Thursday, May 13, 2010

કર્મયોગથી રાષ્ટ્રની ઉન્નતિ થાય............

ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું. ‘સ્વતંત્રતા પછી પણ રાષ્ટ્રને સુવ્યવસ્થિત રાખવા આત્મિક વિકાસની જરૂર પડશે. તે માટે કર્મયોગ, સાધના કરવી પડશે અને ધર્મે ચીંધેલા રાહે જવું પડશે.’



Importance of Karma Yogaવિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળના પેટમાં નષ્ટ થઇ છે, પરંતુ વૈદિક સંસ્કૃતિ-ભારતીય સંસ્કૃતિ-વૈદિક વિચારધારા-એ પ્રાચીન પરંપરા, હજારો વર્ષોના કાળની થપાટ ખાધા પછી પણ આધુનિક ભોગવાદી વિચારસરણી વચ્ચે પણ અડીખમ ઊભા રહેવાનો પ્રયાસ કરતી રહી. તેનું કારણ છે, વૈદિક પરંપરા એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ, ભેદમાંથી અભેદ તરફનું પ્રયાણ. દ્વૈતમાંથી અદ્વૈત તરફ લઇ જનારી અને નરમાં નારાયણનું દર્શન કરાવનારી એ દિવ્ય સંસ્કૃતિ છે. તે ધર્મનું સાચું હાર્દ સમજાવનારી તથા કર્મયોગ પ્રસ્થાપિત કરવાનું શિક્ષણ આપનારી છે. તેના પાયામાં જ્ઞાન, કર્મ અને ભકિત છે, ત્યાગ, સંયમ, કરુણા તથા પ્રેમ ઇત્યાદિ ગુણો છે.



જ્યારે જ્યારે સમાજની અવદશા થાય છે અને અધોગતિ તરફ સમાજ જતો હોય છે ત્યારે ત્યારે એ પરંપરાના કાળચક્રને ઊઘ્ર્વગતિ આપવા કોઇ ને કોઇ મહાપુરુષ આ દેશમાં નિર્માણ થાય છે. તેથી જ ભારતમાં ઋષિઓની, સંતોની, મહાપુરુષોની એક ભવ્ય પરંપરા નિર્માણ થઇ છે અને બદલાતી પરિસ્થિતિમાંથી માનવસમાજને ઉત્થાનના રાહે હાથ પકડીને દોરીને લઇ ગઇ છે અને તે વૈદિક પરંપરા, તે સંસ્કૃતિ આજે પણ કાળના પેટમાં એક ભવ્ય સંસ્કૃતિ તરીકે ડોકાતી રહી છે. તેથી તો ‘મેરા ભારત મહાન’નો ઉદ્ઘોષ આપણે કરીએ છીએ અને પાશ્ચાત્ય દેશોની દ્રષ્ટિ પણ ભારત ભણી જ છે. તેમને લાગે છે કે વિઘ્વંસના આરે ઊભેલા વિશ્વને ભારતની એ ભવ્ય પરંપરા જ ઉગારી શકશે.



ભગવાન શ્રીકષ્ણે પણ ગીતામાં એ પરંપરાની મહત્તા સમજાવતાં કહ્યું છે. અવ્યય કદી પણ ક્ષીણ ન થનારો, ત્રિકાલાબાધિત અને નિત્ય આ ‘યોગ’ મેં વિવસ્થાનને કહ્યો, વિવસ્થાને મનુને કહ્યો. મનુએ ઇશ્વાકુને કહ્યો. આમ પરંપરાથી આવેલો એને રાજર્ષિઓ જાણે છે. હે અર્જુન! તે આ યોગ દીઘર્કાળથી જગતમાંથી લુપ્ત થયો છે.



અને પરંપરાગત લુપ્ત થયેલા એ યોગને -કર્મયોગને ભગવાને અર્જુનને કહ્યો,



‘સ એવાયં મયા તેડધ યોગ: પ્રોક્તં પુરાતનમ્’ (અ.૪/૩)
એ જ અનાદિ પુરાતન યોગ મેં તને આજે કહ્યો.’
આ લુપ્ત થયેલી પ્રાચીન કર્મયોગની પરંપરાને ભગવાને અર્જુનને કહીને તે પુનર્જીવિત કરી છે. મતલબ, ભગવાને નવું કાંઇ ન કહેતાં એ પરંપરાની વિચારધારાને જ અર્જુન સમક્ષ મૂકી છે.



યોગ એટલે કર્મયોગ અને જે કર્મો ભગવાન સાથે જોડાયેલાં હોય, જે કર્મો વડે આત્મા, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ થાય એવાં કર્તવ્યબુદ્ધિથી થયેલાં કર્મોઅને વીસમી સદીના પ્રારંભમાં જ્યારે ભારત ગુલામીમાં સબડતો હતો ત્યારે ગાંધીજીએ લોકોની સુષુપ્ત આભાને જાગ્રત કરવા આ જ પરંપરાનો આધાર લીધો હતો. ગીતાના પરંપરાના એ જ વિચારો તેના પાયામાં હતા. એ વિચારધારાનો આગ્રહ રાખતા ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું. ‘સ્વતંત્રતા પછી પણ રાષ્ટ્રને સુવ્યવસ્થિત રાખવા આત્મિક વિકાસની જરૂર પડશે. તે માટે કર્મયોગ, સાધના કરવી પડશે અને ધર્મે ચીંધેલા રાહે જવું પડશે.’ પરંતુ ગાંધીજીની એ વાતો વિસરાઇ ગઇ અને સ્વતંત્રતાના ફળ ભોગવવાની હુંસાતુંસીમાં, સત્તાની સાઠમારીમાં, નેતાઓની રહીસહી શકિત વેડફાઇ ગઇ.



શાસનકર્તાઓ ભૂલી ગયા છે કે રાષ્ટ્રના ઘડતરમાં ધર્મની કે જે વૈદિક પરંપરાઓ સમજાવી હતી તેની આવશ્યકતા છે.


No comments: