Monday, April 19, 2010

વર્ધમાન વિશ્વના મહાસાધક બન્યા...

VIRAL MORBIA

જીવનની ખુલ્લી કિતાબમાં અનેકવિધ પરીક્ષાઓમાંથી સ્વાભાવિક પણે પસાર થઇ આગળ વધનારા વર્ધમાન ‘વીર’ તરીકે ખ્યાત થયા તો ભીષ્મ તપ-ત્યાગ, ઘ્યાન-સાધનાના બળે આ વિશ્વમાં ‘મહાવીર’ના નામે સુવિખ્યાત બન્યા!



mahavirswamiભારતની આ ધરા અનેક સત્પુરુષોની સાધનાથી ધન્ય બનેલી છે. આ ધરાને ધન્યતા બક્ષનારા અનેક સાધકોમાં એક પરમ સાધક હતા જૈનોના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરદેવ.



૨૬૦૦ વર્ષ પૂર્વે પૂર્વ ભારતની ક્રાંતિકારી ભૂમિ ક્ષત્રિયકુંડ નગરમાં મહારાજા સિદ્ધાર્થની મહાસતી ત્રિશલા રાણીની રત્નકુક્ષીથી એક દિવ્ય આત્મા પોતાની આઘ્યાત્મિક ઊર્જા શક્તિને ધારણ કરીને આજના દિવસે આ અવનિ પર અવતરિત થયો. જે પોતાના પરિવારમાં ‘વર્ધમાન’ના હુલામણા નામથી આદરણીય બન્યો. આ જ વર્ધમાન આગળ જતાં ‘વીર’ અને ‘મહાવીર’ના નામે આ વિશ્વમાં અમર બન્યા.



આ વિશ્વમાં જન્મ લેનારા એવા દરેકનો જન્મ વખાણવાલાયક બનતો નથી પણ આવા મહાપુરુષોના જન્મ જ વખાણવાલાયક બને છે, કેમ કે તેઓના જન્મની પાછળ સમગ્ર સૃષ્ટિના કલ્યાણની મંગલ ભાવના નિહિત હોય છે, તેથી જ આવા સાધક-તીર્થંકરોના જન્મ દિન ‘કલ્યાણક’ રૂપે ઊજવાય છે.



પૂર્વ ભવની અપૂર્ણ સાધના પૂર્ણ કરવા માટે જન્મ ધારણ કરનારા શ્રી વર્ધમાન મહાસાધક હતા. જન્મ-જન્માંતરની સાધનાને સાઘ્ય સાથે અભેદતા પ્રગટાવવાનો તેઓનો ઘ્યેય હતો. જે તેઓએ નિષ્પન્ન કર્યો. વર્ધમાનની સાધના પરમાર્થની હતી. પરપીડા નિવારણની હતી તો પોતાની સ્વાભાવિક સ્થિતિને પામવાની પણ હતી. પોતાના ભીતરી કામ-ક્રોધાદિ દોષોને મિટાવીને અને ક્ષમાદિ ગુણોની ચરમ-સ્થિતિને ઉજાગર કરીને તેઓએ સાધના સિદ્ધ કરી હતી.



જીવનની ખુલ્લી કિતાબમાં અનેકવિધ પરીક્ષાઓમાંથી સ્વાભાવિક પણે પસાર થઇ આગળ વધનારા વર્ધમાન ‘વીર’ તરીકે ખ્યાત થયા તો ભીષ્મ તપ-ત્યાગ, ઘ્યાન-સાધનાના બળે આ વિશ્વમાં ‘મહાવીર’ના નામે સુવિખ્યાત બન્યા!



ભગવાન મહાવીરની તમામ પ્રકારની સાધનાના મૂળમાં આ દુનિયાના નાના-મોટા તમામ જીવોના સુખની-કલ્યાણની કામના-ભાવના બીજ રૂપે ધરબાયેલી હતી. સંસારનાં સમસ્ત પ્રાણીઓની તેઓએ હિત-ચિંતા કરી હતી. તમામ જીવોની દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિની પ્રબળ ભાવના જ તેઓના પોતાના પણ દુ:ખમુક્તિનું કારણ બની. કહ્યું પણ છે કે ‘ભાવના ભવ-નાશિની.’



આવા પ્રબલ શુભ ભાવનાઓના સ્વામી ભગવાન મહાવીરદેવના અવતરણની સાથે જ આ સૃષ્ટિ પર અહિંસા, કરુણા, મૈત્રી, ક્ષમા, સહિષ્ણુતા, દયા વગેરે અનેક ગુણોનું પણ પ્રકર્ષ રીતે અવતરણ થયું છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ જેવા સિદ્ધાંતોની પણ પુન:પ્રતિષ્ઠા થઇ છે.



આ વિશ્વમાં બે પ્રકારના મહાપુરુષો થયા. એક એવા મહાપુરુષો થયા કે જેઓએ આ દુનિયાને ઉરચ પ્રકારના આદર્શોબતાવ્યા. બીજા એવા સત્પુરુષો થયા કે જેઓએ આ વિશ્વને ઉચ્ચ પ્રકારના આદર્શોતો બતાવ્યા પણ સાથે તે આદર્શોને જીવનમાં કઇ રીતે મેળવવા તેનો ઉચિત રાહ-માર્ગ બતાવ્યો. ભગવાન મહાવીર પ્રભુ બીજા પ્રકારના મહાપુરુષ હતા. પોતે ઉરચ પ્રકારના આદર્શો બતાવીને તે આદર્શોને પામવાનો માર્ગ પોતે તે રીતે જીવીને બતાવ્યો.



પ્રભુ મહાવીર ગજબની કોટિના સાધક હતા. પરાર્થમૂર્તિ હતા. પરાર્થની આ અખંડ પ્રતિમા વિશ્વના ખૂણે-ખૂણે ભમી છે. પરાર્થમૂર્તિની એ અવિનાશી જ્યોત અગણિત આત્માઓના અતલ ઊંડાણમાં પેસી જઇને ત્યાંના અનંત અંધિયારાને ઉલેચી આવી છે. બુઝાયેલા લાખ્ખો દીવડાઓને પ્રભુ વીરે પોતાના પાવક સ્પર્શથી પ્રગટાવી દીધા છે.



ઔચિત્ય ધર્મના મહાસાગર મહાવીર દેવની ભવ-યાત્રાનો આ અંતિમ પડાવ હતો. માતાના ગર્ભમાં રહીને આ જગતને માતૃ-ભક્તિના ગજબના પાઠ શીખવનારા પ્રભુ વીરે પાપાત્માઓનાં પાપને બાળ્યાં છે. દુ:ખીઓનાં દુ:ખને જલાવી દીધાં છે. અજ્ઞાનીઓના અજ્ઞાનને ઉલેચી નાખ્યાં છે. આ જગતને સુખ અને શાંતિ આપ્યાં છે. સન્મતિ અને સદ્ગતિ આપ્યા છે. સન્માર્ગ અને સૌજન્યતાના દાન કર્યાં છે.



આવા મહાદાનેશ્વરી જગદ્ ઉદ્ધારક ભગવાન મહાવીરદેવનો જન્મ કલ્યાણક દિવસ આપણને ઉપદેશ આપે છે ‘અજન્મા’ બનવાનો! જન્મ જ દુ:ખોનું મૂળ છે. આ સનાતન સત્યનો સ્વીકાર કરીને જન્મનાં દુ:ખમાં ધકેલનારા તમામ પ્રકારનાં કારણોને ઓળખાવનારા અજન્મા બનવાની સાધના પરિપૂર્ણ કરનારા શ્રમણ ભગવાન મહાવીર દેવના આજે જન્મ કલ્યાણકને ભાવપૂર્વક ઊજવીયે અને પ્રભુને પ્રાર્થીએ કે,



હે પ્રભુ!
‘અહિંસા પરમો ધર્મ’નો જન્મ અમારા હૈયામાં કરજો...
‘ક્ષમા વીરસ્ય ભૂષણં’નો જન્મ અમારા હૃદયમાં કરજો...
‘અજન્મા બનવાની ભાવના’ નો જન્મ અમારા હિયડામાં કરજો..

No comments: