Tuesday, April 20, 2010

ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં ...

VIRAL MORBIA

એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ એને નિશાળે મુકતા. આજે બધુ બદલાઇ ગયું છે. બે-ત્રણ વર્ષની નાની વયે તો નિશાળે મૂકી બાળકને બંધનમાં બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા-બાપથી વિખુટુ થાય છે.

અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બારીકાઈથઈ નિરીક્ષણ કર્યા પછી એનું તારણ શોધવા પ્રયત્ન કર્યોકે ત્યાના અને અહીંના મા-બાપની લાગણીમાં તફાવત કેમ છે? એના અનુસંધાને એક ચોટદાર (કે ચોટ લાગે તેવો) બનાવ ટાંક્યો છે. દીકરો ઓફિસમાં હતો. ફોન આવ્યો કે પિતા બિમાર છે, સિરિયસ છે. તમે આવો.

રીસિવર મુકાઈ ગયું. દીકરાએ ઓફિસમાંથી જ ડોકટરને ફોન કર્યો: તમારી તાકીદે જરૂર છે. મારા પિતા માંદા છે. એમને તરત જ હોસ્પીટલમાં દાખલ કરો.. અને હોસ્પીટલના ત્રીજા માળે. આઠમાં વોર્ડમાં ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ શરૂ થઇ. પુત્ર તો પોતાના કામમાં પરોવાઇ ગયો. હોસ્પીટલ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને જઇશ, એમ ધારીને ઓફિસમાં જ કામ કરતો રહ્યો. એટલામાં હોસ્પીટલમાંથી ફોન આવ્યો, પિતા અવસાન પામ્યાના ખબર હતા. પુત્ર વિચારમાં ડૂબી ગયો: પિતા હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું?

શબવાહિનીની વ્યવસ્થા માટે વળતો ફોન કર્યો. સામે જણાવ્યું. ‘‘એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો. અને જે બીલ થાય તે મને મોકલી આપજો.’’ આ કોઇ કાલ્પનીક કથા નથી. વાસ્તવીક ઘટના છે. તેઓને આ બાબતનો રંજ પણ હોતો નથી. લાગણીના કોઇ તંતુ ત્યાં રહ્યા નથી. સંશોધન કરતાં એ ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય મળતું હોતું નથી. સીધો સાદો નિયમ છે કે જેને જે મળ્યું હોય તે વાળે! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ મળ્યા નથી એ બીજાને શી રીતે આપી શકે? ઘર-નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-ચિંતન થતું અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી.

ઘોડીયાઘરથી શરૂ થયેલી યાત્રા ઘરડાઘરમાં પૂરી થાય છે. વાવો તેવું લણો અને કરો તેવું પામો તે ઉકિત સાચી પડે છે. જો કે વર્તમાનમાં તો આપણે ત્યાં એવા પણ બનાવો બને છે કે, મા-બાપે પુરા પ્રેમ અને વાત્સલ્યથી બાળકોને ઉછેર્યા હોય, તેમની પાછળ પોતાની જાત ઘસી નાંખી હોય તેવા સંતાનો મોટા થઇને સ્વાર્થમાં અંધ બનીને પોતાના મા-બાપને સાચવતા નથી. સંસારની આ કેવી કરૂણતા!

ભારતમાં આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. ઘરમાં રહેલા ભગવાન સમાન મા-બાપની સેવા ન કરનાર વ્યકિતમાં માણસાઇના ગુણ પણ કેવી રીતે ટકે? વૃદ્ધો જાણે કે આજે ઘરમાં ભારે પડી રહ્યા છે. વૃદ્ધોના અનુભવો તેમના હેતનો તેમની સુઝબુઝનો લાભ પૌત્ર-પૌત્રીઓને મળે તો કેવો સરસ એમનો ઉછેર થાય. ઘર હર્યુંભર્યું રહે અને કિલ્લોલ કરતું લાગે પણ આજે મતિ બગડી છે. સગા સંતાનો મા-બાપથી વિમુખ થઇ રહ્યા છે.

No comments: