Saturday, May 29, 2010

ગીતાનું તત્વજ્ઞાન જે સમજે છે તેની જીવન પ્રત્યેની દ્રષ્ટિ બછ...

ગોળ જ્યાંથી પણ ખાશો ત્યાંથી ગળ્યો જ લાગવાનો. શ્રીમદ ભગવદ્ગીતાનું પણ તેવું જ છે.

વિશ્વના અનેક ચિંતકો અને વિચારવંત મહાપુરુષોએ શ્રીમદ ભગવદગીતાના વિચારોને એકઅવાજે માથે ચડાવ્યો છે અને જીવનની કૃતકૃત્યતા અનુભવી છે, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ તેની મહાનતાને માન્યતા આપી છે. ૧૯૪૫ની સોળમી જુલાઈએ મેક્સિકોના ગોદોંમાં અણુબોમ્બનો વિસ્ફોટ થવાનો હતો. એ વખતે મહાન વૈજ્ઞાનિક ઓપેન હાસ્મેર અણુવિસ્ફોટથી દસ કિલોમીટર દૂર પોતાની પોલાદની સ્પેશિયલ કેબિનમાં વિસ્ફોટનો અભ્યાસ કરતા બેઠા હતા ત્યારે ગીતાના અગિયારમા અધ્યાયનો શ્લોક ‘દિવિ સૂર્ય સહસ્રસ્ય...’ હજારો સૂર્યનું તેજ આકાશમાં એક જ વખતે પ્રકાશી ઊઠે છે - તો તે તેજ પરમાત્માના વિશ્વરૂપનું તેજ જેવું લાગે છે - ત્યારે ગીતાનું પુસ્તક તેમના ટેબલ પર હતું અને અગિયારમા અધ્યાયનો આ જ શ્લોકવાળું પાનું તેમના ટેબલ પર ખુલ્લું પડ્યું હતું.

એ ક્ષણે જ; અણુમાં રહેલી એ પ્રચંડ શક્તિના વિસ્ફોટ સમયે વૈજ્ઞાનિક ઓપન હાસ્મેરને શ્રીમદ ભગવદ્ગીતાની મહાનતા સમજાઈ. આ ગીતાનું મહત્વ સાર્વજનિક અને સર્વકાલીન છે, પરંતુ તે આપણા ધ્યાનમાં જ નથી આવતું. આ આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કારિતા છે. સંસ્કારિતાને નામે આજે ઊલટું કહેવાતા સુસંસ્કારી અને શિક્ષિત સમાજે જાણેઅજાણે આપણા વારસાની, આપણી સંસ્કૃતિની ઉપેક્ષા કરી છે. તેઓ પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ કરે છે.

તેમનાં સંતાનો પણ તેમનું જ અનુકરણ કરે તેમાં કોઈ નવાઈની વાત નથી. આજે યુવા પેઢી ક્યાં જઈને ઊભી છે? એક ભ્રાંત વિચાર આ કહેવાતા સુસંસ્કારી અને શિક્ષિત સમાજે યુવા પેઢીના મનમાં ઘુસાડી દીધો છે કે ગીતા તો ઘરડા થયા પછી જ વાંચવાનો ગ્રંથ છે. કાં તો મૃત્યુ પછી મૃત્યુ પામનારની માટે પાઠ કરવાનો ગ્રંથ છે. ગીતાનાં તો અનેકવિધ પાસાં છે.

ગોળ જ્યાંથી પણ ખાશો ત્યાંથી ગળ્યો જ લાગવાનો. શ્રીમદ ભગવદ્ગીતાનું પણ તેવું જ છે. માનવી શરીર કેવળ હાડમાંસનો એક ગોળો છે એવું કહેનારાઓએ ગીતાનું તત્વજ્ઞાન વાંચ્યું જ નથીને! તેથી આજે માનવીને તેની મહત્તાનું ભાન જ નથી. માનવ દેહની શ્રેષ્ઠતા અને અલૌકિકતા તેના ધ્યાનમાં જ આવતી નથી. ગીતાનું તત્વજ્ઞાન તો સિંહણનું ધાવણ છે. તે પીધું નથી તેથી જ તો આપણે બકરાંની જેમ બેં બેં બેં કરીને રડતા રહ્યા છીએ. ગીતા સમજાવે છે કે જીવનમાં અગવડો જ નથી. ઊઠ, ઊભો થા. હું શું કરું એમ લમણે હાથ દઈ રડતો શું બેઠો છે? સિંહને વળી અગવડ કેવી? વિઘ્નોને દૂર કરવાનું સામર્થ્ય તારામાં છે જ; પણ આપણને તેની સમજણ મળી નથી. ગીતાનું તત્વજ્ઞાન જીવનમાં આવતાં જ માનવીની ખોપરી જ બદલાઈ જાય છે. કોઈ અનેરી મસ્તી અને ઉલ્લાસથી જીવન ભરાઈ જાય છે.

No comments: