Saturday, May 29, 2010

શિશ્નના ઉત્થાનની તકલીફ(બિડેલાં દ્વાર )..

પ્રશ્ન : મારી ઉંમર ૫૯ વર્ષની છે. છેલ્લા બે વર્ષથી મને ડાયાબિટીસની તકલીફ છે. જેથી મને શિશ્ન ઉત્થાન થતું નથી. કોઈ વાર થાય તો શીઘ્ર સ્ખલન થઈ જાય છે. શું ડાયાબિટીસ કાબૂમાં આવ્યા પછી શિશ્નના ઉત્થાનની તકલીફ દૂર થઈ શકે છે ? બીજું આપને રૃબરૃ સલાહ હોય તો કયા સરનામે મળી શકાય તે જણાવશો.

ડો. પારસ શાહ : ડાયાબિટીસના પચાસ ટકા પુરુષોને જો ડાયાબિટીસ કાબૂમાં ના રહે તો જાતીય સમસ્યાઓ જેવી કે નપુંસકતા, શીઘ્રસ્ખલન, શિશ્નની અગ્રત્વચા જાડી થઈ જવી, પેશાબમાં ચેપ લાગવો વગેરે થતી હોય છે, પરંતુ પોતાને ડાયાબિટીસ છે આથી નપુંસક થઈ જવાશે એવી બીકના કારણે પણ ઇન્દ્રિયમાં નપુંસકતા અથવા ઉત્થાનની તકલીફ સર્જી શકે છે. ડાયાબિટીસના દર્દીઓની લોહીની નાનકડી નલિકાઓ બારીક થઈ જાય છે, સંકોચાઈ જાય છે. જેને માઈક્રો એન્જિયોપથી કહેવાય છે. પુરુષની ઈન્દ્રિયમાં સ્નાયુ કે હાડકું હોતું નથી. માત્ર આ નલિકાઓ પહોળી થવાથી લોહીનો પ્રવાહ વધે છે અને પુરુષની ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન આવે છે. જેથી તે જાતીય સંબંધ માણી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં આ નલિકા બારીક થવાથી શિશ્નને લોહીનો પૂરતો જથ્થો મળતો નથી અને તેનાથી નપુંસકતા આવે છે. વળી આ દર્દીઓમાં જ્ઞાનતંતુઓમાં થતાં બગાડ (ઓટોન્યુરોપથી)ને લીધે પણ શિશ્નનું ઉત્થાન નબળું પડી શકે છે, પરંતુ ડાયાબિટીસમાં યોગ્ય દવાઓ અને આહાર નિયંત્રણ સાથે નિયમિત કસરતોથી જો કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવતી નથી અને જો ભૂતકાળમાં ડાયાબિટીસને કારણે નપુંસકતા આવેલ હોય તો પણ તે દૂર થઈ શકે છે.

ઉપરાંત આ ડાયાબિટીસના દર્દીઓમાં અક્સીર ઇલાજ થઈ શકે તેવી દવાઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર બ્લડપ્રેશર, કોલેસ્ટોરલ અને હૃદયરોગની બીજી બીમારીઓ પણ સાથે હોય છે માટે ક્વોલિફાઈડ ડોક્ટર પાસે યોગ્ય નિદાન કરાવીને જ દવા લેવી જોઈએ. બાકી આપની શીઘ્ર સ્ખલન માટે ઇલાજની જરૃર નથી. કોઈ પણ વ્યક્તિને લાંબાગાળાના અનિયમિત જાતીય સંબંધથી શીઘ્ર સ્ખલનની તકલીફ થઈ શકે છે. જો સંભોગ નિયમિત કરવામાં આવે તો તે દવા વગર પણ મટી શકે છે. આપ મને અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં દર સોમવારે અને બુધવારે બપોરે મળી શકે છે. અહીં તપાસ મફત થાય છે.

પત્નીનું શરીર વધી જાય ?

પ્રશ્ન : અમારા લગ્નને ૧૦ વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધ તરીકે નિરોધનો પ્રયોગ કરતાં હતાં, પરંતુ છ મહિના પહેલાં પત્નીએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ છે. મારી પત્નીને થાય છે કે, વધુ પડતા જાતીય સંબંધથી વીર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. શું આવું થઈ શકે છે?

ડો. પારસ શાહ : જાતીય જીવનને લગતી આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જોઈ શકાય છે. કહેવાતા જાહેરખબરિયા, ખાનદાની સેક્સોલોજિસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઠસાવી દીધું છે કે, વીર્ય શક્તિશાળી છે અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો પડવો, વૃદ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ સિવાય કોઈ જ સચ્ચાઈ નથી. એ વાત સાચી છે કે, વીર્યમાં ફુકટોઝ નામની સુગર આવેલી હોય છે, પણ તે માત્ર વીર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પૂરતી છે અને એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી હરગીઝ નથી હોતી.

ઊલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતીય સમાગમમાં આશરે દોઢસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વીર્યને કારણે નહીં, પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એક્ટિવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

સુહાગરાતે શું થશે ?

પ્રશ્ન : મારી ઉંમર ૨૯ વર્ષની છે. થોડાક જ સમયમાં મારા લગ્ન થવાના છે. મારા મિત્રો સેક્સ વિશેની જાતજાતની વાતો કરે છે, પરંતુ મને આજદિન સુધી હસ્તમૈથુન સિવાય સેક્સનો કોઈ જ અનુભવ નથી. લગ્નના દિવસ જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગભરામણ વધતી જાય છે. સુહાગરાતે શું થશે એની ચિંતા સતાવે છે. તો શું કરું લગ્ન પાછા ઠેલવી દઉં ?

ડો. પારસ શાહ : તમારી જ જેમ ઘણાખરા અનુભવી અને બિનઅનુભવી યુવક-યુવતીઓ લગ્ન પૂર્વે સુહાગરાતની ચિંતા કરતાં જોવા મળે છે. આ ગભરાટ-ચિંતા ઘણી વાર તેમના ‘કહેવાતા અનુભવી’ મિત્રોએ તેમના મગજમાં ભરેલ સાચી-ખોટી વાતના ઢગલાને કારણે અનુભવાતી હોય છે. હકીકતમાં આ સુહાગરાત કોઈ અજાયબી રાત નથી. એ પણ જીવનના અન્ય અનુભવો જેવો જ એક પહેલી વારનો અનુભવ છે.

હા, પ્રથમ વખતના સમાગમ વખતે કેટલાકને સામાન્ય મુશ્કેલીઓનો અનુભવ જરૃર થાય. જેવું કે સ્ખલન જલદી થઈ જવું, ઇન્દ્રિયમાં ઉત્થાન ના થવું કે પ્રવેશ પહેલાં જ ઢીલાશ આવી જવી, લોહી નીકળવું, પીડા થવી વગેરે, પરંતુ આ કોઈ મોટી સમસ્યા નથી કે જેના કારણે લગ્ન પાછું ઠેલવવું પડે. કિનારે બેસી રહેવાથી ક્યારેય સામે પાર જઈ શકાતું નથી. તમે પહેલી વાર સાઈકલ ચલાવેલી કે શેવિંગ કરેલું ત્યારે પરફેક્ટ જ થયેલું ? શું એમાં કોઈ મુશ્કેલી નહોતી પડી ? પરંતુ જેમ તમે આજે તમે બાઈક કોઈ વ્યક્તિ પાછળ બેસીને પણ ચલાવી શકો છો કે આંખ બંધ કરીને પણ દાઢી કરી શકો છો તેમ જાતીય જીવનમાં શરૃઆતમાં પડતી તકલીફ પણ ધીરેધીરે દૂર થઈ જતી હોય છે.
પહેલી રાતે કેવળ નજીક આવો. એકબીજા જોડે માત્ર વાતો કરજો. સ્પર્શ કરજો અને ઓળખવાનો પ્રયત્ન કરશો. સેક્સની કોશિશ ના કરતાં. ઇન્દ્રિયમાં ઉત્થાન આવે છે કે નહીં તે તરફ નજર પણ ના કરશો. ચિંતા પોતે જ એક મોટી આડખીલી બની રહે છે. કોમનસેન્સની સાયકોલોજી વાપરો. બે અવયવો છે. એક પુરુષનું, એક સ્ત્રીનું. બેઉને એકમેકમાં હળવેથી પરોવવાના છે. એમાં કોઈ મોટી તોપ ફોડવાની નથી. ધીરજ રાખજો તથા વિશ્વાસ રાખવો. જો બીજા યુગલો જાતીય જીવન માણી શકતા હોય તો તમે કેમ નહીં ? ચિંતા કર્યા વગર લગ્ન કરી લો.


(article  from sandesh)

No comments: