Saturday, May 29, 2010

દેવી-દેવતાઓના સૂચક બીજમંત્ર....

મંત્રોમાં છુપાયેલી અલૌકિક શક્તિનો પ્રયોગ કરીને જીવનને સફળ તથા સાર્થક બનાવી શકાય છે. અહીં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મંત્ર વાસ્તવમાં છે શું? તેને કેવી રીતે પરિભાષિત કરી શકાય. આ સંદર્ભમાં એવું કહી શકાય કે મંત્રનો વાસ્તવિક અર્થ તો અસીમિત છે. કોઇ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે પ્રયુક્ત શબ્દસમૂહને મંત્ર કહેવામાં આવે છે. જે શબ્દ જે દેવતા અથવા શક્તિને પ્રગટ કરે છે તેને તે દેવતા અથવા શક્તિનો બીજ મંત્ર કહે છે. મંત્ર એક એની ગુપ્ત ઊર્જા છે, જેને જાગૃત કરીને આપણે બ્રહ્માંડમાં પહેલેથી જ ઉપસ્થિત આ જ પ્રકારની ઊર્જા સાથે એકાત્મ કરીને તે ઊર્જા માટે દેવતા કે શક્તિનો સીધો સાક્ષાતકાર કરી શકીએ છીએ.

અવિનાશિતા (જેનો વિનાશ નથી)ના નિયમ મુજબ ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. એટલે કે તે એક રૃપમાંથી બીજા રૃપમાં પરિર્વિતત થતી રહે છે. આથી જ્યારે આપણે મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તેનાથી ઉત્પન્ન ધ્વનિ એક ઊર્જાના સ્વરૃપમાં બ્રહ્માંડમાં ફરીને જ્યારે તેવા જ પ્રકારની ઊર્જા સાથે સંયોગ કરે છે ત્યારે આપણને તે ઊર્જામાં છુપાયેલી શક્તિઓનો આભાસ થવા લાગે છે. મંત્રોમાં પ્રયુક્ત સ્વર, વ્યંજન, નાદ તથા બિંદુ દેવતાઓ અથવા શક્તિનાં વિભિન્ન રૃપ તથા ગુણોને પ્રર્દિશત કરે છે. મંત્રાક્ષરો, નાદ, બિંદુઓમાં દૈવીય શક્તિ રહેલી હોય છે.

મંત્ર ઉચ્ચારણથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ ધ્વનિનો મંત્રની સાથે વિશેષ પ્રભાવ હોય છે. જે પ્રમાણે કોઇ વ્યક્તિ, સ્થાન, વસ્તુના જ્ઞાનાર્થ કેટલાક સંકેત પ્રયુક્ત કરવામાં એટલે કે પ્રયોજવામાં આવે છે, તે જ પ્રમાણે મંત્રો સાથે સંબંધિત દેવી-દેવતાઓને સંકેત દ્વારા સંબંધિત કરવામાં આવે છે, આ મંત્રોને બીજમંત્ર કહે છે. મંત્રોમાં દેવી-દેવતાઓનાં નામ પણ સંકેત માત્રા દ્વારા જ દર્શાવવામાં આવે છે. જેમ કે ભગવાન શ્રીરામ માટે ‘રાં’, હનુમાનજી માટે ‘હં’, ગણેશજી માટે ‘ગં’, દુર્ગા માતા માટે ‘દું’નો પ્રયોગ કરવામાં આવે છે. આ બીજાક્ષરોમાં જે અનુસ્વાર અથવા અનુનાસિક સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાદ કહેવામાં આવે છે. આ નાદ દ્વારા દેવી-દેવતાઓની અપ્રગટ શક્તિને પ્રગટ કરવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના બીજમંત્ર તથા તેના અર્થ આ પ્રમાણે છે.

બીજ મંત્રોના અક્ષરો ગૂઢ સંકેત હોય છે. તેમનો અર્થ ઘણો વિશાળ હોય છે. બીજમંત્રોના ઉચ્ચારણથી મંત્રોની શક્તિ વધે છે, કારણ કે તે વિભિન્ન દેવી-દેવતાઓના સૂચક છે.

હ્રીં : માયા બીજમાં હ્= શિવ, ર= પ્રકૃતિ, નાદ= વિશ્વમાતા તથા બિંદુ= દુખહરણ છે. આથી આ માયાબીજનો અર્થ છે, ‘શિવયુક્ત જનની આધ્યશક્તિ મારાં દુઃખોને દૂર કરો.’

શ્રીં : લક્ષ્મી બીજ અથવા શ્રી બીજ. આ લક્ષ્મી બીજમાં શશ્મહાલક્ષ્મી, ર=ધન-સંપત્તિ, ઈ=મહામાયા, નાદ= વિશ્વમાતા તથા બિંદુ= દુખહરણ છે. તેનો અર્થ એવો છે કે ‘ધન-સંપત્તિની અધિષ્ઠાત્રી જગતજનની મા લક્ષ્મી મારા દુઃખ દૂર કરો.’

એં : સરસ્વતી બીજ અથવા વાગ્ભવ બીજ. આ સરસ્વતી બીજમાં એં= સરસ્વતી, નાદ= જગન્માતા અને બિંદુ= દુખહરણ છે. આથી આ બીજનો અર્થ છે- ‘જગન્માતા સરસ્વતી મારા ઉપર તમારી કૃપા વરસાવો.’

ક્લીં : કામ બીજ અથવા કૃષ્ણ બીજ. આ કામબીજમાં ક= યોગસ્ત અથવા શ્રીકૃષ્ણ, લ= દિવ્યતેજ, ઈ= યોગીશ્વરી અથવા યોગેશ્વર તથા બિંદુ= દુખહરણ. આ પ્રમાણે આ કામબીજનો અર્થ છે- ‘રાજરાજેશ્વરી જોગમાયા મારા દુઃખ દૂર કરો’ અને કૃષ્ણ બીજનો અર્થ છે-’યોગેશ્વર શ્રીકૃષ્ણ મારા દુઃખ દૂર કરો.’

ક્રીં : કાલીબીજ અથવા કર્પૂર બીજ. આ બીજના મંત્રમાં ક= કાલી, ર= પ્રકૃત્તિ, ઈ= મહામાયા, નાદ= વિશ્વમાતા, બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે આ બીજ મંત્રનો અર્થ છે- ‘જગન્માતા મહાકાલી મારા દુઃખ દૂર કરો.’

ગં : ગણપતિ બીજ. આ બીજમાં ગગણએશ, અ=વિ/નનાશક તથા બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે આ બીજ મંત્રનો અર્થ ‘વિ/નનાશક શ્રીગણેશ મારા દુઃખ દૂર કરો’ છે.

દું : દુર્ગાબીજમાં દદ્દુર્ગતિનાશની દુર્ગા તથા બિંદુ= દુખહરણ છે. આ પ્રમાણે તેનો અર્થ છે- ‘દુર્ગતિનાશની દુર્ગા મારી રક્ષા કરો અને મારા દુઃખ દૂર કરો.’

ઓમ (હ્રૌં) : પ્રસાદ બીજ અથવા શિવ બીજ. આ પ્રસાદ બીજમાં હ્= શિવ, ઔ= સદાશિવ તથા બિંદુ= દુખહરણ છે. આ બીજનો અર્થ ‘ભગવાન શિવ તથા સદાશિવ મારા દુઃખોને દૂર કરો’ એવો થાય છે.

આ પ્રમાણે બીજ મંત્રોની શક્તિ એટલી અસીમ હોય છે કે દેવતાઓને પણ વશીભૂત કરી નાખે છે તથા જપ અનુષ્ઠાન દ્વારા દેવતાનો સાક્ષાત્કાર કરાવી દે છે. બીજમંત્રોના અક્ષરોમાં રહેલ ગૂઢ શક્તિઓનો સંકેત છે જે પ્રત્યેકની સ્વતંત્ર તથા દિવ્યશક્તિ મળીને દેવતાના વિરાટ સ્વરૃપનો સંકેત આપે છે.

મંત્રોના ત્રણ ભેદ

મંત્રોમાં પણ ત્રણ ભેદ હોય છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. યુદ્ધ ક્રિયાઓમાં સ્ત્રીલિંગ અને અન્ય માટે નપુંસકલિંગ જાતિના મંત્રોનો પ્રયોગ સિદ્ધ કરવો જોઇએ. મંત્રોના ભેદ આ પ્રમાણે છે.

પુલિંગઃ જે મંત્રોમાં છેલ્લે (અંતમાં)હૂં અથવા ફટ આવે તેને પુલિંગ મંત્ર કહેવામાં આવે છે.

સ્ત્રીલિંગઃ જે મંત્રોમાં છેલ્લે ‘સ્વાહા’નો પ્રયોગ થાય છે તે સ્ત્રીલિંગ મંત્ર છે.

નપુંસકલિંગઃ જે મંત્રોમાં છેલ્લે ‘નમઃ’ પ્રયુક્ત થાય છે તેને નપુંસકલિંગ મંત્ર કહેવાય છે.

મંત્રોની સાધના

આવશ્યકતા અનુસાર મંત્રોની પસંદગી કરીને તેમાં રહેલી ઊર્જાની પ્રભાવકારી શક્તિને પ્રાપ્ત કરી શકાય છે. મંત્ર, સાધક તથા ઇશ્વરનું મિલન કરાવવામાં મંત્ર એ મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. મંત્રની સાધના કરતા પહેલાં મંત્ર પર પૂર્ણ શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ હોવો જરૃરી છે તથા મંત્રનું યોગ્ય ઉચ્ચારણ તો ખૂબ જ જરૃરી છે. મંત્ર એ લય, નાદયોગ અંતર્ગત આવે છે. મંત્રોના પ્રયોગથી આર્િથક, સામાજિક, દૈહિક, દૈનિક, ભૌતિક તાપોથી ઉત્પન્ન વ્યાધિઓમાંથી મુક્તિ કે છુટકારો મેળવી શકાય છે.

મંત્ર પ્રયોગની વિધિ

મંત્રોનો પ્રયોગ કેવી રીતે કરવો જોઇએ તથા કઇ વિધિ અનુસાર કરવો જોઇએ, તેના પણ કેટલાક નિયમો હોય છે. સાધક બનવાના નિયમો તથા કયા સ્થાને મંત્રસાધના કરવી જોઇએ તે જાણીએ.

સાધનાસ્થળ

મંત્રની સાધનાની સફળતામાં સાધનાનું સ્થાન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જે સ્થાન મંત્રની સફળતા અપાવે છે તેને સિદ્ધ પીઠ કહે છે. મંત્રની સાધના માટે ઉચિત સ્થાન તરીકે, તીર્થ સ્થાન, પર્વત, શિખર, નદી, તટ, વન-ઉપવન, ગુફા તથા બિલ્વપત્રનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ અથવા તુલસીનો છોડ સિદ્ધ સ્થળ માનવામાં આવ્યું છે.

આહાર

મંત્ર સાધકે હંમેશાં શુદ્ધ તથા પવિત્ર અને સાત્ત્વિક આહાર લેવો જોઇએ. દૂષિત આહાર કે મસાલાથી ભરપૂર એવો આહાર સાધકે ગ્રહણ કરવો જોઇએ નહીં. જેથી શરીરની ચયાપચયની ક્રિયા એક સમાન રહે તથા શરીરમાં આહાર સંબંધી કોઇ રોગ ઉત્પન્ન ન થાય.

મંત્ર શક્તિથી રોગ નિવારણ

રોગ નિવારણમાં મંત્રનો પ્રયોગ રામબાણ ઔષધિનું કામ કરે છે. માનવશરીરમાં ૧૦૮ જૈવિકીય કેન્દ્ર હોય છે, જેને કારણે મસ્તિષ્કમાંથી ૧૦૮ તરંગોને ઉર્ત્સિજત કરે છે. સકારાત્મક ધ્વનિઓ શરીરના તંત્ર પર સકારાત્મક પ્રભાવ છોડે છે. મંત્ર એ બીજું કશું જ નહીં, પરંતુ સકારાત્મક ધ્વનિઓનો સમૂહ છે, જે વિભિન્ન શબ્દોના સંયોગથી ઉત્પન્ન થાય છે. દુનિયાના બધા જ ધર્મોમાં મંત્રોના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે. મંત્રોનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ અને રોગ નિવારણ માટે પણ કરવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ એ જાણી લીધું હતું કે ખાસ પ્રકારનો ધ્વનિ મસ્તિષ્કના વિશેષ ભાગને ઉત્તેજિક કરવામાં સક્ષમ છે. જેનાથી અદ્વિતીય શક્તિઓ જાગૃત થાય છે, જેને સિદ્ધિ કહેવામાં આવે છે.

મંત્રોનો આપણા શરીર અને મસ્તિષ્ક પર બે કારણસર પ્રભાવ પડે છે. પહેલો એ કે ધ્વનિ તરંગો સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે. બીજું એ કે સતત થઇ રહેલા શબ્દોચ્ચારની સાથે ભાવનાત્મક ઊર્જાનો પ્રભાવ આપણા સુધી પહોંચે છે. મંત્રોનો આપણા શરીરના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. મંત્રોમાંથી નીકળતો ધ્વનિ શરીરના એવા કોષો કે પોતાની સ્વાભાવિક ગતિ કે લય ગુમાવી બેસે છે તેને ગતિ આપીને ઠીક કરે છે. મંત્રોના ધ્વનિથી આપણું સ્થૂળ અને સૂક્ષ્મ બંને સકારાત્મક રીતે પ્રભાવિત થાય છે.

આપણા શરીરને ઘેરી રાખનારું રક્ષાકવચ અથવા ‘ઓરા’ પર પણ આવો જ પ્રભાવ પડે છે. આપણે કોઇ શબ્દ જ્યારે સાંભળીએ છીએ ત્યારે તેના પ્રત્યે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપીએ છીએ. જેમ કે ‘મા’ શબ્દથી નીકળવાવાળા ધ્વનિથી ભાવનાત્મક ઊર્જા વ્યવસ્થિત થઇ જાય છે.

બીજમંત્ર ઓમકારનો મહિમા

ઓમકાર ધ્વનિ ‘ઓમ’ને દુનિયાના બધા જ મંત્રોનો સાર કહેવામાં આવે છે. તેનું ઉચ્ચારણ કરવાની સાથે જ તે શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. ભારતીય સભ્યતાના પ્રારંભથી જ ઓમકાર ધ્વનિના મહત્ત્વથી બધા જ પરિચિત છે. શાસ્ત્રોમાં ઓમકાર ધ્વનિના સોથી વધારે અર્થ આપવામાં આવ્યા છે. તે અનાદિ અને અનંત તથા નિર્વાણની અવસ્થાનું પ્રતીક છે. તંત્રયોગમાં એકાક્ષર મંત્રોનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે.

ઓમ નમઃ શિવાય મંત્રનો પહેલો અક્ષર બીજમંત્ર છે. જેમાં ત્રણ અક્ષરનો યોગ છે. અ, ઉ અને મ અક્ષરોના સ્પંદનથી ઓમ બને છે. આ સ્પંદન જ અલૌકિક શક્તિની ઓળખ છે, જે આપણી અંદર આત્મબળનો સંચાર કરે છે. તે આપણી અંદર રહેલી કુપ્રવૃત્તિઓને નષ્ટ કરીને કલ્યાણના માર્ગે આગળ વધવા માટે ઉત્તેજન આપે છે. માત્ર શિવ જ નહીં, જેટલાં પણ દેવી-દેવતાઓની પરિકલ્પના કરવામાં આવી છે એ બધી જ આવાં સ્પંદનો પર આધારિત છે. વાસ્તવમાં બધાં જ દેવી-દેવતાઓનું સંયુક્ત સ્વરૃપ એક જ પરમ બ્રહ્મ છે. જે આ (ઓમ) સ્પંદનથી જ પ્રભાવિત થાય છે. મંત્રોનું સ્પંદન વિભિન્ન દિશાઓ તરફ ઉર્ત્સિજત થાય છે. આમ પણ એક એક સ્પંદનનું મૂળ આ જ બીજ મંત્ર છે. ભારતમાં મહર્ષિઓએ લાંબા સમય સુધી ઘોર તપસ્યા કરીને મંત્રોનું દર્શન કર્યું છે. જેનાથી દેવી-દેવતાઓ સુધી પહોંચી શકાય છે. વેદોમાં પણ મંત્રોને સંકલિત કરવામાં આવ્યા છે. એ મહર્ષિઓએ ભગવાન શિવના સ્વરૃપને સારી રીતે ઓળખી લીધું હતું. તેઓ જાણી ગયા હતા કે ભગવાન શિવ તો વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છે. પરંતુ તેમની ઉપાસના સામાન્ય શ્રદ્ધાળુ ભક્ત કેવી રીતે કરી શકશે. આથી તેમણે ભગવાન શિવને સગુણ સાકાર સ્વરૃપે જોયા અને સંસારવાસીઓને પણ તેમનું સ્વરૃપ સમજાવ્યું. તેમની પૂજા-અર્ચના કરવી લાભપ્રદ માનવામાં આવે છે. પરંતુ સર્વોપરી હોય છે મંત્ર જેને બોલીને અર્ચના કરવામાં આવે છે. મંત્રના પ્રયોગ વિના અર્ચનાનો અર્થ જ વ્યર્થ થઇ જાય છે.

No comments: