Thursday, April 15, 2010

મૌનશક્તિના પ્રયોજક રમણમહર્ષિને એક દર્શનાર્થીએ પૂછ્યું, ‘ઘ્યાનમાં બેઠા પછી કોઇક વાર મને ઊઘ આવે છે મારે શું કરવું? આના ઉત્તરરૂપે રમણમહર્ષિએ કહ્યું હતું, બધાં આવરણ-વિક્ષેપોમાં સૌથી પહેલું આવરણ તે નિદ્રા છે. આપણે બને ત્યાં

મૌનશક્તિના પ્રયોજક રમણમહર્ષિને એક દર્શનાર્થીએ પૂછ્યું, ‘ઘ્યાનમાં બેઠા પછી કોઇક વાર મને ઊઘ આવે છે મારે શું કરવું? આના ઉત્તરરૂપે રમણમહર્ષિએ કહ્યું હતું, બધાં આવરણ-વિક્ષેપોમાં સૌથી પહેલું આવરણ તે નિદ્રા છે. આપણે બને ત્યાં સુધી એને વશીભૂત ન થવું જોઇએ. એ વાતનો વિચાર કરવો જોઇએ કે ઊંઘ શાથી આવે છે.



આપણે આપણો આહાર અને વિહાર નિયમિત કે સંયમિત કરવા જોઇએ. આ માટે ભોજન અને નિદ્રાનો અતિરેક ન થવો જોઇએ. તેમજ તેને સાવ ત્યજી પણ ન દેવા જોઇએ. જો તમે એમાંથી એકને પણ સાવ ત્યજી દો તો તમારું મન સતત એ તરફ દોરાતું રહે, તેથી સાધકે બધી વસ્તુઓ પર નિયંત્રણ રાખવું જોઇએ. મહર્ષિનો કહેવાનો આશય છે કે સાધકે પ્રમાણિત અને સાત્ત્વિક આહાર તથા પ્રમાણિત ઊઘની ટેવ કેળવવી જોઇએ.



મહર્ષિ કહે છે કે સાધકે ઊઘની ચિંતા ન કરવી. જ્યારે એ આવવા લાગે ત્યારે માણસ એને રોકી શકતો નથી. આથી જાગૃત અવસ્થામાં પ્રત્યેક પળે ઘ્યાન વડે આત્મામાં સ્થિર રહેવાનો પ્રયત્ન સાધકે કરવો જોઇએ. ઊઘ આવે તો સૂઇ જાઓ પણ જાગ્યા પછી તરત ઘ્યાનાભ્યાસમાં જોડાઓ તો એ પૂરતું છે. તેથી નિદ્રા દરમિયાન પણ એ જ ઘ્યાનપ્રવાહ જળવાશે. આનો પુરાવો એ છે કે માણસ જે બળવાન વિચાર મનમાં રાખીને સૂઇ જાય છે એ જાગ્યા પછી હાજર હોય છે. આ રીતે સતત ઘ્યાન કરનાર સાધક માટે નિદ્રાને સમાધિસ્થિતિ કહી છે.



રમણમહર્ષિએ નાનપણની એમની ઊઘ વિશે કરેલી વાત ભારે રસપ્રદ છે, જ્યારે નિશાળમાં વર્ગ ચાલતો હોય ત્યારે હું મારા વાળમાં દોરી બાંધીએ દોરીને દીવાલની એક ખીલી સાથે બાંધી દેતો જેથી મને જો ઊઘ આવી જાય તો મારું માથું નમતા વેંત મારા વાળ ખેંચાય અને હું જાગી જાઉ, નહીં તો શિક્ષક મારો કાન મરડીને મને ઉઠાડતા.



આનાથી સાવ વિરુદ્ધની સ્થિતિ મહર્ષિની સાધનાકાળ દરમિયાન હતી. તેઓ કહે છે, શરૂઆતના દિવસોમાં હું ગહન ઘ્યાનમાં ડૂબીને આંખો મીચી દેતો ત્યારે મને જવલ્લે જ ખબર પડતી કે દિવસ છે કે રાત? જ્યારે મારી આંખ ઊઘડતી ત્યારે મને દિવસ કે રાત તેનું કુતૂહલ રહેતું.



મારે નહોતો કંઇ ખોરાક કે નહોતી મને ઊંઘ. શરીરનું હલનચલન હોય તો તમને આહારની જરૂર પડે. ખોરાક ખાઓ એટલે ઊઘની જરૂર પડે. જો વિહાર નહીં, તો આહારની જરૂર ખૂબ ઓછી રહે. ઊઘની જરૂર પણ ન રહે. જીવન ટકાવી રાખવા માટે બહુ અલ્પ આહારની જરૂર હોય છે એવો મારો અનુભવ હતો. હું જ્યારે આંખ ખોલું ત્યારે કોઇ ને કોઇ મને એક પ્યાલો પ્રવાહી ખોરાક આપી દેતું એ જ પૂરતું હતું.



જ્યારે માણસ ઊડો એકાગ્ર ઘ્યાનમાં હોય અને તન-મનની કશી જ હિલચાલ ન હોય તો જ આહાર અને નિદ્રા વગર ચાલે, નહીં તો ખોરાક કે ઊઘને તદ્દન છોડી દેવાનું શકય નથી. જ્યારે શરીર અને મન જીવનના સામાન્ય વ્યવહારમાં ગૂંથાયેલાં હોય ત્યારે ખોરાક કે ઊઘ છોડી દો તો શરીર ચક્કર ખાઇ જાય. તેથી એમ કહેવું જોઇએ કે આત્માની ઉન્નતિ માટે ખોરાક અને વ્યવહારની મર્યાદા બાંધી દેવી એ બહુ જરૂરી છે.’’



મહર્ષિના શબ્દો છે, ‘મહાન પુરુષો ઊઘને ઓછામાં ઓછી રાખતા હોય છે, જેથી એ સમયનો ઉપયોગ બીજાની સેવામાં થાય. ૧૪ એપ્રિલના રોજ મહર્ષિની પુણ્યતિથિએ એમનું સ્મરણ કરીને વિરમીશું.


No comments: