શુદ્ધ ભોજન સ્વચ્છ વાતાવરણમાં સારા ભાવ સાથે કરવામાં આવે તો શરીર પર અનુકૂળ અસર કરે છે અને પરિણામ રુપે હનુમાનજી જેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
ભાગમભાગ વાળી દિનચર્યામાં સહુથી વધારે ચિંતા જો કોઇની થાય તો તે છે તબિયત. હરીફાઈના જમાનામાં આગળ વધવાની ઘેલછા પાછળ આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવાનું ચૂકી જઇએ છીએ. અનિયમિત દિનચર્યા અને અનિયમિત આહાર લગભગ દર બીજા યુવાની ચિંતા છે. સ્વાસ્થ્યને સારું રાખવાની શીખ આપણે હનુમાનજી પાસેથી લેવી જોઇએ.
જો તેમના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો સફળતા અને સ્વાસ્થ્ય બંનેનું મહત્વપૂર્ણ સૂત્ર આપણને મળશે. સતત કાર્યમાં ડૂબેલા રહેવું, પરિશ્વમની સાથે-સાથે આપણી પોતાની તબિયતનું ધ્યાન રાખવું એ પણ એક પ્રકારનો યોગ છે. સફળતા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હનુમાનજીનું સ્વાસ્થ્ય આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. રામાયણના સુંદરકાંડમાં તેમના સ્વાસ્થ્યનું રહસ્ય લખવામાં આવ્યું છે. સીતાજીને મળ્યા બાદ જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેઓ સીતામાતાને નિવેદન કરે છે અને સીતાજી તેમને કહે છે,
દેખી બુદ્ધિ બલ નિપુન કપિ કહેઉ જાનકીં જાહુ.
રઘુપતિ ચરણ હૃદયં ધરિ તાત મધુર ફલ ખાહુ.
હનુમાનજીને બુદ્ધિ અને બળ બંનેમાં નિપુણ જોઇને જાનકીજીએ કહ્યું જાઓ તાત શ્રી રઘુનાથજીને હૃદયમાં વસાવી મીઠા ફળ આરોગો. અને હનુમાનજીએ ફળ ગ્રહણ કર્યા.
અહીં સંદેશ એ છે કે મનુષ્યે ફળાહારી કે શાકાહારી બનવું જોઇએ. શાકાહાર શરીરને સ્વસ્થ રાખે છે અને શ્રીરામને હૃદયમાં રાખીને ફળ આરોગવાનો અર્થ એ છે કે શુદ્ધ સ્વસ્થતા સાથે ભોજન કરવું.
શુદ્ધ ભોજન સ્વચ્છ વાતાવરણમાં સારા ભાવ સાથે કરવામાં આવે તો શરીર પર અનુકૂળ અસર કરે છે અને પરિણામ રુપે હનુમાનજી જેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. મહાભારતના સમયે જ્યારે પાંડવો પોતાનો વનવાસ ગાળી રહ્યા હતા ત્યારે ભીમ દ્રૌપદી માટે ફૂલ લાવવાના ઉદ્દેશ સાથે વનમાં પ્રવેશ કરે છે. તેમને કેળાનો બગીચો દેખાય છે. ભીમની ગર્જના સાંભળી જંગલના પશુ-પક્ષીઓ ભાગી જાય છે. આ વનમાં હનુમાનજી પણ રહેતા હતા. તેઓ માર્ગમાં વિશ્રામ કરી રહ્યા હતા. ભીમે તેમને ઓળખ્યા નહીં અને તેમની સામે પડ્યા . એટલું જ નહીં આગળ જવાનો માર્ગ પૂછવા લાગ્યા. હનુમાનજીએ તેને કહ્યું કે જો આપ ઇચ્છો તો મારી પૂંછડી દૂર કરી શકો છો. ભીમને અહંકાર હતો, તેણે હનુમાનની પૂંછડી દૂર કરવાનો પ્રયાસ કર્યો પણ તે સહેજ પણ હલી નહીં. ભીમે જ્યારે હનુમાનજીનો પરિચય પૂછ્યો ત્યારે હનુમાનજીએ પોતાનું નામ જણાવ્યું. ભીમનો અહંકાર દૂર થયો. એક યુગ વિત્યો હોવા છતાં હનુમાનજીનું સ્વાસ્થ્ય જેમનું તેમ હતું.
No comments:
Post a Comment