Monday, April 19, 2010

પ્રભુ, અમારા માર્ગદર્શક બની જાઓ...

VIRAL MORBIA

જે મનુષ્ય અનંત અદ્ભુત સામર્થ્યવાળા પરમેશ્વરની ઉપાસના કરે છે તે સાચા ભક્તને ઈશ્વર અલૌકિક સામર્થ્યથી યુક્ત, અદ્ભુત ગુણ-કર્મ-સ્વભાવવાળા બનાવી દે છે.gyaneshwararya



પ્રભુ, અમારા માર્ગદર્શક બની જાઓ
તમિત્ સત્વિં ઇમહે તં રાયે તં સુવીર્યે |
સ શક્ર ઉત ન: શકદિન્દ્રો વસુ દયમાન: ||
(ઋગ્વેદ 1/10/6)



શબ્દાર્થ: તમ્ ઇત્ - તેજ ઈશ્વરની સાથે, સત્વિં - મિત્રતાની, ઇમહે -ઇચ્છા કરીએ છીએ, તમ્ -તેની મિત્રતા કરીએ, રાયે - સામર્થ્ય માટે, તમ્, તેની જ મિત્રતા કરીએ, સુવીર્યે - ઉત્સાહને માટે, સ:-તે પરમેશ્વર, શક્ર:-મહાન સામર્થ્યવાળા છે, ઉત ન: - અને અમોને પણ, શકત્- અનંત સામર્થ્યથી જોડી શકે છે, ઇન્દ્ર: -તે પરમ ઐશ્વર્યવાન છે, વસુ દયમાન: -વિદ્યા, બળ અને ચક્રવર્તી સામ્રાજ્યને પણ પ્રાપ્ત કરવાવાળા છે.



વ્યાખ્યા: જે આકાશ સમાન વ્યાપક, સૂર્ય સમાન પ્રકાશવાન, વાયુ સમાન નિરાકાર છે, જેણે સમસ્ત બ્રહ્માંડની રચના અને પાલન કરી છે, જે અમોને વેદોનું જ્ઞાન દે છે, સાથે જ અમારા અંત:કરણમાં વિરાજમાન થઇ સારા-નરસાનું પરિજ્ઞાન કરાવે છે, ઉત્તમ ધર્મયુક્ત કાર્યો કરતી વખતે મનમાં આનંદ, ઉત્સાહ, નિર્ભિકતા ઉત્પન્ન કરે છે અને ખરાબ કાર્યો કરવાના સમયે મનમાં ભય, લજ્જા ઉત્પન્ન કરે છે તે પરમેશ્વરનું મુખ્ય નામ ઓમ્ છે.



તેની સાથે મિત્રતા રાખવી જોઇએ કારણ કે તે જ ઉત્તમ ધન, ઉત્સાહ, સામર્થ્ય પ્રદાન કરે છે અને મહાનતા, સાહસ, દ્રઢતા પ્રદાન કરે છે. તે ઈશ્વર કણ-કણમાં વ્યાપક છે અને નિરાકાર છે, પરંતુ સર્વશક્તિમાન હોવાથી તે બ્રહ્માંડના લોક-લોકાંતરની રચના કરી દે છે.



જે મનુષ્ય અનંત અદ્ભુત સામર્થ્યવાળા પરમેશ્વરની ઉપાસના કરે છે તે સાચા ભક્તને ઈશ્વર અલૌકિક સામર્થ્યથી યુક્ત, અદ્ભુત ગુણ-કર્મ-સ્વભાવવાળા બનાવી દે છે. વિશિષ્ટ ગુણ-કર્મ- સામર્થ્ય, જ્ઞાન, બળ અને યોગ્યતાને પ્રાપ્ત કરીને જ મનુષ્ય અસંભવ જેવાં લાગતાં કાર્યોને સંપન્ન કરી દે છે.



તે ઈશ્વરનું નામ ઇન્દ્ર છે કારણ કે તે પરમ શાંતિ, સુખ, સંતોષ વગેરે ઐશ્વર્યને ધારણ કરે છે અને ધાર્મિકોને આ ઐશ્વર્ય પ્રદાન પણ કરે છે. સાચા ઈશ્વરની સાચી ભાવનાથી અને વિધિથી ઉપાસના કરવાવાળાને નિશ્વિત જ ઈશ્વર પરમ શક્તિ, જ્ઞાન-વિજ્ઞાન, સામર્થ્ય પ્રદાન કરે છે. આવા ઈશ્વર પ્રદત્ત સામર્થ્યને કારણે તેઓ સમાજ, રાષ્ટ્ર ઉદ્ધારનાં વિશેષ કાર્યોને સંપન્ન કરવાનો સંકલ્પ ધારણ કરે છે અને ત્યાગ-તપ-પુરુષાર્થ-બુદ્ધિ-કુશળતા-નીતિ-સાહસ-સંગઠન વગેરે ગુણોના કારણે તે પ્રયોજનોમાં તરત જ સફળતા પણ મેળવી લે છે.



નિરાકાર નરેશની ઉપાસના કરવાવાળા ઉપાસક ન કેવળ પોતાના વ્યકિતગત અભાવો, ન્યૂનતાઓ, નિર્બળતાઓ, કુટેવો અને રોગોને દૂર કરે છે, પરંતુ પારિવારિક સમસ્યાઓ, વેર-વિરોધોને પણ સમાપ્ત કરી રાષ્ટ્રને સુસંગિઠત પણ કરી દે છે. એટલું જ નહીં સંપૂર્ણ વિશ્વમાં એક અખંડિત ચક્રવર્તી સામ્રાજ્યની પણ સ્થાપના કરી દે છે.



સમસ્ત દેશોમાં રહેવાવાળા લોકોનાં ભિન્ન ભિન્ન ભાષા-ભૂષા ભોજન, ભક્તિ, ભગવાન, સંવિધાન, પરંપરાઓ, રીત-રિવાજો, માન્યતાઓ સંબંધિત પરસ્પરના વિરોધોને દૂર કરી, તે સર્વ લોકોમાં એકત્વની સ્થાપના કરી દે છે. આ બધું ઈશ્વરથી મેળવેલ વિશેષ જ્ઞાન-બળના આધારે જ સંભવે છે, માટે હે પરમેશ્વર! અમે આપને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આપ અમારા સખા બની જાઓ, અમારા માર્ગદર્શક બની જાઓ, આપના આદેશ અનુસાર જ અમે કાર્યો કરીશું.



આપની મિત્રતાથી જ અમે અમારા બધા જ આંતરિક શત્રુઓનો વિનાશ કરી, પછી બહારના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી, વિશ્વમાં પુન: ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સમર્થ થઇએ એવું સામર્થ્ય, બળ, ઉત્સાહ, પરાક્રમ અમારા અંત:કરણમાં ભરી દો, આ બધું આપની કૃપાથી જ સંભવ છે. અમે તુરછ જીવો પોતાના સામર્થ્યથી તો કાંઇ પણ કરી શકતા નથી. આપ પર જ પૂરો ભરોસો છે, આપ જ પૂરું કરશો.

No comments: