જે આ મારો ભક્ત છે, તેને તો કેવળ મારો સહારો છે. તે તો રાત્રે આરામથી વિશ્રામ કરશે અને હું રાતભર તેના ઘરની બહાર ઊભો રહીને ચોરોથી તેની રક્ષા કરીશ. જેના કારણે મે તેને કંઈજ જણાવ્યું નથી.
એક ગામની બહાર ભગવાન લક્ષ્મીનારાયણનું એક જૂનું પણ સુંદર મંદિર હતું. એક જ્ઞાની અને એક ભક્ત ત્યાં નિયમિત સેવા-પૂજા કરતાં હતા. જ્ઞાની પોતાના જ્ઞાન પ્રમાણે ભગવાનનું સાંગોપાંગ પૂજન કરતો અને ભક્ત કે જેને જ્ઞાન તો કંઈ જ ન હતું, પણ તે ભગવાનની મૂર્તિઓની સેવા ઘણી તન્મયતાથી કરતો હતો. તે મંદિર જઈને વાસી ફૂલો ઉતારીને ભગવાનને ચંદનયુક્ત જળથી સ્નાન કરાવીને અત્તર લગાવતો, ભગવાનના અંગો પર અત્તરની માલિશ કરતો અને તેમને નવા પુષ્પોની માળા પહેરાવતો હતો. એક સેવકની જેમ તે તેમનું ધ્યાન રાખતો હતો.
ભાગ્ય પ્રમાણે, જ્ઞાની અને ભક્ત બંનેને ત્યાં એક સાથે એક રાતે ચોરી થવાની હતી અને તે સવારે જ જ્ઞાની ભગવાનના પૂજન માટે ગયો. ત્યારે ભગવાને તેને સંકેત કર્યો કે આજે રાત્રે તારા ઘરે ચોરી થવાની છે. માટે સાવધાન રહેજે. જ્ઞાનીએ કહ્યું કે ઠીક છે. પ્રભુ હું મારા જ્ઞાનના સહારે આ ઘટનાથી બચી જઈશ.
ભગવાનને પોતાના સહાયક માનીને પ્રસન્ન મનથી તે ઘરે જઈને ચોરીથી બચવાના માર્ગ શોધવા લાગ્યો. તેના ગયા બાદ ભક્ત મંદિર પહોંચ્યો. તે ઘણી તન્મયતાથી ભગવાન લક્ષ્મીનારાયણની સેવા કરવા લાગ્યો અને પૂજન કરીને તે ઘરે ચાલ્યો ગયો. તેના ગયા બાદ માતા લક્ષ્મીએ ભગવાન નારાયણને કહ્યું કે પ્રભુ બંને, જ્ઞાની અને ભક્ત સેવાપૂજા કરે છે. આજે બંનેના ઘરે ચોર ચોરી કરવા માટે હુમલો કરવાના છે. તમે જ્ઞાનીને સંકેત કરીને તો જણાવી દીધું છે કે તેના ઘરે ચોરનું આક્રમણ થશે. તે સાવધાન પણ થઈ ગયો છે. પરંતુ તમે તમારા ભક્તને ચોરના હુમલા સંદર્ભે કોઈ જ સંકેત આપ્યો નથી. તે બિચારો હજી પણ આ જોખમથી અજાણ છે.
માતા લક્ષ્મી દ્વારા આ પ્રકારે પૂછાયા બાદ ભગવાન નારાયણે કહ્યું કે ભગવતી આ જ્ઞાની અને ભક્ત બંને મારી સેવા કરે છે. તેમાં જ્ઞાનીને તો પોતાના જ્ઞાન પર ભરોસો છે. તેથી મે તેને જોખમનો સંકેત આપી દીધો છે કે તે તેના જ્ઞાનથી પોતાની રક્ષા કરે. પરંતુ જે મારો ભક્ત છે, તેને તો કેવળ મારો સહારો છે. તે તો રાત્રે આરામથી વિશ્રામ કરશે અને હું રાતભર તેના ઘરની બહાર ઊભો રહીને ચોરોથી તેની રક્ષા કરીશ. જેના કારણે મે તેને કંઈજ જણાવ્યું નથી.
No comments:
Post a Comment