Thursday, May 13, 2010

રોકાણ એકસામટું કરવું કે સિપ દ્વારા?...

શેરબજારોની ચંચળતાને લીધે મ્યુરયુઅલ ફંડના ઇન્વેસ્ટરોએ રોકાણ એકસામટું કરવું જોઇએ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ (એસઆઇપી-સિપ) દ્વારા કરવું જોઇએ?



જે રોકાણકારો પાસે મોટી રકમ નથી પણ જે લાંબા ગાળાની મૂડી જમા કરવા માગે છે, તેમના માટે સિપ શ્રેષ્ઠ વ્યૂહ છે. નિયમિત રોકાણ એ બચત અને રોકાણ બન્ને માટે શ્રેષ્ઠ છે. નાણાકીય લક્ષ્યોને પાર પાડવાથી બજારોની ચંચળતાનો પણ ઉકેલ મળી જાય છે. આથી બજારમાં વિવિધ સ્તરે રોકાણ કરવાથી તમારી રોકાણની સરેરાશ હંમેશાં એન.એ.વી.(નેટ એસેટ વેલ્યુ) કરતાં નીચી જ રહેશે. જેમની પાસે એકસામટી રકમ છે, તેમના માટે એકસામટું અને સીપનું કોમ્બિનેશન સારાં પરિણામ આપશે.



જ્યારે બજાર ચંચળ થઇ જાય ત્યારે ઇક્વિટી ફંડોથી દૂર જવાની ઇચ્છા કેવી રીતે રોકવી?



રોકાણનો શ્રેષ્ઠ વ્યૂહ બનાવવો એક કપરું કામ છે. જ્યારે બજાર ઘટતી જાય છે ત્યારે રોકાણકારો ઇક્વિટી ફંડોમાં રોકાણ અંગે દ્વિધા અનુભવે છે. અનેક રોકાણકારો ડેટ (ઋણ) ફંડોમાં રોકાણને તબદીલ કરવા પ્રેરાય છે. આવા સમયગાળામાં ઇક્વિટી ફંડોની કામગીરી ઇક્વિટી ફંડોની લાંબા ગાળાની ક્ષમતા નથી બતાવતી. આથી ટૂંકા ગાળાની ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવો અને લાંબા ગાળાના લક્ષ્યાંકો પર નજર રાખો. મહત્ત્વની વાત છે કે ઇક્વિટી ફંડોમાં રોકાણ કરતી વખતે લક્ષ્યાંકોને રોકાણ સાથે સાંકળી લો.



નવા ફંડમાં રોકાણ કરવું કે ઓલરેડી માર્કેટમાં હોય એવાં ફંડોમાં રોકાણ કરવું?



સામાન્ય સમજ એવી છે કે ૧૦ રૂપિયાની એન.એ.વી. ૨૦૦ રૂપિયાની એન.એ.વી. કરતાં ઓછી છે. કોઇક વસ્તુ મોંઘી છે કે સસ્તી એવું નક્કી કરવા માટે સરખામણી કરવી પડે છે પણ અહીં બે અલગ અલગ ઘટકો ધરાવતી વસ્તુઓની સરખામણી થઇ રહી છે. શેરના મામલામાં બજારભાવ હંમેશાં બુક વેલ્યુથી અલગ હોય છે. કુલ શેરોની સંખ્યા નિશ્વિત હોવાથી માગ-પુરવઠો બજારભાવ પર અસર કરે છે અને બુક વેલ્યુ કરતાં બજારભાવ હંમેશાં વધારે રહે છે.



મંદીના વાતાવરણમાં બજારભાવ બુક વેલ્યુ કરતાં ઓછા રહે છે. મ્યુરયુઅલ ફંડના યુનિટોની સંખ્યા દરેક ખરીદી અને વેચાણ સાથે બદલાયા કરે છે. આથી માગ-પુરવઠાની વિસંગતિથી બુક વેલ્યુ બજારભાવના તફાવતને અસર થતી નથી. આથી યુનિટોની એન.એ.વી.નો બજારભાવ અને બુક વેલ્યુ સમાન રહે છે. એન.એ.વી. હંમેશાં શેરના બજારભાવ સાથે જ સંબંધિત રહે છે. શેરના ભાવ વધતા એન.એ.વી. પણ વધે છે.



અહીં આપણે એન.એ.વી.ને બુક વેલ્યુ સાથે સરખાવતા હતા. આ તફાવત સમજવો જરૂરી છે. આ તફાવતને કારણે, ૧૦ રૂપિયાની એન.એ.વી. કે ૨૦૦ રૂપિયાની એન.એ.વી. સમાન પોર્ટફોલિયો ધરાવતાં ફંડોમાં સમાન જ કહેવાય. બન્નેમાં વળતર સરખું જ મળે. અને બજારો ઘટતાં બન્નેમાં સરખું જ નુકસાન થાય. આથી હંમેશાં સારી કામગીરીનો ભૂતકાળ ધરાવતાં ફંડોમાં જ રોકાણ કરો.



ડિવિડંડ કે ગ્રોથ? કયો વિકલ્પ પસંદ કરવો?



વાસ્તવમાં આ ભિન્ન વિકલ્પો ભિન્ન ફંડો નથી. કોઇપણ વિકલ્પ લો, ફંડ એક જ છે. માત્ર ગણતરીમાં ફરક છે; વળતર બન્ને વિકલ્પોમાં સમાન રહેશે. ટેક્સની દ્રષ્ટિએ ડિવિડંડ અથવા મૂડી લાભ-કેપિટલ ગેઇન્સનો ફરક આવે. આથી વિકલ્પની પસંદગી કરવેરાની સમજ અનુસાર કરવી. સરળ સમજ માટે યાદ રાખો કે તમારો રોકાણનો ગાળો એક વરસ અથવા વધારે હોય ત્યારે ગ્રોથ વિકલ્પ સારો છે અને ડિવિડંડ વિકલ્પ કે રોકાણ એક વરસથી ઓછા સમયનું હોય ત્યારે ડિવિડન્ડનું ઓપ્શન બહેતર છે.


No comments: