Monday, April 19, 2010

તસ્ય વાચક પ્રણવ:

VIRAL MORBIA

meditation_yogaધારણા અંગે ગતાંકમાં જોઇ ગયા. ત્યાર પછીનું પગથિયું છે ઘ્યાન. આ શબ્દ વ્યવહારમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. કોઇ તોફાની બારકસની મમ્મી કહેશે, ‘મારા ટપૂડાનું ભણવામાં ઘ્યાન ચોંટતું નથી, શું કરું?’ ઓફિસમાં બોસ ટાઇપિસ્ટને ધમકાવે છે કે હમણાં હમણાં જોડણીની બહુ ભૂલો કરે છે, તારું ઘ્યાન કયાં હોય છે? વગેરે. આ ઘ્યાન એટલે શું?



મહર્ષિ પતંજલિ કહે છે, ઘ્યેય (ધારેલ વિષયમાં) તરફ વત્તિઓનું એકતાન થવું તે ઘ્યાન. ટીવી પર કાટૂર્ન ફિલ્મ જોઇ રહેલા બાળકના ચહેરાનું ઘડી-બે-ઘડી અવલોકન કરીએ એટલે મહર્ષિની વ્યાખ્યા તરત જ સમજાઇ જાય, ખરું ને? આ જ બાળક જ્યારે ભણવા બેસે છે, ત્યારે ઘ્યાન નથી ચોંટતું તેવી ફરિયાદ કરે છે. આવું શાથી બને છે?



આપણે ધારણાનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપો જોઇ ગયા. જેમાં વંદાવન બિહારી નટખટ નાગરનું મનોહરી રૂપ કેવું હૃદયંગમ છે! ઘ્યેય જેટલું સુંદર ને આકર્ષક હોય ઘ્યાન તેટલું ઊંડું. બાળકને કાટૂર્ન ફિલ્મમાં જેટલો રસ પડે છે, તેટલો અભ્યાસ સામગ્રીમાં કેળવી શકાય તો કેવું સારું!



ધારણા અને ઘ્યાનનો આ સંબંધ વ્યવહારુ જીવનના દરેક પાસામાં ઉપયોગી છે. પ્રથમ પગથિયું છે, ઘ્યેય નક્કી કરવું. ઘ્યેયમાં આદર્શ અને વ્યવહારનો સુમેળ હોવો જોઇએ. જે ન અતિ ઊંચું કે ન અતિ નીચું હોય. હોય ન બહુ સરળ કે ન બહુ કઠિન. ધારણા પ્રત્યે વૃત્તિઓનું એકાગ્ર થવું તે ઘ્યાન. વૃત્તિઓની એકાગ્રતા માટે જરૂરી સાધનોનું વર્ણન ગીતા (૬/૧૧-૧૩) અને શ્વેતાશ્વેતર ઉપનિષદ (૨/૮)માં છે. સાધકો માટે તેનો સરળ ભાવાર્થ જોઇએ.



ઘ્યાન માટે શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરીએ. ઘરનો કોઇ નાનો ઓરડો પણ હોઇ શકે. શક્ય હોય તેટલી ઓછી અવર- જવરવાળું સ્થળ આદર્શ છે. સ્વરછતા અને સુગંધ ઘ્યાનના પૂરક છે. બહુ તીવ્ર ગંધ કે વધુ પડતો પ્રકાશ ઘ્યાનમાં અવરોધક છે. હળવો પ્રકાશ અને મંદ સુગંધયુક્ત હવાની લહેરખી ઘ્યાનની શ્રેષ્ઠ રેસિપી છે. આવા સ્થળે દર્ભ (ઘાસ), રેશમ અથવા ઊનનું વસ્ત્ર આસન તરીકે પાથરવું. આ પદાર્થો બ્રહ્માંડની ઊર્જાના આકર્ષણ માટે ખૂબ ઉપયોગી છે. કમર, છાતી અને ગરદન ટટ્ટાર રાખી સુખાસન, પદ્માસન કે સિદ્ધાસનમાં બેસીને ઘ્યાન કરવું જોઇએ.



ઓમ્કારરૂપી ધનુષ્ય અને આત્મરૂપી તીર વડે બ્રહ્મપ્રાપ્તિનો લક્ષ્યવેધ એટલે ઘ્યાન! ઓમ્કારનો મનોમન જાપ કરતાં કરતાં હૃદયમાં બિરાજેલા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું ઘ્યાન કરીએ. જેમ તીર છોડતાં પહેલાં બાણાવળી તેના લક્ષ્ય સાથે એક થાય તેમ ઓમ્કારમાં એકતાન થવું. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં ઋષિ કહે છે, બ્રહ્મોડુપેન પ્રતરેત! આ સંસારના ભયાનક તોફાની પ્રવાહોને ઓમ્કાર રૂપી નાવથી તરી જા ને મનવા! ઓમ્કારનું પૂરું મહત્ત્વ સમજવા એક વાર માંડુકયોપનિષત્ જોઇ લેવા જેવું છે, મિત્રો.



ઘ્યાનની શરૂઆતમાં અણગમતા મહેમાનની પેઠે જાત-ભાતના વિચારો ઊમટી આવશે. આવા વિક્ષેપોને કોઇ પ્રતિક્રિયા ન આપીએ, માત્ર નિહાળીએ. જયાંથી આ વિચારો આવ્યા છે, ત્યાં જ શમી જવા દઇએ. ઘ્યાનનો દોર આપમેળે ફરીને સંધાઇ જશે. અતૂટ ઘ્યાનને તેલની ધારની ઉપમા આપી છે. ધારણા અને ઘ્યાન બંનેમાં ધીરજ જોઇએ. ઘ્યાનના પાયામાં તત્ત્વો છે, અભ્યાસ અને ધૈર્ય. વિક્ષેપથી વિચલિત થવાને બદલે આ મનોવ્યાપારોના મૂળ શોધી કાઢીએ.



સુષુપ્ત મનમાં છુપાયેલા કોઇ અસંતોષ, કોઇએ કશુંક સંભળાવી દીધાનો વસવસો, સત્તા-સંપત્તિ-સન્માનની દોડમાં પીછેહઠ થયાનો રંજ કે આવું કંઇક! આ બધા વિક્ષેપનાં મૂળ છે. તેનો ઉપાય છે, હકારાત્મક ચિંતન. ‘આઇ વિલ સી યુ’ ને બદલે ‘કોન્ગ્રેટ્સ, યુ રિયલી ડિઝર્વડ્ ઇટ’ જેવી ખેલદિલ પ્રતિક્રિયા આપવાની ટેવ પાડીએ. મનની શાંતિ ઘ્યાનની ચાવી છે, શાંતિનાં ફૂલ આત્મસંતોષના સબ્ઝબાગમાં ખીલે. જેનાં ખેડ, ખાતર અને પાણી એટલે સાદગી, નમ્રતા અને ઉદારતા!


No comments: