Saturday, May 29, 2010

કરિયરની કશ્મકશ : બાય ચોઈસ or બાય ચાન્સ...

કારકિર્દીનું ઘડતર અને તેનું મૂલ્ય માત્ર પરીક્ષાનાં પરિણામોને આધારે આંકવું એ ભૂલભરેલું છે. પરીક્ષામાં યોગ્યતા પુરવાર કરવા સારી ટકાવારી ચોક્કસ જરૃરી છે. કોઈ કારણસર ટકાવારી ઓછી આવે તો પણ કારકિર્દીના ઘડતર માટે વિવિધ વિકલ્પો રહેલા છે.

વિદ્યાર્થી દસમા ધોરણમાં આવે ત્યારથી જ તેમના વાલીઓ ભવિષ્યની ચિંતા કરતા થઈ જતા હોય છે. એક રીતે આ ચિંતા બરાબર પણ છે, કારણ કે ઉજ્જવળ ભવિષ્યનો બધો મદાર આ પરીક્ષામાં મેળવેલા પરિણામ પર હોય છે. જીવનમાં અને કારકિર્દીમાં યોગ્યતા પુરવાર કરવા મહેનત, આવડત, યોગ્ય નિર્ણય અને લક્ષ્યની જરૃર રહે છે. એ સમયની રાહ જોવાની જરૃર નથી કે ક્યારે આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યારે બદલાવ આવશે. રાહ તો એ સમયની જોવાની રાખો કે ક્યારે તમે એ બદલાવ કરવા સક્ષમ બની શકશો. કારકિર્દીને પસંદ કરવાની, તમને ગમતા ક્ષેત્રમાં ડગ માંડવાની અને સપનાં સાકાર કરવાની તક એટલે દસમું અને બારમું ધોરણ. એના પરિણામને આધારે જીવનની દિશા નક્કી કરવામાં આવતી હોય છે કે પછી નક્કી કરતા હો છો. કારકિર્દીની પસંદગીમાં મુખ્યત્વે ચાર પરિબળો ભાગ ભજવતાં હોય છે. ટકાવારી, શોખ, સર્જનાત્મકતા અને લક્ષ્ય.

કારકિર્દીની પસંદગી

ટકાવારીને આધારે

કારકિર્દીની પસંદગીમાં આજે પણ સૌથી મોટું પરિબળ ભાગ ભજવતું હોય તો તે ટકાવારી છે. પરિણામને આધારે સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની પસંદગી કરવામાં આવે છે. એક વણલખ્યો નિયમ આપણે ત્યાં ઘડી નાખવામાં આવ્યો છે કે જો પરિણામ ૬૦ ટકાથી ઓછું હોય તો વિદ્યાર્થીઓ આર્ટ્સમાં જતા હોય છે. જો પરિણામ ૬૦થી ૮૦ ટકાની વચ્ચે આવે તો કોમર્સની સ્ટ્રીમ અને જો પરિણામમાં ટકાવારી ૮૦થી વધુ હોય તો સાયન્સ પસંદ કરવામાં આવે છે. વિદ્યાર્થી પોતાની પસંદગીથી વિદ્યાશાખાની પસંદગી કરે છે તો એ વાત અલગ છે. હવે તો મેરિટના આધારે ફેકલ્ટી પસંદ કરવામાં આવે છે પરિણામ ઓછું હોય તો નાસીપાસ થઈ જવાની જરૃર નથી. આર્ટ્સ કોમર્સ અને સાયન્સ લાઈન પસંદ કર્યા બાદ પણ કારકિર્દીની સારી તકો રહેલી છે.

શોખ

તમારા શોખને તમારી કારકિર્દી તરીકે અપનાવી શકો છો. તેના માટે કોઈ સારા કે ખરાબ પરિણામને ધ્યાનમાં નથી લેવાનું હોતું. કોઈ પણ ફેકલ્ટીના વિદ્યાર્થી હો જો તમને પેઈન્ટિંગનો શોખ હોય તો ફાઈન આર્ટ્સમાં ડિપ્લોમા લઈ શકો છો. ફાઈન આર્ટ્સ અંતર્ગત જ્વેલરી મેકિંગ, વિઝ્યુઅલ આર્ટ, સિરામિક પેઈન્ટિંગ, ગ્રાફિક પેઈન્ટિંગને લગતા વિવિધ કોર્સ કરીને તેમાં કારકિર્દી બનાવી શકો છો. આ સિવાય પરફોર્મિંગ આર્ટ્સને લગતા કોર્સ જેવા કે મ્યુઝિક, ડ્રામા અને ડાન્સમાં પણ ડિપ્લોમા, અન્ડર ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ માસ્ટર ડિગ્રી પણ મેળવી શકો છો. થોડી હટકે કારકિર્દી ઘડી શકો છો.

સર્જનાત્મકતા

દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કળામાં સર્જનાત્મકતા રહેલી હોય છે. જરૃર હોય છે તેને ઓળખીને ખીલવવાની. ઈન્ટિરિયર ડિઝાઈનર, ફેશન ડિઝાઈનર તેમજ ગાર્ડનિંગને લગતા કોર્સ કરી શકો છો.આ બધા કોર્સમાં ગુણની નહીં પણ તમારી આવડત અને સર્જનાત્મકતાની જરૃર હોય છે. રીઅલ ઈન્ડસ્ટ્રી અને પ્રોપર્ટી બૂમના આ સમયગાળામાં ઇન્ટિરિયર ડિઝાઈનરના ક્ષેત્રમાં સારો સ્કોપ રહેલો છે. એ જ રીતે ફેશનવર્લ્ડ હંમેશાંથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં જો તમે તમારી કાબેલિયતને પુરવાર કરી શકો તો સરળતાથી નામ અને દામ મેળવી શકો છો.

લક્ષ્ય

કારકિર્દીમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય પાયાની ભૂમિકા ભજવે છે. તમારા લક્ષ્યને લઈને હંમેશાં ક્લિયર રહો. તમે શું બનવા ઇચ્છો છો, શું મહત્ત્વાકાંક્ષા છે અને કયાં સપનાં છે જેને સાકાર કરવાં છે તેના પર હંમેશાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખો અને કારકિર્દીની પસંદગી કરો. આ તો વાત થઈ બંને બોર્ડના સંદર્ભમાં. દસમા ધોરણમાં સારા માર્ક્સ ના મેળવી શક્યા હો તો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સને સ્થાને કેટલાક પ્રોફેશનલ ર્કોિસસમાં જોડાઈ પ્રગતિનો પથ કંડારી શકો છો.

આઈટીઆઈ અને પોલિટેકનિક

આઈટીઆઈમાં દસમા પછી તમે પ્રવેશ મેળવી શકો છો. ટૂંકા ગાળાના વિવિધ કોર્સ અહીં ઉપલબ્ધ છે, જે તમને પગભર થવામાં મદદરૃપ થઈ શકે છે. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન તેમજ કમ્પ્યુટર અને ગર્લ્સ ક્વોટામાં સીવણ તેમજ એમ્બ્રોઈડરી વગેરે જેવા વિવિધ અભ્યાસક્રમોની લાંબી યાદી છે. જેમાં જોડાઈને તમે સર્ટિફિકેટ મેળવી શકો છો અને કારકિર્દી ઘડી શકો છો.

ડિપ્લોમા

દસમા ધોરણ બાદ ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકો છો અને અભ્યાસકાળમાં થોડું ધ્યાન આપીને ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ મેળવવાની ક્ષમતા કેળવી શકો છો. ડિપ્લોમામાં એડમિશન મેરિટના આધારે મળે છે એટલે એવા વિષયોની પસંદગી કરવાની રાખો કે જેમાં તમારા ગુણને આધારે પ્રવેશ મેળવી શકવા સક્ષમ હો.

ઈગ્નૂ અને બાબા સાહેબ

આંબેડકર ઓપન યુનિવર્સિટી

ઈંદિરા ગાંધી ઓપન યુનિ. અને આંબેડકર ઓપન યુનિ.માં વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં વિવિધ વિષયોની પસંદગીનો અવકાશ પણ રહેલો છે. ઈગ્નુ અને આંબેડકર ઓપન યુનિ. ડિસ્ટન્સ ર્લિંનગ મોડ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. જેમાં અસાઈગ્નમેન્ટ્સ ભરીને આપવાના રહે છે અને આંતરિક પરીક્ષા પાસ કરવાની રહે છેે.

બારમા ધોરણ પછીના વિકલ્પોઃ જો બીએ, બીકોમ કે બીએસસીમાં ના જોડાવવું હોય તો અન્ય કેટલાક અભ્યાસક્રમોને પ્રાધાન્ય આપી શકો છો.

મલ્ટિમીડિયા અને વેબ ડિઝાઈનિંગ

કમ્પ્યુટરના ફિલ્ડમાં કારકિર્દી ઘડવામાં રસ હોય તો સોફ્ટવેર અને હાર્ડવેર કોર્સનો અવકાશ ઉપલબ્ધ છે. આ સિવાય વેબ ડિઝાઈનિંગ, મલ્ટિમીડિયા અને એનિમેશનના ફિલ્ડમાં પણ ઝુકાવી શકો છો. આ માટે તમારે સતત પ્રેક્ટિસની જરૃર રહે છે અને નોલેજ અપડેટ રાખવું પડે છે.

હોટલ મેનેજમેન્ટ અને એવિયેશન

હોટલ મેનેજમેન્ટ અને એવિયેશન એવાં ક્ષેત્રો છે જે તમને વિદેશમાં પણ કારકિર્દી ઘડવાની તક આપે છે. આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે ભલે ગુણ મહત્ત્વ ના ધરાવતા હોય પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોય તે આવશ્યક છે. જનરલ નોલેજ, સોશિયલ એટીકેટ, લોકોને પોતાના બનાવવાની આવડત તેમજ લાંબી મુસાફરી કરવાની તૈયારી હોય તો તમે આ કોર્સમાં જોડાઈ શકો છો.

નર્સિંગ

એવું નથી કે માત્ર સાયન્સ સ્ટ્રીમ ધરાવનારા વિદ્યાર્થીઓ જ નર્સિંગનો કોર્સ કરી શકે છે. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ નર્સિંગના કોર્સમાં જોડાઈ શકે છે. નર્સિંગના અભ્યાસક્રમ બાદ દેશમાં અને વિદેશમાં સારી એવી નોકરીની તકો રહેલી છે.

પીટીસી

અન્ય એક ઓપ્શન છે પીટીસી. છેલ્લા કેટલાક સમયમાં પીટીસીના અભ્યાસક્રમની બોલબાલા એટલી વધી ગઈ છે કે હવે તેમાં પણ એડમિશન મેળવવા માટે મેરિટ દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું છે. જોકે પીટીસીનો વિકલ્પ એ દરેક સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો જ છે. એટલે જો ટકાવારીનું પ્રમાણ સારું હોય અને શિક્ષણ ક્ષેત્રમાં રુચિ હોય તો પીટીસીમાં જોડાઈ શકો છો.

સ્પર્ધાત્મક પરીક્ષા

એવાં ઘણાં ફિલ્ડ છે જે દરેક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને યોગ્યતા પુરવાર કરવાની અને કારકિર્દી બનાવવાની એકસરખી તક પૂરી પાડે છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી સેવાઓ તેમજ સરકારમાં વિવિધ ખાતાઓમાં નોકરી મેળવવા માટે, બેંક, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ વગેરે ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૃરી બની જાય છે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષાની એ જ ખાસિયત છે કે તેમાં કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થઈ શકે છે. તેના માટે કોઈ ચોક્કસ મેરિટ કે ટકાવારીની જરૃર નથી રહેતી. બધો આધાર તમારી મહેનત અને સામાન્ય જ્ઞાાન પર રહેલો હોય છે.

એડમિશન ફોર્મ ભરવા માટે જરૃરી પ્રમાણપત્રો

એસ.એસ.સીની પરીક્ષાનું પ્રમાણપત્રક, એકથી વધુ પ્રયત્નો હોય તો તેનું પ્રમાણપત્રક

ધો-૧૧નું શાળાએ આપેલું પરીક્ષાનું ગુણ પત્રક

ધો-૧૨માનું અથવા સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક, એકથી વધુ પ્રયત્નો હોય તો તેનું પ્રમાણપત્રક

લિવિંગ સર્ટિફિકેટ

વિકલાંગતા અંગેનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવિષ્ટ અને તે અંગેના અનામતનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક જૂથમાં સમાવિષ્ટ નહોય તેવી વિચરતી અને વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર

માજી સૈનિક અને સશસ્ત્રદળની વ્યક્તિના પરિવારમાંથી આવતા અરજદારનું તે અંગેનું પ્રમાણપત્ર

No comments: