Tuesday, May 25, 2010

તંદુરસ્ત કામજીવન...

જ્યારે મારી ઊંમર ચાલીસેકની હતી, ત્યારથી લઈને આજે સિત્તેર વરસે પણ લોકો વાતવાતમાં કાયમ એક સવાલ કરે છે, ‘‘તમારી ઊંમરનો તાગ નથી કળાતો. આજે પણ યુવાન લાગો છો. રહસ્ય શું છે? યોગાસન કરતા હશો એવું લાગે છે.’’ સાચી વાત તો એ છે કે જુવાન દેખાવા ન તો હું કસરત કરું છું. નથી જિમ કે હેલ્થક્લબમાં જતો.

04-KAM-2725.gif મારી પત્નીની ઊંમર ૬૬ વરસની છે, પરંતુ દેખાય છે પંચાવનની. બે વરસ પહેલાં મેં સવાલ કરેલો કે આ ચુસ્તી અને સ્ફૂર્તિનું રહસ્ય શું છે? તો હસતાં હસતાં બોલી, ‘‘દિવસમાં બે કલાક પ્રેમભર્યાં સંવાદ, સેક્સથી જે ઉષ્મા ખર્ચાય છે તે દ્વારા મને ખાસ્સો વ્યાયામ મળી રહે છે. પતિ-પત્ની વચ્ચેની વાતચીતમાં જીવનની સામાન્ય મૂંઝવણોમાંથી શાંતિ મળે છે. ચિંતામાંથી મુક્તિ મળે છે. ઊંમરના વધવા સાથે શારીરિક સંબંધો પર અસરતો પડે જ છે, પરંતુ સ્પર્શ, વાતચીત તથા અન્ય પ્રણયક્રિયા દ્વારા આત્મિક સુખ પણ મેળવી શકાય છે.

‘‘હવે આ વાતને છોડો, નહીં તો લોકોની નજર લાગી જશે. સૌને, લગ્ન પછી અમને જે એકાંત મળ્યું હતું તેવું મળતું નથી. સૌના બાળકો અલગ અલગ બેડરૂમમાં સૂઈ શકે એ પણ જરૂરી નથી. તમે કોઈને વાત કરશો તો મજાથી સાંભળશે. પરંતુ મનમાં ઈર્ષા કરશે.’’ ‘‘જેને જીવનમાં સેક્સનું મહત્ત્વ સમજાતું નથી તેમને તેમની પત્નીઓની ભાવનાઓની કદર કરતાં આવડતું નથી અથવા તો તે આ સુખ મેળવી શક્યા નથી. તેઓ તમારી પીઠ પાછળ મજાક કરશે.’’ એમ કહી મારી પત્નીએ ઈશારો કર્યો.

આ પ્રકારની વાત કરતાં કરતાં મને સાઠ-સિત્તેર વર્ષ પહેલાનાં સમાજ સેવી કર્વેની યાદ આવી ગઈ. આજે સમાજ ગમે તેટલો પ્રગતિશીલ બન્યો હોય, પરંતુ સામાન્ય ભારતીય નારી તથા સભ્ય મનાતા પુરુષો અશ્લીલ સાહિત્ય અથવા એ પ્રકારનાં ચિત્રો છુપાવીને જુએ છે જેમાંથી તેમને સુખ મેળવવું પડે છે. મેં પત્નીને કહ્યું, ‘‘આ તો ઈન્ફોટેકનો યુગ છે. હવે માત્ર સિઘ્ધાંતની વાતોથી નહીં ચાલી શકે. એની જગા પર અનુભવોને લોકોની વચ્ચે લાવીને વહેંચવો પડશે. દામ્પત્યજીવનનો આપણે આનંદ લઈ શકીએ છીએ એનું રહસ્ય લોકો સમક્ષ મૂકવું જોઈએ.’’ ત્યારે મને એકર્ મિત્રનું સ્મરણ થયું જે છત્રીસ વર્ષની ઊંમરમાં છ સંતાનોના પિતા બની ચૂક્યો હતો. આશરે બાવન વરસની ઊંમરે તેણે મને કહેલું કે સેક્સને તે હવે તદ્ન વિસારે પાડી ચૂક્યો છે. માત્ર બાળકો પેદા કરવાવાળાઓ સેક્સનું મહત્ત્વ શું જાણે?

સેક્સ ઃ માનસિક જરૂરિયાત
માનવી અને પશુમાં આ ફરક છે. માનવી સેક્સનું સુખ પામવા માટે, પ્રેમ, સ્પર્શ તથા આત્મીયતાનું સુખ પામવાની ઈચ્છા રાખે છે. આ વાત સાચી છે. કામ અથવા સેક્સ વ્યક્તિનાં દિમાગમાં હોેય છે, બીજે કશે નહીં. બે વર્ષ પહેલાં પત્ની સાથેની વાતચીતમાં એક વિશ્વ વિદ્યાલય દ્વારા કરાયેલાં તારણના આધારે મેં આ સિઘ્ધાંત પ્રતિપાત કરીને તેને સમાજ સામે મૂકવાની હિંમત કરી હતી. જેમાં શારીરિક સુખ તથા યુવાન દેખાવાના અરસપરસના સંબંધોની વાત કહી હતી.

એડિનબરો વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ પોતાની ઊંમરમાં યુવા દેખાતા ત્રણથી ચાર હજાર લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે વધતી ઊંમર સાથે પ્રત્યેક અઠવાડિયે બેથી વઘુ પૂર્ણ સેક્સનો આનંદ લેનારાં સ્ત્રી-પુરુષ તેમની વૃઘ્ધાવસ્થાને દૂર ઠેલતાં હતાં. નિયમિત સેક્સ દ્વારા તમે માત્ર યુવાન જ દેખાતાં તાજગીભર્યા હો તેવો અનુભવ કરો છો. ડૉ.સિડને ક્રાઉન માત્ર મનોવૈજ્ઞાનિક નહોતા. લગ્નજીવન, સેક્સ વિશેની સમસ્યા જેવા વિષયના જાણકાર પણ હતા. એડિનબરો વિશ્વવિદ્યાલયના તારણ સાથે તેઓએ સહમત થઈને કહ્યું હતું કે, ‘‘સેક્સથી શરીરમાં લચીલાપણું આવે છે. રંગ સાફ થાય છે. વ્યક્તિ આંતરિક રીતે પણ સ્વસ્થ બને છે. હોર્મોન્સ સંતુલિત રહે છે. વૃઘ્ધાવસ્થા આંબી શકતી નથી.

ડૉ.ક્રાઉન કહે છે, ‘‘યોગ્ય સમયે સેક્સથી શાંતિ મળે છે, સાથે પ્રેમમાં સારા દેખાવની ભાવના પણ જન્મે છે. તેનો આત્મવિશ્વાસ વધે છે.’’ આનો પ્રભાવ વ્યક્તિ પર પડ્યા વગર રહેતો નથી. હવે તો ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ વાત સ્ત્રી-પુરુષને સ્પર્શવા લાગી છે. ડૉ.કહે છે, ‘‘જે સ્ત્રી સેક્સના કારણે સંતોષ મેળવીને સુંદર દેખાય છે તે તેના શયનગૃહમાં સામે ચાલીને પહેલ કરતાં શરમ અનુભવતી નથી. સ્ત્રી અને પુરુષ બંનેએ સમજવું જોઈએ કે બંનેને આની જરૂર હોય છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ એમાં શરમાવા જેવું શું છે?’’ આપણા સમાજમાં સ્ત્રીને માત્ર ઉપભોગનું સાધન માનવામાં આવે છે, પરંતુ મન મૂકીને વાત કહેવાનો અધિકાર નથી. આ પછાત વિચારસરણીનું યોગદાન છે. જો સ્ત્રી આ વિશે કંઈ બોલે તો તેને ચારિત્ર્યહીન માનવામાં આવે છે.

જાણકારોના અભિપ્રાય

સ્ત્રી-પુરુષની કામેચ્છા પર પચ્ચીસ વર્ષ પહેલાં માસ્ટર્સ, કિન્સે, જોન્સન વગેરે શોધકોની ખોજ તરફ ડૉ.ક્રાઉન આંગળી ચીંધીને કહે છે કે કેટલાક પુરુષો અને સ્ત્રીઓના હાથે કેટલાંક ચિત્રો, સાહિત્ય વગેરે પકડાવી દઈ તેનાથી પડતી અસરનો કયાસ કાઢવામાં આવ્યો હતો. જેમાં ઘણી સ્ત્રીઓએ જવાબ આપ્યા હતા કે તેમને કશી અસર થઈ નહોતી. અમારી ભાવના જાગ્રત થઈ નહોતી. પરંતુ તેમની ભાવનાઓની ચકાસણી કરતું યંત્ર કંઈક જુદો જ પ્રતિભાવ દર્શાવતું કે તેઓ ખોટું બોલી રહી હતી. એ એક સામાન્ય વાત છે કે સ્ત્રીઓ સંકોચશીલ હોય છે. પરંતુ આજે આ સ્થિતિ રહી નથી. ‘તેમને અશ્લીલ સાહિત્ય વાંચવું ગમે છે.’ આ વાત કરતાં તે શરમ અનુભવે છે, પરંતુ સ્ત્રી-પુરુષના સેક્સ સંબંધો અને તેમાંથી મળતાં સુખથી આ સ્ત્રીઓ સહેજ પણ અજાણી નથી.

વીસમી સદીમાં યુરોપ અને અમેરિકામાં સેક્સના વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરાતી હતી અને ભારતનો સમાજ આ વિષયમાં પછાત હતો, પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે અઢી હજાર વર્ષ પહેલાં આ વિષય પર સ્વસ્થ ચર્ચા કરાતી હતી. એની સાબિતી એ સમયે લખાયેલાં ગ્રંથો તથા પ્રયોગો છે. વાત્સ્યાયનનું ‘કામસૂત્ર’ ગ્રંથ કામશિક્ષાનો મૂળભૂત આધાર માનવામાં આવે છે. ભારતના કામશાસ્ત્રના વિદ્વાનો અને લેખકોમાં શ્વેત કેતુ, ઉદાલક, પાંચાલ, નંદી, સુપર્ણનાથ, કોકાપંડિત વગેરે નામો ખાસ ઉલ્લેખનીય છે.

કામેચ્છા શરીર અને મનની કુદરતી તરસ છે. એમાં કોઈ પાપ નથી. કોઈ ખોટું કામ નથી. આ વાત સ્વીકારવી જોઈએ. સેક્સનો અર્થ માત્ર રતિક્રિડા કે સમાગમ નથી, પરંતુ તેનો આરંભ અને અંત અત્યંત મહત્ત્વનો છે. પ્રણય એક વિજ્ઞાન છે. એની સફળતા વ્યક્તિ પર આધારિત હોય છે. કોઈ સંગીત વાદ્યની જેમ તેમાં મઘુર ઝંકાર ઉત્પન્ન કરી જીવનને સંગીતમય તથા સુખમય બનાવી શકાય છે.
આઘુનિક જમાનામાં શિક્ષણ અને પ્રચાર માઘ્યમોને કારણે સ્ત્રી પણ પોતાની સેક્સ લાઈફ પ્રત્યે જાગ્રત બની છે. આજે તે પોતાની ઈચ્છા તેના પ્રેમી સમક્ષ રજૂ કરી શકે છે. મુંબઈ અને તેના જેવા મોટાં શહેરોમાં સ્ત્રી આ પ્રત્યે વઘુ જાગ્રત દેખાય છે. ડૉ.ક્રાઉન આ વાત પર મજાક કરતાં કહે છે, ‘‘પહેલાં પુરુષ પોતાનો હક જમાવતો હતો અને સ્ત્રીને પરવશ કરતો હતો. આજે આ હક માટે સામે ચાલીને માગણી કરે છે ત્યારે પુરુષ ગભરાઈ જાય છે. પહેલાં પુરુષ સંપૂર્ણ તૈયારી કરી સ્ત્રી પાસે આવતો હતો. સ્ત્રી તેની સામે ઝૂકી જતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

સેક્સમાં ઉભય પક્ષની તૈયારી
સેક્સનું સુખ એક વ્યક્તિ મેળવી શકતી નથી. બંનેને તેમાં રુચિ હોવી જરૂરી છે. પ્રેમ, રસભરી વાત, આત્મીયતામાં બે શરીર ક્યારે પાસે આવી જાય છે તેનું ભાન રહેતું નથી. આલિંગન નવી ઊર્જાશક્તિ પેદા કરે છે. માનસિક અને ભાવનાત્મક નિકટતા સેક્સની પૂંજી છે. હવે જરા ઉંડા ઊતરીને નજર કરો. પચાસ વર્ષ પછી પ્રેમ અને સંબંધની વાત લો. તમારી પત્નીના શ્યામ કેશમાં સફેદ કેશની ઝલક દેખાશે. એક જમાનામાં કાળી ભમ્મર અને કજરારી આંખોની તમે પ્રશંસા કરતા હતા. આજે એ આંખો નીચે કરચલી અને કંૂંડાળા દેખાશે. આમ છતાં તમને એ ગમશે. તમે જ્યારે પત્નીને દિલની વાત કહેતા હતા ત્યારે એ સમયે તેના ચહેરા પર શરમની જે લાલિમા જોવા મળતી હતી એ આજેય જોવા મળશે. અત્યારે પણ તમે પ્રેમ કરો છો, આજે પણ તે તમને સુંદર દેખાય છે.

તમને ડાયાબિટીસ છે, તમારું પેટ ફૂલી ગયેલું છે, ફાંદ દેખાય છે, તેમ છતાં પત્નીની નજરમાં પહેલો પ્રેમ ઝળકતો દેખાશે. તમે તમારી જાતને રોેકી નહીં શકો. તમારા હાથ પત્નીના હાથને કસીને પકડે છે એ ઝટ દઈને પૂછે છે, ‘‘સાંભળો, બી.પી.ની ગોળી તો તમે લીધી છે ને?’’ પચાસ વરસ પછી કેટલોક શારીરિક બદલાવ જરૂર આવે છે. આ એક સહજ વાત છે. આ સંબંધમાં એક ડોક્ટર કહે છે, ‘‘વધતી ઊંમર સાથે શારીરિક ફેરફાર આવે છે. સેક્સ ભોગવવામાં એકાદવાર નિષ્ફળતા પણ મળે છે, જેના પરિણામે પુરુષ હીનતા અનુભવવા લાગે છે. તેને લાગે છે કે હવે બઘું જ ખતમ થઈ ગયું, પરંતુ આવું કશું નથી હોતું. આવી માનસિક સ્થિતિ સ્ત્રીઓમાં પણ મેનોપોઝ સમયે દેખાવા લાગે છે, પરંતુ સાચી વાત તો એ છે કે તમે અઢાર વરસના હો કે પચાસ વરસના, સ્ત્રીઓમાં દરેક ઊંમરે કામેચ્છા હોય છે.

સેક્સ અંગે કેટલીક ભ્રામક વાતો પ્રચલિત છે. દાખલા તરીકે વઘુ સેક્સ ભોગવવાથી નબળાઈ આવે છે. તમે વિચાર કરો તમે વઘુ વાત કરો છો ત્યારે તમારી જીભ થાકી જાય છે? નબળી બને છે? એવા લોકો છે જે એવું માને છે કે બ્રહ્મચર્ય પાળવાથી શક્તિ સાથે આયુષ્ય પણ વધે છે, પરંતુ શરીર વિજ્ઞાનની નજરે જુઓ તો આ વાત સાચી નથી. તમે એવું ન વિચારો કે વીસ વરસની વયે તમારામાં જે જુસ્સો હતો તે હવે રહ્યો નથી. પચાસ વરસની વય પછી પણ આવું વિચારશો નહીં નહીંતર તમારું મનોબળ નબળું પડી જશે.

વૃઘ્ધત્વ તરફની ડગર

સમય સાથે શરીરમાં પણ પરિવર્તન આવે તે સ્વાભાવિક છે, શારીરિક રૂપે વૃઘ્ધ થવું એ જુદી વાત છે, જ્યારે મનથી તેનો સ્વીકાર કરવો એ બીજી વાત છે. વધતી ઊંમર સાથે ખેલાડીને ટીમમાંથી દૂર કરાય છે. તેના દેખાવ પર પ્રભાવ પડે છે તે વાત જે સહજ રીતે લઈએ છીએ, એ રીતે આપણી શારીરિક ક્ષમતામાં આવેલી ઊણપને પણ સ્વીકારવી રહી. રોજના સંતુલિત ભોજન, પોષણ અને કસરત વગેરે કરવાથી આપણે આપણી જાતને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરવો જોઈએ. ઊંમર હોવા છતાં રમતના મેદાનમાં ખેલાડીને ફરી રમત રમવાનો મોકો મળે છે. સાથે ઊંમરની પરિપક્વતા વધે છે. કોઈ વાત સમજવા, જાણવા માટેની ક્ષમતા વધે છે તથા અનુભવ મળે છે. ખોટી જાહેરખબરોમાં ફસાઈને મર્દાનગી તથા તાકાત વધારવાની ભ્રામક કલ્પનાથી જાતને મુક્ત રાખવી જોઈએ. મનમાંથી હીન ભાવનાઓને ફેંકી દઈ તમારે શક્તિવર્ધક નુસ્ખા અપનાવવા જોઈએ. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાખી તેમાં એક ચમચી ખાંડ ભેળવી રોજ રાત્રે સૂતાં પહેલાં જરૂર લેવું. તેના કારણે પિત્ત ઓછું થશે. ગાયનું દૂધ પૌષ્ટિક હોય છે. તેમાં કોલેસ્ટ્રોલનો ભય પણ રહેતો નથી.

યુવાવસ્થા અથવા મોટી ઊંમરે હસ્તમૈથુન હાનિકારક જરા પણ નથી. જે રીતે નિયમિત રૂપે મળમૂત્રના ત્યાગની જરૂર રહે છે, તે રીતે વીર્યને પણ શરીરમાંથી કાઢી લેવું જરૂરી છે. બ્રહ્મચર્ય દ્વારા વીર્યનો સંગ્રહ રાખવાની વાત ગાંડપણ માત્ર છે. તમારા ં અંગની લંબાઈ સ્ત્રીના સુખ અથવા સમાગમ ક્રિયામાં જરા પણ અડચણરૂપ બનતી નથી. સ્ત્રીની જનનેન્દ્રિયમાં ૩-૪ ઈંચ પછી સંવેદનાનો અભાવ હોય છે. પ્રથમ સમાગમ સમયે યોનિપટલ ફાટી જાય અને લોહી ન વહે તો સમાગમ પહેલાં સ્ત્રીનું કૌમાર્ય ખંડિત થયું એમ માની લેવું સાવ ખોટી વાત છે. રમત, નૃત્ય વગેરે કરતાં પણ પડદો તૂટી જઈ શકે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓમાં તો આવો પડદો હોતો નથી.

પુરુષોમાં મોટી ઊંમરે સમાગમ કરવામાં વઘુ સમય લાગે તે સ્વાભાવિક છે. સ્ત્રીઓની જનનેન્દ્રિયોમાં શુષ્કતા આવી જાય છે. તેના માટે અનેક પ્રકારની ક્રીમ મળે છે. ડાયાબિટિસ, બ્લડપ્રેશર વગેરે રોગથી સેક્સજીવન પર અસર પડે છે. આ બધા રોગનું નિદાન શક્ય છે. વિશ્વાસપૂર્વક અજમાવવાથી તમે ચોક્કસ લગ્નજીવનનો આનંદ ઉઠાવી શકો છો. સફળતા-નિષ્ફળતાનું ચક્ર તો ચાલતું રહે છે.
સાઠ વર્ષ પછી સેક્સ ખતમ થઈ જાય છે. સંભોગજીવનનો અંત આવે છે. આ પ્રકારની નકારાત્મક ભાવના મનમાંથી ફેંકી દેવી જોઈએ. ઊંમરના આ પડાવ સાથે સહવાસ, પોતાપણું, પ્રેમ, વગેરે વાતો માનવીના સાંસારિક જીવનમાં સુખ આપી શકે છે. તૃપ્તિ આપી શકે છે. એટલે આ વાતનો પકડેલો છેડો કદાપિ છોડશો નહીં.

No comments: