Monday, April 26, 2010

પ્રેમ મંત્ર : આત્મવત્ સર્વભૂતેષુ....

સંસારના અધિકતમ દુષ્ટ, પાપી, સ્વાર્થી તેમજ અસભ્ય મનુષ્યને પણ સાચા મનથી પ્રેમ કરી શકાય છે, જો આપણે તેને ઇશ્વરની બનાવેલી રચના સમજીએ તો.



meeraતમામ પ્રકારના સ્વાર્થ, અપેક્ષાઓ કે પછી વળતર રુપે કંઇક મેળવવાની ઇચ્છા ન રાખીને જ સાચા પ્રેમની લાગણીને જન્મ આપી શકાય છે. અર્થાત્ આવી લાગણી ધરાવનાર મનુષ્યનો પ્રેમ સાચો પ્રેમ ગણાય છે. 'આત્મવત્ સર્વભૂતેષુ' એક એવો મંત્ર છે જે આપણને અપેક્ષારહિત પ્રેમ કેવી રીતે કરવો તે શીખવે છે. 'આત્મવત્ સર્વભૂતેષુ' એટલે કે દરેક વ્યક્તિને પોતાની સમકક્ષ ગણીને સાચો તેમજ નિસ્વાર્થ પ્રેમ વિકસિત કરવો.



સંસારના અધિકતમ દુષ્ટ, પાપી, સ્વાર્થી તેમજ અસભ્ય મનુષ્યને પણ સાચા મનથી પ્રેમ કરી શકાય છે, જો આપણે તેને ઇશ્વરની બનાવેલી રચના સમજીએ તો. જો ખરાબ માણસમાં પડેલી ખોટી બાબતોને એક પવિત્ર આત્મા ઉપર ફેલાયેલી ગંદકીનું કારણ માની લઇએ તો તેમના પ્રત્યેની ધૃણા આપોઆપ નાશ પામશે.



આપણે જીવનના અનુભવ પરથી જાણીએ છીએ કે અજ્ઞાનતા જ સંસારની તમામ ખરાબ બાબતોનું જડ છે. અર્થાત જે વ્યક્તિ ખરાબ છે તે ક્રોધ અને ધૃણાને પાત્ર નથી મદદ અને પ્રેમને લાયક છે. કારણ ક પ્રેમ જ એક એવી ઔષધિ છે કે જે અનિષ્ટના સ્વરુપમાં પડેલી માનસિક બીમારીને હંમેશા માટે દૂર કરી શકે છે.



ઇશ્વરને મળવાનો માર્ગ: ઇશ્વરને મેળવવા માટેના કે તેની ભક્તિમાં લીન થવા માટેની સાધનાના અલગ અલગ રસ્તાઓ છે. યોગને પણ આ માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ ગણાવવામાં આવ્યો છે. યોગમાં ભક્તિયોગ નામનો એક એવો ઉપાય છે કે જે ખૂબજ સહજ અને આનંદ આપનારો છે. એક પ્રેમ જ છે કે જે ભક્તિયોગના સાઘકનું એક માત્ર સાધન છે. પ્રેમ એવું ધન છે જે દરેકની પાસે અખૂટ માત્રામાં ઉપલબ્ધ છે. પોતાના આ અનુપમ ધનનો ઉપયોગ કરી કોઇ પણ મનુષ્ય પ્રેમ માટેની જન્મોજન્મની તરસ છીપાવી શકે છે કે જે એકમાત્ર ઇશ્વરને મળવાથી જ દૂર થઇ શકે છે.

No comments: