાય. સાધનાના પ્રારંભની સમસ્યા એ છે કે જ્યોતને સ્થિર કેમ કરવી?

સુંદર રૂપક આપતાં ઋષિ કહે છે, જેમ તલમાં તેલ, દહીંમાં ઘી, ઝરણામાં પાણી અને અરણી-કાષ્ઠમાં અગ્નિ સમાયેલ છે, તેમ હૃદયમાં ઈશ્વર છુપાયેલ છે. જરૂર છે, તલને ધાણીએ પીલવાની કે દહીંના મંથનની. આ મંથન કેમ કરીને થાય? હૃદય ગુહામાં બિરાજતા ઈશ્વરના જ્યોતિમર્ય સ્વરૂપનો ભાસ કેમ થાય?

એક અનુભવી વાત કરું. કાન એ હૃદયનો ખાસ ભેરુબંધ અને આંખ એ મોટામાં મોટી દુશ્મન! ધારણા માટેનો સાવ સરળ એક્શન પ્લાન જોઇએ. આંખ કરીએ બંધ અને કાન સરવા કરીએ. કોઇ સુંદર મજાના વાદ્યસંગીત કે ભજન કીર્તનને કાનના પ્યાલાથી હૃદયની હોજરીમાં ઘૂંટડે ઘૂંટડે ઉતારીએ.

રુદિયામાં બેઠેલો રામ અંદરની આંખ્યુંમાં દેખાવાનો શરૂ થાય તે પહેલાં બહારની આંખો પ્રેમનાં આંસુથી છલકાવા માંડશે. ઘ્યેય સાથે ચિત્ત સમાહિત થયા પછી ત્યાં જ ચોંટી રહેશે તેની ગેરંટી માત્ર બે માણસો જ આપી શકે અને તેમનાં નામ છે, અભ્યાસ અને વૈરાગ્ય.

ચિત્તવૃત્તિ જ્યારે ઉકરડે જઇ બેસવાની ટેવ છોડીને સુંદર સુગંધિત પુષ્પો માંહેથી રસ ચૂસવાની મધુર વૃત્તિમાં રૂપાંતરિત થાય ત્યારે સંયમની શરૂઆત થાય. ચિત્તની આવી શુદ્ધ અને સાત્વિક અવસ્થા કઇ રીતે ટકાવી શકાય, એ દરેક આઘ્યાત્મિક પ્રણાલીનું મુખ્ય હાર્દ છે.

ચિત્ત જ્યારે પરમતત્વના કોઇ શ્રેષ્ઠ સ્વરૂપમાં સમાઇ જવા તડપી ઊઠે એ સ્થિતિ એટલે ધારણા! ત્યારે મનનો એકતારો ઝણઝણી ઊઠે અને ગાઇ ઊઠે, બસ તૂં હી તૂં!

No comments: