Saturday, May 15, 2010

મોહેં કહાં બિશ્રામ...

શિવોહમની અનુભૂતિનો રાજમાર્ગ એટલે સમાધિ...Understanding of samadhi



યોગ યાત્રાનો છેલ્લો પડાવ છે, સમાધિ.
સમાધિ એટલે નિતાંત શાંતિ.
સમાધિ એટલે નિરવતા.
સમાધિ એટલે નિરપેક્ષતા.
સમાધિ એટલે શૂન્યતા.
શૂન્યતા એટલે નામ-રૂપનો અભાવ.
સમાધિ એટલે જીવનો શિવ સાથે સંગમ.
સમાધિ એટલે ચોખ્ખા થયેલા આયનામાં આત્મદર્શન.
સમાધિ પરમ પિતાના સાંનિઘ્યની દિવ્ય અનુભૂતિનો ઝબકારો છે.



‘હું’ ‘તું’ની ગાંઠોને ઓગાળીને ‘આપણે’ના પ્રવાહમાં વહેતો કરતી ઉષ્મા એટલે સમાધિ. બત્તી તો ગૂલ થઇ હોય! તેવી અવસ્થામાં ‘આમ થયું હતું’ તેવું યાદ રહેવું ક્યાંથી સંભવે? એટલે માત્ર દિવ્ય અનુભૂતિનો મીઠો ઓડકાર જ યાદ રહે!



સમાધિ એટલે ઘ્યેય અને ઘ્યાત (ઘ્યાન કરનાર)નું એક થવું. સાધક જ્યારે ઘ્યેયમાં તદાકાર થાય ત્યારે પોતાનું નામ કે રૂપ ભૂલી જાય. શ્રી હરિનો ભક્ત જ્યારે ઇષ્ટ દેવના સ્વરૂપમાં લીન થાય ત્યારે વૈષ્ણવ કહેવાય. ઉપાસના એટલે પરમાત્માના સ્વરૂપ, ગુણ-વિશેષ અને દિવ્ય લીલાનું ચિંતન, મનન અને અનુસરણ.



ગીતામાં કહ્યું છે, ‘જે મને જે રીતે ભજે છે, તેને હું તે જ રીતે ભજું છું.’, અર્થાત્ ‘જેવું વાવીએ તેવું લણીએ.’ શ્રીમદ્ ભાગવતમાં કીટ-ભ્રમર રૂપકની વાત આવે છે. એક કીડો ડરના માર્યોસતત ભમરીનું ચિંતન કરતો રહે. અંતે તેને પાંખ ફૂટે અને તે ભમરીમાં રૂપાંતર પામે છે! વાત કાલ્પનિક છે, સાર લઇએ. આધુનિક મનોવિજ્ઞાન પણ કબૂલ કરે છે કે કોઇ એક વિચારના સતત ચિંતનથી શરીર અને મન પર પ્રગાઢ અસર થાય છે. ‘યસ, આઇ કેન’ની હકારાત્મક ઊર્જાના સતત અભિષેકથી સફળતાના હિમાલય સરખાં શિખરો પણ આસાનીથી સર થાય. ગીતામાં કહ્યું છે, ‘સંશયાત્મા વિનશ્યતિ’. ‘હું તો નબળો છું, મારાથી આ કેમ થાય?ના રટણથી ગમે તેવો શૂરવીર પણ માટી પગો થઇ જાય.



સમાધિ એ માત્ર આઘ્યાત્મિક ઘટના નથી. તેને એક સુદ્રઢ મનોવૈજ્ઞાનિક આધાર છે. તેનો વ્યવહારુ ઉપયોગ પણ છે. કોઇ પણ કાર્યમાં જોડાતા પહેલાં આપણે સંકલ્પ લઇએ છીએ. સફળતાના બે મંત્રો છે. ‘શું કરવું છે?’ તેનો સ્પષ્ટ ખ્યાલ અને ‘ગમે તે ભોગે કરવું જ છે’ તેવી દ્રઢ મનોવૃત્તિ. અહીંયા સમાધિની વિભાવનાને લાગુ કરવાનો ઘણો
અવકાશ છે.



ફરીથી સમાધિની વ્યાખ્યાનું સ્મરણ કરીએ. લક્ષ્ય સાથે એકતાનતા એટલે સમાધિ. લક્ષ્યમાં સમાહિત થવા લક્ષ્યની સ્પષ્ટ સમજ કેળવીએ. શું કરવા માગીએ છીએ (વ્હોટ), શા માટે (વ્હાય), કઇ રીતે (હાઉ), ક્યારે (વ્હેન) અને ક્યાં (વ્હેર) કરીશું અને કોણ (હું) સાથે જોડાશે- આ પ્રશ્નો સનાતન છે. યુદ્ધનું મેદાન હોય કે માર્કેટિંગ સ્ટ્રેટેજી, સમાધિનો ખ્યાલ દરેક સ્થળે પ્રસ્તુત છે.



લક્ષ્ય સાથે કઇ રીતે એક થવું? આ પ્રશ્નનો જવાબ સમજવા મીરાં-નરસિંહ જેવા ભક્તોની મનોદશાને અનુભવવી પડે. મનનો આયનો પ્રેમના આંસુથી ધોવો પડે. આળસ અને અહંકાર જેવી આસુરી વૃત્તિઓને દેશવટો આપવો પડે. ‘તેન ત્યકતેન ભુંજીથા’ નો મંત્ર અહીંયા એક નવો જ અર્થ લઇને આવે છે. મોટી વસ્તુ પ્રાપ્ત કરવા નાની ક્ષુલ્લક ચીજો જતી કરવી પડે. જેમ કે, કોઇ તેજસ્વી વિદ્યાર્થી આરામ-પ્રમોદ છોડીને અભ્યાસમાં રચ્યો પચ્યો રહે અને અંતે જ્વલંત સફળતા પ્રાપ્ત કરે છે.



શિવોહમની અનુભૂતિનો રાજમાર્ગ એટલે સમાધિ. પ્રવાસીઓ સાવધાન! આ રસ્તે અનેક હિલ સ્ટેશન એટલે કે નાની-મોટી ઉપલબ્ધિઓ આવ્યા જ કરવાની. એકાદ બે કલાક પોરો ખાધો તે તો ઠીક, પણ બહુ મોજ-મજા કરવા રોકાઇ પડ્યા તો આવી બન્યું.



સુંદરકાંડમાં મજાનો પ્રસંગ છે. સીતાજીની શોધમાં નીકળેલા હનુમાનજી સમુદ્રને લાંઘવા મોટો કૂદકો લગાવે છે. બજરંગબલીનો થાક ઉતારવા મૈનાક પર્વત સમુદ્રમાંથી બહાર આવે છે, ત્યારે હનુમાનજી વિનમ્રતાથી હાથ જોડીને આટલું કહે છે, ‘રામ કાજ કીન્હેં બિનુ, મોહેં કહાં બિશ્રામ!’.



No comments: