Saturday, May 29, 2010

રજોનિવૃત્તિથી ગભરાશો નહી...

રજોનિવૃત્તિ માટે મેડિકલ ટર્મ છે મેનોપોઝ. મેનો એટલે મહિનો અને પોઝ એટલે એટકી જવું. આધેડાવસ્થામાં આશરે ૪૫-૫૦ વર્ષની આસપાસ સ્ત્રીઓને મેનોપોઝ થઇ જાય છે.આ જાણીતું તથ્ય છે કે આપણા જીવનનું સરેરાશ આયુષ્ય પહેલાં કરતાં ઘણું વધી ગયું છે. વૃદ્ધોની સંખ્યા પહેલાં કરતાં વધી છે. સ્ત્રીઓનો મૃત્યુદર પુરુષોની તુલનામાં ઓછો થઇ રહ્યો છે. શરીરથી કમજોર કે નબળી લાગતી સ્ત્રીઓ અંદરથી મજબૂત હોય છે. રજોનિવૃત્તિ પછી પણ સ્ત્રીઓ માટે લાંબંુ જીવન ગાળવાનું હોય છે. આજે તે વાતને વધારે મહત્ત્વ આપવામાં આવે છે કે આગળનું જીવન તે કેવી રીતે સ્વસ્થ તન-મનથી જીવી શકે.

રજોનિવૃત્તિનો સમય સ્ત્રી માટે વેઠવો ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમ જેમ સ્ત્રીના જીવનમાં આ સમય નજીક આવતો જાય છે તેમ તેમ માસિક ધર્મમાં અનિયમિતતા આવવા લાગે છે. ક્યારેક બે-ત્રણ મહિના સુધી માસિક ધર્મ નથી થતો. ક્યારેક વધારે બ્લીડિંગ થવા લાગે છે. ત્યારબાદ માસિક ધર્મ એકદમ બંધ થઇ જાય છે. પરંતુ આ જ સમસ્યા કેન્સરમાં પણ ઉદ્ભવી શકે છે, આથી ડોક્ટરની સલાહ લેવી જરૃરી થઇ પડે છે. જોકે આ કાળમાં અંડાશય કામ કરવાનું બંધ કરી દે છે. શરીરમાં હોર્મોનનું સંતુલન બગડી જાય છે. ખૂબ જ પરસેવો થાય છે અને બેચેની અનુભવાય છે, પરંતુ તેમાં ગભરાવા જેવી કોઇ વાત નથી. કારણ કે થોડી વાર અથવા થોડા સમય માટે જ આવું થાય છે. હા! તેના ઉપચાર તરીકે ઠંડું પાણી અવશ્ય પીવું જોઇએ. રાત્રે સૂતી વખતે ગરમીમાં રાહત મળે અને ઊંઘ સારી આવે તે માટે સૂઇ જતા પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરી લો. સુતરાઉ તથા ઢીલાં વસ્ત્રો પહેરો તથા વધારે પડતો શારીરિક શ્રમ કરશો નહીં. તડકામાં નીકળવાથી બચો.

એક ઉંમર વીતી ગયા પછી અંગ વિશેષમાં શુષ્કતા આવવાને કારણે દુખાવો, ખરજ તથા દાહ અનુભવાય છે. તેનું મુખ્ય કારણ છે શરીરમાં એસ્ટ્રોજન હોરમોનની ઊણપ. ડોક્ટરની સલાહ હોય તો એસ્ટ્રોજન ક્રીમનો પ્રયોગ કરી શકાય. ઉંમરના પાંચમા દશક પછી હાડકાં પહેલાં જેવા મજબૂત રહેતાં નથી. નાનકડો અકસ્માત થાય કે વાગે તો પણ હાડકાં તૂટી જાય છે. હાડકાંના નબળાં પડવાનું કારણ એસ્ટ્રોજન હોર્મોનની ઊણપ છે. આથી ડોક્ટરની સલાહ લઇ હોરમોન, વિટામિન ડી તથા કેલ્શિયમની યોગ્ય માત્રા થોડો સમય માટે લઇ શકાય.

રજોનિવૃત્તિની અસર જેવી તન પર પડે છે તેવી મન પર પણ પડે છે. સૌથી મોટી ફરિયાદ હોય છે ડિપ્રેશન એટલે કે તણાવની. તેની સાથે જીવન પ્રત્યે અરુચિ, શારીરિક ચેતનામાં ઊણપ, માથાનો દુખાવો, થાક લાગવો, સુસ્તી લાગવી વગેરે રજોનિવૃત્ત મહિલાને જીવનથી વિમુખ કરી નાખે છે. મેનોપોઝ પછી મહિલાના હોર્મોનમાં ઊણપ આવે છે. હોર્મોન કે જે સ્ત્રીના સ્વાસ્થ્ય માટે જરૃરી છે, આ કમી કે ઊણપને એચઆરટી (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી) પૂરી કરી છે. અહીં વિશેષ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ થેરાપી માત્ર એક્સપર્ટ ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઇએ, કારણ કે તેનાથી જેટલો ફાયદો થાય છે તેટલી જ પ્રતિક્રિયા પ્રતિકૂળ પણ હોઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હોર્મોન થેરાપીથી સ્તન અને ગર્ભાશયમાં કેન્સર થવાનું જોખમ રહે છે. સંશોધનો દ્વારા એટલું સિદ્ધ થયું છે કે ઓછી માત્રાવાળું એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રાન સાથે આપવામાં આવે તો કોઇ જોખમ રહેતું નથી. માત્ર એસ્ટ્રોજનના પ્રયોગને કારણે ગર્ભાશયનું કદ વધી જાય છે જે યોગ્ય નથી. જે મહિલાઓએ ગર્ભાશય કઢાવી નાખ્યું હોય તેમણે હોર્મોન લેવાની જરૃર નથી.

મોનોપોઝ દરમિયાન એક્સપર્ટ ડોક્ટરોની સલાહ લઇને એચઆરટી લેવાથી ડિપ્રેશન, ચીડિયો સ્વભાવ, યોનિની શુષ્કતા વગેરે દૂર થાય છે. હાડકાંમાં તાકાત આવે છે તથા મજબૂત બને છે. સ્ત્રીના ભાવનાત્મક અસંતુલનમાં સ્થિરતા આવે છે. જેના પરિણામ સ્વરૃપ તે પોતાનું ભાવિ જીવન સ્વસ્થ રહીને પ્રસન્નતાપૂર્વક વિતાવે છે.

No comments: