Saturday, May 8, 2010

મિથ્યાજ્ઞાનને કારણે અભિમાન વધે છે...

આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ સ્વયં પોતાના જીવનમાં હજારો વ્યક્તિઓને રોજ મરતા જુએ છે, પરંતુ પોતાના વિષયમાં એવું માને છે કે હું મરીશ નહીં.



vedaઅશ્વત્થે - અસ્થિર- અનિશ્વિત શરીરમાં, વ: - તમો જીવોના, નિષદમ્ - રહેઠાણ છે, પર્ણે- પાંદડાં પર (ઝાકળનાં ટીપાં જેવું) વ: - તમારું, વસતિ: - ઘર, કૃતા - બનાવેલ છે, ગોભાત ઇત્ કિલ અસથ -તમે તો માત્ર ઇન્દ્રિયોના વિષય સેવન કરવાવાળા જ બની ગયા છો યત્સનવથ પુરુષમ્ - તમારે અસ્થિર શરીરમાં, સ્થિર આત્મા-પરમાત્માની ભક્તિ કરવી જોઇએ.



એક એવો શાશ્વત નિત્ય નિયમ છે કે જેને લગભગ વ્યક્તિ ભૂલી જાય છે તે છે શરીરની અનિત્યતા -અસ્થિરતા. મોટે ભાગે એવું અજ્ઞાન બની રહે છે કે હું આજ જેવો છું તેવો જ સ્વસ્થ, શક્તિશાળી, સંપન્ન, સુખી, સંતુષ્ટ બની રહીશ, કદી વૃદ્ધ, રોગી નહીં થવાનો, મરીશ નહીં આવા મિથ્યાજ્ઞાનને કારણે અભિમાન વધે છે અને વ્યક્તિ અનિષ્ટોને અધિક માત્રામાં કરે છે.



આ મૃત્યુ એવી વસ્તુ છે જેને કોઇ પણ ઇચ્છતું નથી, ન તેના વિષયમાં સાંભળવા માગે છે, ન વાંચવા, ન વિચારવા અને ન જોવા માગે છે, પરંતુ છાયાની માફક તે પ્રત્યેક મનુષ્યની પાછળ લાગેલું જ રહે છે. બધા વૈજ્ઞાનિકો એ જ પ્રયાસમાં લાગેલ છે કે કોઇ પણ પ્રકારે જીવનને લાંબું કરવામાં આવે, જુવાન જ બનાવી રાખવામાં આવે, બલકે શરીરોને અમર બનાવી દેવામાં આવે.



અનેક અબજપતિઓએ પોતાની સંપત્તિ વૈજ્ઞાનિકોને પ્રદાન કરી દીધી એટલા માટે કે તે તેઓ ફરી ચેતનાને ખોળી તેઓને જીવિત કરી દે. આ કેવી અસંભવ કલ્પના છે? વૈદિક-આઘ્યાત્મિક -દાર્શનિક દ્રષ્ટિથી મનુષ્યનું બધાથી મોટું અજ્ઞાન આ છે કે હું સદા શરીરની સાથે સંસારમાં જીવિત રહીશ, મરીશ નહીં. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ સ્વયં પોતાના જીવનમાં હજારો વ્યક્તિઓને રોજ મરતા જુએ છે, પરંતુ પોતાના વિષયમાં એવું માને છે કે હું મરીશ નહીં.



પરમેશ્વરે મનુષ્યોને આ ચેતવણી આપી છે કે હે મનુષ્ય! તું સાવધાન થઇને ચાલ, તારું જીવન પાનખર ઋતુમાં પીપળનાં પાકેલાં પીળાં પાંદડાંની સમાન અસ્થિર છે, જે ન જાણે ક્યારે હવાના ઝોકાથી ડાળીથી અલગ થઇ જાય. વેદ કહે છે કે જેવી રીતે શિયાળાની રાતના વખતે ઝાડનાં પાંદડાં ઉપર ઝાકળના બિંદુ બની જાય છે અને તે ત્યાં સુધી પાંદડાં ઉપર ચમકતાં રહે છે કે જ્યાં સુધી પાંદડું હાલતું-ડોલતું નથી, જેવું વાયુનું એક હલકું ઝોકું પાંદડાંને હલાવે છે કે તરત જ તે ઝાકળનું બિંદુ નીચે પડી જાય છે, ઠીક એવી જ રીતે ક્યારે શરીરના પ્રાણ નીકળી જાય તે કહી શકાતું નથી.



એટલા માટે ઈશ્વર આપણને ચેતવણી આપે છે કે હે ભોળા મનુષ્યો! આવા અનિત્ય ક્ષણભંગુર શરીરને મેળવી તમે કેવળ ઇન્દ્રિયોની વિષય-તપ્તિમાં જ મસ્ત થઇ ગયા છો, માત્ર સાડા-ચાર ઇંચના પેટને ભરવા અને પાંચ-છ ફીટ લાંબા શરીરને સજાવવા, સંવારવા, ખવડાવવામાં જ દિવસ-રાત લાગી રહ્યા છો, યાદ રાખો જે માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિમાં જ લાગેલો રહે છે તેની તષ્ણાઓ ઘટવાને બદલે વધતી જાય છે.



ભોગાસકત મનુષ્યની બુદ્ધિ સતત રજોગુણી, તમોગુણી બનતી જાય છે. પરિણામે વિષયભોગી વ્યક્તિ માત્ર ભોગ-પરાયણ બની અધાર્મિક પ્રવૃત્તિવાળો, આળસુ, અકર્મણ્ય અને સ્વાર્થી બની જાય છે અને આગળ ચાલી હલકાં ક્રૂર કર્મો પણ શરૂ કરી દે છે. એવા નીચ-હલકા અસુર વ્યક્તિ પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વના જીવનને પણ નરકસાગરમાં ડુબાડી દે છે.



હે પ્રભુ! અમોને હવે આપના વેદના સ્વાઘ્યાયથી આ બોધ થઇ ગયો છે કે માત્ર શરીર ઇન્દ્રિયોની તૃપ્તિ કરવી એ તો પશુવૃત્તિ છે. એનાથી સંતોષ નહીં થાય. અમારા ઉપર દયા કરી આપનું જ્ઞાન-બળ-આનંદ પ્રદાન કરી અમોને કૃતાર્થ કરો, કૃતાર્થ કરો.


No comments: