Tuesday, May 25, 2010

શ્વાસમાંથી આવતી દુર્ગંધને અવગણશો નહિ....

શ્વાસમાંથી આવતી દુર્ગંધને અવગણશો નહિ
આ સમસ્યા દાંત-પેઢાના રોગ ઉપરાંત ગંભીર બીમારી તરફ અંગુલિનિર્દેશ કરે છે

સુંદર ચહેરામાં પીળા પડી ગયેલા દાંત કે શ્વાસમાંથી આવતી દુર્ગંધ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન સાબિત થાય છે. લસણ-કાંદા ખાવાના શોખીનો કે ઘૂમ્રપાન અને શરાબનો શોખ ધરાવનારાના મોઢામાંથી એક ચોક્કસ પ્રકારની વાસ આવે છે તે આપણને બધાને ખબર છે. પણ ઘણી વખત મોઢું સુકાઈ જતાં કે કાંદા-લસણ ન ખાધા હોવા છતાં મોઢામાંથી ચોક્કસ પ્રકારની દુર્ગંધ આવે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં ‘હેલિટોસીસ’ કહેવામાં આવે છે. ઘણીવખત આ વાસ શરીરમાં રહેલી બીમારી તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે. દાંત તથા પેઢાને લગતી સમસ્યા કે શરીરમાં રહેલી બીમારીને કારણે હેલિટોસીનની તકલીફ થાય છે.



04-DANT.gif દાંતના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મોટેભાગે તો દાંત અથવા પેઢાની તકલીફને કારણે જ શ્વાસમાંથી જ દુર્ગંધ આવે છે. જે વ્યક્તિ દિવસમાં બે વખત બ્રશ કરતી હોય છતાં ઓરલ ઈન્ફેક્શનને તેના કારણે પણ મોઢામાંથી વાસ આવે છે. ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધને ગંભીરતાથી લેતાં નથી અને ટૂથપેસ્ટ બદલાવે છે અથવા માઉથવૉશ વાપરવાનું શરૂ કરે છે. પરંતુ આવા ફેરફારનો ખાસ કંઈ લાભ થતો નથી.

સામાન્ય રીતે દાંતમાં સડોે થતાં મોઢામાંથી વાસ આવે છે. આથી શક્ય હોય તો વર્ષમાં બે વખત દાંતના ડોક્ટરની મુલાકાત લેવી. બે દાંતની વચ્ચે ખાવાનું ભરાઈ રહેતું હોવાને કારણે પણ આ તકલીફ થાય છે. આથી હંમેશાં જમ્યા બાદ કોગળાં કરી મોઢાને સરખું સાફ કરવું જરૂરી છે. બે દાંતની વચ્ચે કે ખૂણેખાંચરે ભરાઈ ર હેતાં અન્નનાં કણમાં સડો થાય છે અને આ સડાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. જોકે દિવસ દરમિયાન કંઈ પણ ખાધા બાદ પ્રત્યેક વખતે બ્રશ કરવું શક્ય નથી. પરંતુ કોગળા કરીને મોઢું તો અવશ્ય સાફ કરી શકાય. કંઈ નહીં તો ખાધા બાદ છેવટે એકાદ ઘૂંટડો પાણી પીવાથી પણ મોઢું ઘણું સાફ થશે. જો ખાધા બાદ કોગળાં ન કરવામાં આવે તો જ્યાં સુધી બ્રશ ન કરીએ ત્યાં સુધી ખોરાકના કણ ત્યાં સડતા રહે છે અને દાંતમાં સડો પેદા થાય છે.

પેઢામાં લાગતાં જીન્જીવાઈટીસ અને પેરીઓડોન્ટીસ્ટ જેવા બેક્ટેરીયલ ચેપને કારણે પણ શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. આ ઉપરાંત પેઢામાં સોજો, દાંતમાંથી લોહી નીકળવું જેવી સમસ્યા પણ વાસનું કારણ હોઈ શકે. આથી આ બાબતે બેદરકારી રાખ્યા વગર તત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
મોઢામાં જરૂરી પ્રમાણમાં લાળ ન બનવાને કારણે મોઢું સુકાઈ જાય છે જેને ઝેરોસ્ટોમીયા કહેવામાં આવે છે. દાંત ઉપર અને વચ્ચે જમા થનારા પ્લાકને દૂર કરવાનું કામ લાળ કરે છે. જો આ પ્લાક કાઢવામાં ન આવે તો દાંત સડે છે અને છારીનો પોપડો જામી જાય છે. મોટેભાગે તો બ્રશ કરતી વખતે પણ જ્યાં સરખી રીતે બ્રશને પહોંચાડી ન શકાય તેવી જગ્યાએ છારી જમા થાય છે. આ છારીના જામેલા પોપડાને નિયમીત બ્રશ કરવાથી દૂર નથી કરી શકાતા. પણ દાંતના ડોક્ટર પાસે જઈને મશીન વડે કઢાવી શકાય છે.

જો દાંત કે પેઢામાં રહેલા ચેપ કે સડાને દૂર કરાવ્યા બાદ પણ શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો શારીરિક તપાસ કરાવવી જોઈએ. ફેફસામાં રહેલો ચેપ, ફેફસાંનું કેન્સર, મુખનું કેન્સર, ડાયાબિટીઝ, કિડની કે લીવર ફેઈલ્યર જેવા અનેક રોગોમાં શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય છે.

આજકાલ ઘણા ડાયેટીંગના નાદે લો-કાર્બ ડાયેટ લે છે. લો-કાર્બ ડાયેટ લે છે. લો-કાર્બ ડાયેટને કારણે શરીરને જરૂરી પોષણ ન મળતાં લીવરે શરીરમાં રહેરી ચરબી અને પ્રોટીનનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રક્રિયાને કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે જે કેટોએસીડોસીનના નામે ઓળખાય છે. ક્રેશ ડાયેટ પર રહેનારાઓના મુખમાંથી ફળ જેવી કે નેઈલ પોલીશ રિમુવર જેવી વાસ આવે છે. પેટમાં રહેલા ચેપ કે આંતરડામાં કોઈ સમસ્યા હોય તો મોઢામાંથી મળ જેવી દુર્ગંધ ઓવે છે.
આપણા શરીરની તંદુરસ્તીનો આધાર દાંત પર રહેલો છે. આથી બને ત્યાં સુધી દિવસમાં બે વખત બ્રશ કરો. દર છ મહિને દાંતના ડોક્ટર પાસે જઈ દાંત પરની છારી કઢાવો. કંઈ પણ ખાધા બાદ કોગળાં કરી મોઢું સાફ કરો. જમ્યા બાદ સાકર વગરની ચ્યુઈંગગમ ચાવો.

No comments: