Saturday, May 15, 2010

સાચા મિત્રો હોય તો દરેક મુસિબત સરળ બને છે...

જો સાચા મિત્રનો સાથ હોય તો સરળતાથી કોઇ પણ મુશ્કેલીની ઉપર આવી શકાય છે.



true friends supportએક જંગલમાં ચાર મિત્રો રહેતા હતા ઉંદર, કાચબો, કાગડો અને હરણ. ચારેયની મિત્રતા બહુ જૂની અને મજબૂત હતી. બધા સુખ-દુખમાં એકબીજાનો સાથ આપતા હતા. તેઓ રોજ સાંજે મળતા હતા અને જોડે રમતા હતા, જમતા હતા અને મસ્તી કરતા હતા. આ જ રીતે તેમનું જીવન વ્યતિત થતું હતું.



એક સાંજે ઉંદર, કાગડો અને કાચબો તો આવી ગયા પણ હરણ ન આવ્યું. જેના લીધે ત્રણેય મિત્રો પરેશાન થઇ ગયા. જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે કાચબો બોલ્યો કે હરણ ચોક્કસ કોઇ મુશ્કેલીમાં સપડાયું હોવું જોઇએ. અન્ય બે મિત્રોએ કાચબાની વાતમાં સહમતી દર્શાવી. ઉંદર બોલ્યું હવે આપણે શું કરી શકીએ? કાગડાએ કહ્યું હું તે જ્યાં ઘાસ ચરવા જાય છે ત્યાં હું ઉડીને જોઇ આવું છું. પણ ઘોર અંધારુ થઇ ગયું હતું. માટે કાગડાએ કહ્યું કે મને અંધારામાં કંઇ નજરે ન ચઢ્યું માટે હું સવારે ઉડીને હરણને શોધવાનો પ્રયત્ન કરીશ. ત્રણેય મિત્રો હરણની યાદમાં આખી રાત બેસી રહ્યા.



જેવું સૂર્યનું પહેલું કિરણ આવ્યું તરત જ કાગડો ઉડી ગયો અને કાઉં...કાઉં... કરીને મિત્ર હરણને બોલાવવા લાગ્યો. થોડી જ ક્ષણો બાદ તેને દૂરથી કોઇના રડવાનો અવાજ સંભળાયો. કાગડો તુરંત જ સમજી ગયો કે આ તો હરણનો જ અવાજ છે. જ્યાંથી અવાજ આવતો ત્યાં તે ઝડપથી પહોંચી ગયો. કાગડાએ જોયું કે હરણ એક જાળમાં ફસાઇ ગયું હતું અને રડતું હતું. કાગડાને તેણે કહ્યું કે એક શિકારીએ મને આ જાળમાં ખલાવી દીધું છે અને થોડી જ ક્ષણોમાં તે અહીં આવીને મને લઇ જશે. કાગડાએ તેને સાંત્વના આપતા કહ્યું કે તું ચિંતા ન કરહું ઉંદરને લઇને અહીં પાછો આવું છું, તે થોડી જ ક્ષણોમાં આ જાળ કાપી દેશે.



કાગડો તુરંત જ ઉડીને કાચબા અને ઉંદર પાસે પહોંચ્યો અને તેમને આખો ઘટનાક્રમ સંભળાવ્યો. ઉંદરને પોતાની પીઠ પર બેસાડી કાગડો હરણ પાસે પહોંચી ગયો. ઉંદરે પળવારમાં જ આખી જાળ કાપી દીધી. એટલામાં કાચબો પણ ત્યાં પહોંચી ગયો. ચારેય મિત્રો ખુશી મનાવી રહ્યા હતા એટલામાં જ શિકારી ત્યાં આવી પહોંચ્યો. કાગડો ઉડી ગયો, ઉંદર એક દરમાં સંતાઇ ગયું અને હરણ પણ કૂદકા મારીને દૂર ભાગી ગયું. પણ ધીમી ગતિને લીધે કાચબો ત્યાં રહી ગયો શિકારીએ તેને પકડીને પોતાના થેલામાં મૂકી દીધો.



બાકીના ત્રણ મિત્રો આ જોઇને પરેશાન થઇ ગયા. હવે કાચબાને કેવી રીતે બચાવી શકાય ? તે સમયે હરણ બોલ્યું હું શિકારીની સામે જઇશ તો તે પોતાનો થેલો મૂકીને મને પકડવા દોડશે એટલી જ વારમાં ઉંદર કાચબાને આઝાદ કરાવી લેશે. ઉંદર અને કાગડાને આ યોજના યોગ્ય લાગી. હરણ તુરંત જ શિકારી સામે પહોંચી ગયું. શિકારી હરણને જોઇને પોતાનો થેલો મૂકી તેની પાછળ ભાગ્યો પણ હરણ તેના હાથ ન લાગ્યું. બીજી તરફ ઉંદરે થેલો કોતરીને કાચબાને આઝાદ કરાવ્યો.



કથાનો સાર એ જ છે કે મિત્રતામાં કોઇ નાનું-મોટું નથી હોતું. બધા મિત્રો એક સમાન જ હોય છે. જો સાચા મિત્રનો સાથ હોય તો સરળતાથી કોઇ પણ મુશ્કેલીની ઉપર આવી શકાય છે.


No comments: