Wednesday, May 5, 2010

કૌભાંડો કરનારાઓ જલ્દી ‘કરોડપતિ’ અને મહેનત કરનારા વર્ષો સુધી ‘રોડપતિ’-આવું શા માટે?...

જીવનમાં પુરૂષાર્થ તરીકે ‘ધર્મ’ પછી અર્થને સ્થાન આપ્યું છે. સમાજ વ્યવસ્થા સુપેરે ચાલે અને ધન માણસના સુખ-સગવડ અને સદ્કાર્યોમાં સહાયક બને. એ દ્રષ્ટિએ ધનનું મહત્વ છે. જિંદગીના પ્રત્યેક આશ્રયમાં એક યા બીજી રીતે ધનનું મહત્વ રહેવાનું જ.
ધન સંચય કરવો એ પાપ નથી, પણ ધનની લોલુપતા રાખી આડા-અવળા રસ્તે ધનનો પરિગ્રહ કરવો એ અનુચિત છે. ધન કે પૈસા માટે ‘દ્રવ્ય’ શબ્દ વપરાય છે. ‘દ્રવ’ એટલે વહેવું. ‘દ્રવ્ય’ પણ વહેતું રહે તેમાં તેની સાર્થકતા છે.

જેમ વહેતું પાણી નિર્મળ રહે છે અને બંધીઆર પાણી સ્વચ્છતા ગુમાવી બેસે છે, તેમ ધન પણ સ્થિર રહીને અને એના સ્વામીની તિજોરીમાં રહી ધન-ધારણકર્તાને અહંકારી, સ્વેચ્છાધારી અને દુરાચારી બનાવે તો તેવું ધન પતન નોંતરે છે. કબીરે આ અર્થમાં કહ્યું હતું કે નાવમાં પાણી વધે અને ઘરમાં ધન એકઠું થાય તો એને ‘ઉલેચતા’ રહેવું મતલબ કે ખાલી કરતા રહેવું એમાં જ એ બન્નેની સલામતી છે અને મનુષ્ય માટે એ ડહાપણનું કામ છે.


ધન પોતે ખરાબ નથી, પણ ધનનો લોભ અનેક અનિષ્ટોનો જન્મદાતા છે. શાસ્ત્રકારો આ વાત સમજતા હતા. એટલે ચાર પુરૂષાર્થમાં ‘ધર્મ’ પછી તરત જ દ્વિતીય સ્થાન ‘ધન’ને આપ્યું. એનો અર્થ એ થયો કે મતલબ કે કર્તવ્ય, માનવતા, પવિત્રતા વગેરેનો પહેરો રાખીને ધન કમાવું જોઈએ. કહેવાય છે કે દોલતને પાંખો હોય છે. એટલે રૂપીઓ પોતે ઉડે છે, એટલું જ નહીં ધનનો લોભ વઘુ ધન પ્રાપ્ત કરવા માટે આકાશમાં ઉડાડે છે. આકસ્મિક રીતે કે ભ્રષ્ટ સાધનો દ્વારા માણસને ધન પ્રાપ્ત થાય ત્યારે એની ધન લાલસા બહેકે છે. ધનની ભૂખ અમર્યાદ બને છે.

એવી ભૂખ માણસને અવિચારી, સાહસિક અને વિવેકહીન પણ બનાવી દેતી હોય છે. ‘લાભ’ માટે મનુષ્ય વિવેકહીન ‘લોભ’નો હાથ પકડી લે ત્યારે તેનું પતન અવશ્ય થાય છે. ગેટેના શબ્દોમાં કહીએ તો શીઘ્ર મેળવેલું ધન શીઘ્ર ઘટી જાય છે કે નષ્ટ થાય છે. ધીરે ધીરે મેળવેલું ધન લાંબો સમય ટકે છે. ધન કેવી રીેત કમાવું જોઈએ? વિદુર જાતિ કહે છે કે જેમ ભમરો ફૂલને હાનિ પહંચાડ્યા સિવાય મધ ગ્રહણ કરી લે છે તેમ મનુષ્યોએ પણ ધનના મૂળ સાધનને નષ્ટ કર્યા વગર તેમાંથી ધન મેળવી લેવું જોઈએ.


માણસ ધન માટે કૌભાંડકારી એટલા માટે બને છે કે તેને અલ્પ શ્રમે અથવા શ્રમ વગર સત્વરે માલામાલ થઈ જવું છે. એવી રીતે માલામાલ થવાની લાલચ એને ગેરમાર્ગે મોટી રકમ મેળવી લેવા માટે માનસિક રીતે તૈયાર કરે છે. ગેરમાર્ગે કે અશુદ્ધ સાધનોથી અથવા દગો-પ્રપંચ-કૌભાંડ, ભ્રષ્ટાચાર દ્વારા માણસ લાખ્ખો-કરોડો રૂપીઆ રાતોરાત મેળવી લેવા બેચેન બને છે, ત્યારે એનો અંતરાત્મા એક વાર તો તેને તેમ ન કરવા ચેતવે જ છે, પણ લોભગ્રસ્ત માણસને રૂપીઆના રણકાર કે નોટોના બંડલ અથવા સુવર્ણની લગડીઓ કે હીરા ઝવેરાત સિવાય કશું દેખાતું જ નથી. ધનપ્રેમ માણસને સ્વાર્થાંધ બનાવી દે છે.

એક વાર આકસ્મિક રીતે ધન મળી જાય એટલે માણસ એ માર્ગે ચાલીને વઘુમાં વઘુ ધન કેમ મેળવી લેવાય એની લતનો શિકાર બને છે. એમ કરવા જતાં કરોડાધિપતિ બની પણ જાય છે. પણ સમાજમાં એવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે જેમાં કૌભાંડ છૂપું ન રહેવાને કારણે કૌભાંડકારીની આબરૂના લીરા ઉડી જાય છે અથવા જેલના સળીઆ પાછળ ધકેલાવાની કે પદભ્રષ્ટ થવાની સ્થિતિ જન્મે છે.


રૂપીઓ માણસને રહેઠાણ આપી શકે, ઘર નહીં, ખોરાક આપી શકે, પરંતુ ભૂખ નહીં, શૈયા આપી શકે, પણ નિંદ્રા નહીં, વસ્ત્રો આપી શકે, પણ સૌંદર્ય નહીં, દવાઓ આપી શકે, પણ આરોગ્ય નહીં, પુસ્તકો આપી શકે, પણ વિચારશક્તિ નહીં, વૈભવ-વિલાસ આપી શકે, પણ ખુશી કે પ્રસન્નતા નહીં.


શાન્તિનો રોટલો સહુથી મીઠો. માણસ પોતાની લધુત્તમ આવશ્યકતા પૂરી કરી શકે અને જવાબદારીઓને ન્યાય આપી શકે એટલું ધન એણે કમાવા માટે પરસેવો પાડવો જોઈએ કે મહેનત કરવી જોઈએ. એમ કરતાં-કરતાં ટીંપે-ટીંપે સરોવર ભરાય, પણ ટીંપાં થકી ‘મહાસાગર’ બનાવી દેવાના ખ્વાબમાં રાચવામાં શાણપણ નથી. મહેનત કરનારના ઘરમાં ધનનો ધોધ નથી વહેતો પણ શુદ્ધ આવકનું ઝરણું વહેતું રહે છે. માણસ કૌભાંડગ્રસ્ત બનતો નથી, માટે કૌભાંડના દુષ્પરિણામોથી બચવા એણે છળ, કપટ, પ્રપંચ કે દગાખોરીનો આશરો લેવો પડતો નથી.

અલ્પ ધનવાળા પાસે સંતોષની મહામૂડી છે, જેની સામે કૌભાંડ થકી કમાએલી કરોડોની સંપત્તિ ઘૂળ સમાન બની જાય છે. એટલેજ મિલ્ટનએ કહેવું પડ્યું કે ભાઈ, એટલું યાદ રાખો કે રૂપીઓ એ સારો સેવક ખરો, પણ સારો માલિક હરગિજ નહીં. કરોડપતિ પર રૂપીઓ શાસન કરે છે, પોતે ઇચ્છો એમ એને નચાવે છે અને ધનનો મોહ માણસની આંખે પાટા બાંધી એનામાં એવું અંધત્વ પેદા કરે છે કે એની જીવનદ્રષ્ટિની ઉદ્દાતતા ખતમ થઈ જાય છે.


મહેનતકશ કે પરિશ્રમી માણસ ‘રોડપતિ’ એટલે નિર્ધન અથવા અલ્પ ધનવાળો રહે તે તેને માટે શરમાવાની વાત નથી, પણ આત્મગૌરવની વાત છે.


ધનિકને ધનનો સંતોષ નથી હોતો એટલે પ્રકારાન્તરે એ ગરીબ જ છે! બેઈમાન અને કૌભાંડકારી કરોડપતિ કરતાં મહેનતનો રોટલો કમાઈ શાન્તિથી જીવનાર માણસ દરજ્જે સારો. એક અરબી કાવ્યની પંક્તિઓનો સારાંશ એ છે કે મનુષ્ય જ્યારે વસ્ત્રો ધારણ કરે છે ત્યારે એને લાગે છે કે એ નિર્વસ્ત્ર હતો જ નહીં અને માણસ જ્યારે અમીર બની જાય છે ત્યારે તેને લાગે છે કે પોતે ક્યારેય ગરીબ હતા જ નહીં!


મસ્તક ઝુકાવીને ચાલવું પડે એવી રીતે ગેરમાર્ગે કમાયા કરતાં ઉન્નત મસ્તકે ચાલી શકાય એવી, ખિસ્સા કરતાં હૃદયની અમીરી લાખ દરજ્જે શ્રેયસ્કર..

No comments: