Saturday, May 29, 2010

ભૂલી જાઓ હવે ભૂલવાન...

જો કોઇ વ્યક્તિનું નામ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તે વ્યક્તિની ઇમેજ સાથે જોડાયેલી કોઇ વસ્તુને મગજમાં રાખો. જે સમયે તમારે તેને બીજી વાર યાદ રાખવાની જરૃર પડે ત્યારે આંખો બંધ કરીને તે ઇમેજને યાદ કરો. એટલે કે જે વ્યક્તિનું નામ તમને યાદ નથી આવી રહ્યું, તે ક્યાં રહે છે. જો તમે આ વિષયમાં પહેલાં કાંઇ પૂછયું હોય તો તમે તેના રહેવાના સ્થાનને યાદ કરીને તેને પણ યાદ કરી શકો છો. આ સિવાય કોઇ વ્યક્તિનું નામ સરળતાથી યાદ રાખવું હોય તો તે વ્યક્તિની કોઇ ખાસિયતને યાદ રાખશો તો પણ તરત જ તેનું નામ મગજમાં આવી જશે.

ઘણી વાર આપણે આપણા ઘરની, ગાડીની કે તિજોરીની ચાવી ક્યાંક મૂકીને ભૂલી જઇએ છીએ કે ચાવી ક્યાં મૂકી હતી. મગજ પર જોર આપવા છતાં પણ યાદ આવતું નથી કે ચાવી ક્યાં મૂકી છે. માત્ર ચાવી જ નહીં, ફોનની ડાયરી, જરૃરી કાગળો કે દસ્તાવેજો તે જ પ્રમાણે ઘણી વસ્તુઓ જેને સંભાળીને રાખવાની હોય છે તેને ક્યાંક મૂકીને આપણે ભૂલી જઇએ છીએ. અને જરૃર પડે ત્યારે આપણને તે વસ્તુ પણ નથી મળતી કે ક્યાં મૂકી છે તે પણ યાદ આવતું નથી.

આ તો થઇ માત્ર વસ્તુઓની વાત, પરંતુ ઘણી વાર તો આપણે સંબંધી કે ઓળખીતા લોકોને પણ ભૂલી જઇએ છીએ. જેની સાથે આપણી એક કે બે વાર મુલાકાત થઇ હોય તેવા લોકોને પણ આપણે યાદ રાખી શક્તા નથી. થોડા સમય માટે વસ્તુઓને ભૂલી જવું અને મગજ કસવા છતાં પણ યાદ ના આવવું તે એક સામાન્ય સમસ્યા છે. જ્યારે આપણે ઘણી વસ્તુ શીખીએ અથવા ઘણી સૂચનાઓને ગ્રહણ કરીએ ત્યારે તેમાંથી બધી યાદ રાખી શક્તા નથી અને મોટા ભાગની ભૂલી જઇએ છીએ. આ કોઇ અનોખી વાત નથી. વારંવાર કાંઇક ભૂલવું તે એ વાતનું સૂચક છે કે આપણે કોઇ બાબત કે વસ્તુ અંગે ચિંતિત છીએ અને આ જ ચિંતાઓને કારણે આપણે ઘણી વસ્તુઓ યાદ રાખી શક્તા નથી. થોડા સમય માટે સ્મરણશક્તિ નબળી પડી જવી એ સામાન્ય બાબત છે. આપણામાંથી દર બીજી વ્યક્તિ આ પ્રકારના ભુલક્કણપણાનો શિકાર હોય છે. નાની-નાની બાબતોને ભૂલી જવી, વસ્તુઓને યાદ રાખવા માટે મગજ પર વારંવાર જોર નાખવું, મગજ કસવા છતાં પણ કશું યાદ ના આવવું. પછી એકાએક યાદ આવી જવી જેવી બાબતો આપણી સાથે હંમેશાં ઘટતી રહે છે, લગભગ બધાની સાથે. તો જાણીએ આવી જ કેટલીક ભૂલી જતા હોઇએ તેવી બાબતો અને તેને યાદ રાખવાના ઉપાયો વિશે.

એક સાઇકિયાટ્રિસ્ટના મતે આપણું મગજ સૂચનાઓને બે રીતે ગ્રહણ કરે છે. જેમાં એક છે શોર્ટ ટર્મ મેમરી અને બીજી છે લોંગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરીમાં આપણે ૩૦ સેકન્ડમાં સાત વસ્તુઓને એકસાથે યાદ રાખી શકીએ છીએ. તેના અંતર્ગત જ્યારે આપણે ફોન કરવા માટે ડાયરી ઉઠાવીએ છીએ ત્યારે આપણે ફોન નંબર જોઇએ છીએ. ફોનની પાસે ચાલીને જઇએ છીએ અને ફોન ડાયલ કરીએ છીએ. લોંગ ટર્મ મેમરીમાં સૂચનાઓ આજીવન માટે સંગ્રહિત થઇ જાય છે. તેમાં આપણે જ્યારે કેટલીક વસ્તુઓને યાદ કરીએ છીએ ત્યારે આપણે માત્ર મગજ પર થોડું જોર નાખવું પડે છે અને તે વાત કે વસ્તુ આપણને તરત જ યાદ આવી જાય છે.

જોકે કેટલાય એવા ઉપાયો હોય છે જેનાથી આપણે આપણી સ્મરણશક્તિને તીવ્ર બનાવી શકીએ છીએ. સૌથી પહેલા જ્યારે આપણે ગાડીની ચાવી કે અન્ય કોઇ વસ્તુને ક્યાંક મૂકી રહ્યા હોઇએ તે દરમિયાન પૂર્ણ સજાગ રહીએ તો આપણને યાદ રહે છે કે આપણે વસ્તુને ક્યાં મૂકી હતી. આથી કોઇ પણ વસ્તુને મૂકતી વખતે તેના સ્થાનને યાદ રાખો, તે ધીરે ધીરે તમારી ટેવમાં પરિણમશે અને જ્યારે તમને તે વસ્તુની જરૃર પડે ત્યારે તે વગર શોધે જ મળી જશે. ઘણી વાર મગજ પર જોર આપવા છતાં પણ વસ્તુ યાદ આવતી નથી, આથી યાદ કરવા માટે મગજ પર જોર ના નાખશો. તેનાથી તણાવ પણ આવી શકે છે. આ માટે એક જ સમયે એક જ કામ કરો અને જે કામ કરો તેના પર પૂરતું ધ્યાન આપો. વધારે પડતા અવાજ કે ઘોંઘાટમાં રહેવાને કારણે એકાગ્રતા ભંગ થાય છે. આથી વધારે ઘોંઘાટથી બચવું જોઇએ.

કોઇ વસ્તુને જ્યારે તમે ક્યાંક મૂકો અથવા જે સૂચનાને યાદ રાખવી અઘરી લાગતી હોય તેને તમારી જાતને જોરથી બોલીને સાંભળવાની ટેવ રાખો. જ્યારે તમે કોઇ વસ્તુને તમે તમારાથી કેટલીક દૂર મૂકી રહ્યા હોવ ત્યારે યાદ રાખો કે તે સમયે તમે શું કરતાં હતા. કોઇને એક-બે વાર મળ્યા પછી પણ નામ યાદ ના રહે અથવા તમે તેને ઓળખવામાં અસમર્થ થઇ જાઓ તો કોઇ નવા નામને તમારી મેમરીમાં જોડવા માટે તમે જ્યારે તેની સાથે પહેલી મુલાકાત કરો ત્યારે તેના નામને યાદ રાખવા માટે તમારી જાતને (તે વ્યક્તિનું નામ. દા.ત., શ્વેતા) જ કહો કે શ્વેતા તમને મળીને આનંદ થયો.

ચિકિત્સકો સ્મરણશક્તિને વધારવા માટે વસ્તુઓને લખવી અને વસ્તુઓ સાથે સંબંધિત ઝીણવટભરી જાણકારીઓને યાદ રાખવા માટે પરંપરાગત માધ્યમ એટલે કે લખાણને ઉત્તમ માને છે. કોઇ પણ વસ્તુ વિશે નાની-નાની જાણકારીને લખી લેવી, વસ્તુઓની સૂચિ તૈયાર કરવી તે વસ્તુઓની લયબદ્ધતા બનાવવામાં મદદરૃપ બની શકે છે. વસ્તુઓને લખવાથી સૂચનાઓને જો કોડ દ્વારા યાદ રાખવામાં તો તે સરળતાથી યાદ રહી જાય છે. આથી ઘરે હોવ કે બહાર હંમેશાં તમારી પાસે એક નોટપેડ જરૃરથી રાખો. ડાયરીમાં વસ્તુઓને નોંધો. ઘરની બહાર જ્યારે આપણે શોપિંગ કરવા નીકળીએ ત્યારે હંમેશાં વાહન ક્યાં પાર્ક કર્યું હતું તે ભૂલી જઇએ છીએ અને તેને કારણે ઘણી વાર મુશ્કેલી પડે છે. વાહનોની લાંબી કતાર વચ્ચે આપણે આપણું વાહન શોધી શક્તા નથી, આથી વાહન મૂકતી વખતે તેની આસપાસના નકશાને તમારા મગજમાં તૈયાર કરી દો.

દિવસ પૂરો થયા પછી જ્યારે આપણે રાત્રે સૂવાની તૈયારી કરીએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે ઘણાં એવાં કામ હતાં જે આજે કરવાનાં ભૂલી ગયાં છીએ. આમ ના થાય તે માટે આગલા દિવસની રાત્રે જ કરવાનાં કામોનું લિસ્ટ તૈયારી કરી દો અને નિર્ધારિત કાર્યક્રમોને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

જો કોઇ વ્યક્તિનું નામ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તે વ્યક્તિની ઇમેજ સાથે જોડાયેલી કોઇ વસ્તુને મગજમાં રાખો. જે સમયે તમારે તેને બીજી વાર યાદ રાખવાની જરૃર પડે ત્યારે આંખો બંધ કરીને તે ઇમેજને યાદ કરો. એટલે કે જે વ્યક્તિનું નામ તમને યાદ નથી આવી રહ્યું, તે ક્યાં રહે છે. જો તમે આ વિષયમાં પહેલાં કાંઇ પૂછયું હોય તો તમે તેના રહેવાના સ્થાનને યાદ કરીને તેને પણ યાદ કરી શકો છો. આ સિવાય કોઇ વ્યક્તિનું નામ સરળતાથી યાદ રાખવું હોય તો તે વ્યક્તિની કોઇ ખાસિયતને યાદ રાખશો તો પણ તરત જ તેનું નામ મગજમાં આવી જશે.આ બધી બાબતો સિવાય કોઇનો બર્થ-ડે, મેરેજ એનિવર્સરી યાદ રાખવા માટે કેલેન્ડર પર નિશાની કરી લો અને વચ્ચે વચ્ચે તેને જોતા રહો. જેથી આવનારો ખાસ દિવસ તમને યાદ રહે.

No comments: