Saturday, May 29, 2010

આકર્ષણનો નિયમ હકારાત્મક બનો..

રોન્ડા બાયર્નનું ‘સિક્રેટ’ પુસ્તક બેસ્ટસેલર બન્યું અને આકર્ષણના નિયમને ધરમૂળથી બદલીને તેણે દરેક વ્યક્તિની છૂપી શક્તિને રાહ ચીંધી તે પહેલાંથી જ આકર્ષણનો નિયમ અસ્તિત્વ ધરાવતો હતો. પ્રાચીન સમયથી, કદાચ જીવનના પ્રારંભથી જ આ નિયમ પ્રવર્તતો હતો. આપણે જ સર્જેલા સારા-નરસા વિચારોને આકર્ષીને આપણે રોજ-બરોજના આપણા જીવનમાં તેનો અનુભવ કરીએ છીએ. આપણા બ્રહ્માંડના સર્જનહાર આપણે સ્વયં છીએ. આપણે જ વિચારો, માન્યતાઓ અને કાર્યો વડે આપણા ભાવિનું નિર્માણ કરીએ છીએ.

તમારા જીવનમાં કદી તમે કલ્પના કરી હોય કે તમે જે ડર અનુભવ્યો હોય તે જ વાસ્તવિક જીવનમાં નજર સામે આવીને ઊભો રહ્યો હોય એવું બન્યું છે?

* જેમ કે એવોર્ડ જીતવો

* જેમ કે નોકરી ગુમાવવી

* જેમ કે મનગમતા જીવનસાથી સાથે લગ્ન થવાં

* જેમ કે તમારા નવજાત શિશુને પહેલી જ વખત જોવું

* જેમ કે પ્રમોશન મળવું

* જેમ કે કોઈ બીમારી હોવાનું નિદાન થવું

* જેમ કે આકસ્મિક લાભ થવો

* જેમ કે વૈભવી કાર ખરીદવી

* જેમ કે ઇન્ટરવ્યૂમાં મોડા પહોંચવું

* જેમ કે લોકપ્રિયતા મેળવવી

શું તમારો જવાબ ‘હા’ છે? વેલ! તો પછી મારો જવાબ પણ હકારાત્મક જ છે.

મારી બીજી મિત્રની વાત કરું. તે ભણવામાં ઘણી નબળી હતી અને એક વખત છ વિષયમાં નાપાસ થઈ. તેમ છતાં તેવે વખતે પણ તે પ્રસિદ્ધ હસ્તીઓના હસ્તે પોતે એવોર્ડ સ્વીકારતી હોય, લોકો તાળીઓના ગડગડાટ કરતા હોય અને તે ખુશીથી ઝૂમી ઊઠી હોય તેવાં સ્વપ્નો સેવતી. થોડાં વર્ષો પછી તેણે રાજ્યપાલના હસ્તે એક નહીં, પણ બબ્બે એવોર્ડ્સ સ્વીકાર્યા અને ઓડિયન્સે તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. હા, તેણે ઘણી આકરી મહેનત કરી હતી, પરંતુ જો તેને એક કે બે માર્ક ઓછા મળ્યા હોત તો બીજું કોઈ તે ગોલ્ડ મેડલનું હકદાર બન્યું હોત.

તો શું વિચારવાની સાતત્યપૂર્ણ પેટર્ને આ ચમત્કાર સર્જ્યો હતો?

ચાહે તમે તેને પોઝિટિવ થિન્કિંગ કહો, તીવ્ર ઉત્કટતા કહો કે બીજું કોઈ નામ આપો, પરંતુ અર્થઘટન તો એક સમાન જ રહે છે. લાગણીઓ અને સંવેદનાઓને સાથે રાખીને તમે જે વિચારણા કરો છો તે જ વિચારણા વાસ્તવિક પરિસ્થિતિ બનીને તમારી સામે આવીને ઊભી રહે છે. દરેક ધર્મગ્રંથ આપણને આ જ સમજાવે છેઃ ‘તમે જે માગો છો, તે જ તમને મળે છે.’

કેટલાક સંશયવાદી લોકો મોં મચકોડીને કહેશે, “આ વળી નવું તૂત!”

આ સિદ્ધાંતની યથાર્થતા અંગે શંકા ધરાવતા લોકો સાથે હું ચર્ચામાં નથી ઉતરવા માગતી પણ મારી તેમને માત્ર આટલી સલાહ છે- એક વખત પ્રયત્ન કરવામાં શું ખોટું છે?

પણ હા, કરો તો પૂરેપૂરી શ્રદ્ધા સાથે અને પૂરી લાગણી સાથે કરો. તો તમે આ કેવી રીતે કરશો?

સૌપ્રથમ તો ફરિયાદ કરવાનું બંધ કરો. ટ્રાફિકની સમસ્યા હોય, ભંડોળ ના મળતું હોય કે પછી ગમે તે હોય, ફરિયાદ બિલકુલ નહીં કરવાની. (ફરિયાદ કરનારા લોકોને ઉનાળામાં ખૂબ ગરમીની, શિયાળામાં અતિશય ઠંડીની અને ચોમાસામાં ભયંકર વરસાદની ફરિયાદ રહે છે!)

બીજું, તમારી પાસે જે કંઈ પણ સારી વસ્તુઓ, બાબતો છે તે બદલ કૃતજ્ઞા રહો. કેટલીક વખત મોટી ચીજ મેળવવાની ઘેલછામાં આપણે આપણા જીવનની નાની, પરંતુ અતિ મહત્ત્વની બાબતો તરફ કૃતજ્ઞાતાની લાગણી અનુભવવાનું ભૂલી જતા હોઈએ છીએ. આવી બાબતોને યાદ કરો, તમને મળેલા તમામ આશીર્વાદને યાદ કરો અને તે સર્વ માટે ઇશ્વરનો આભાર માનો. ત્રીજું, તમારી આવશ્યકતા નક્કી કરો. તેને સંતોષવા માટે કામ કરો અને તે દિશામાં આગળ વધતી વખતે તમે એ લક્ષ્ય હાંસલ કરી લીધું છે એવી કલ્પના કરો. મતલબ કે જો તમે તમારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બનવા ઇચ્છો છો તો તે હોદ્દા સુધી પહોંચવાના પ્રયત્નો શરૃ કરી દો અને સાથે જ પોતાની જાતને તે ‘આદરપાત્ર ખુરશી’ પર બેઠેલી નિહાળો. આ સ્વપ્ન સાકાર કરવા માટે તમારી મહેનત અને તમારા વિચારો તમારા સ્વપ્નો સાથે સુસંગત હોવા જોઈએ. .

ચોથું, તમામ નકામા વહેમો અને શંકાઓને દિમાગમાંથી કાઢી નાખો. ચાહે ગમે તેટલા પ્રયત્ન કરવા પડે, તમારી ઇચ્છાશક્તિ અને તમારી કલ્પનાશક્તિ વિચારવાની તમારી પ્રબળ તાકાતથી ધાર્યું લક્ષ્ય પાર પાડશે. વોલેસ ડી. વોટલ્સે તેમના પુસ્તક ‘ધ સાયન્સ ઓફ ગેટિંગ રિચ’માં કહ્યું છે, “બીમારીમાં સપડાયા હોય ત્યારે તંદુરસ્ત હોવાનું વિચારવા માટે, દરિદ્રતાએ માથું ઉંચક્યું હોય ત્યારે સમૃદ્ધિની કલ્પના કરવા માટે તાકાતની જરૃર પડે છે, અને જે આ તાકાત મેળવી લે છે તે બને છે ‘માસ્ટર માઇન્ડ’. તે નસીબને વશમાં કરી લે છે. જે ઇચ્છે તે તેને મળે છે.”

હંમેશાં યાદ રાખો. જ્યારે પણ તમે તમારા ઉત્સાહની આડે ‘શંકા’નો કીડો લાવો છો ત્યારે તમે નિષ્ફળતાને આમંત્રણ આપો છો.

પાંચમું, હંમેશાં ખુશ રહો અને અન્યને પણ ખુશ રાખો. છઠ્ઠું અને સૌથી મહત્ત્વનું પાસું છે શાણપણ વાપરીને માગો. તમને તબેલો મેળવવાની ઇચ્છા નથી તો પણ તમને ઘોડાઓનો તબેલો મળે છે ત્યારે ઘોડાની સાફ-સફાઈના કામને પસંદ ન કરો.

ખરું ને? બેપરવા બનવું તો સહેજ પણ પોસાય નહીં. ઊલટું, વધારે તકેદારી રાખો. વધારે સુસજ્જ બનો અને વિજેતાના જુસ્સા સાથે આગળ વધો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “આપણે જે છીએ તે આપણા વિચારોનું પરિણામ છીએ, તેથી જે પણ વિચારો તે સમજીને પૂરેપૂરી તકેદારી સાથે વિચારો. શબ્દો ગૌણ છે, વિચારો જીવંત છે અને શબ્દો કરતાં વિચારો વધુ ઝડપથી અસર કરે છે.”

તો, જે સારી છે તેવી જ બાબતોને તમારા તરફ આકર્ષો. ધાર્યા કરતાં અનેકગણું પરિણામ સામે આવીને ઊભું રહેશે.

No comments: