Friday, May 7, 2010

રાપરમાં એકાંતરે અને ધીમા દબાણે પાણી અપાતા હાલાકી ...

રાપર શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. શહેરમાં પાણીના સ્થાનિક સ્તોત્રોનો અભાવ હોવાથી હાલ પાણી વિતરણનો સમગ્ર દારોમદાર નર્મદાના પાણી આધારિત છે શહેરમાં એકાંતરે પાણી અપાય છે પરંતુ તદન ધીમા દબાણથી અપાતા પીવાનું પાણી માંડ ભરાય છે. પૂરતા દબાણથી પાણી વિતરણ કરવા રજૂઆત કરાઈ છે.


શહેરમાં પાણીના કયાંય સ્તોત્રો જ નથી, વિતરણનો બધો દારોમદાર માત્ર નર્મદાના પાણી ઉપર

અંદાજે ૩૦ હજારની વસ્તી ધરાવતા રાપર શહેરમાં સુધરાઈ દ્વારા કુલ ૪૩૦૭ નળ જોડાણો અપાયા છે. અહીં શહેરની આજુબાજુ કયાંય પાણીના સ્તોત્રો નથી. આખું શહેર નર્મદાના પાણી પર આધારિત છે. તેમજ કયારેક નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય ત્યારે પાણીની સમસ્યામાં શહેરીજનો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. શહેરથી ૮ કિ.મી. દૂર બાદરગઢ પાસે સુધરાઈના ૨ બોર બની ગયા છે. જેનું હાલમાં ટેસ્ટીંગ ચાલુ છે.

રાપર શહેરની વસ્તી પ્રમાણે શહેરની પાણીની ૩૦ લાખ લિટરની જરૂરિયાત છે. પરંતુ તેની સામે માત્ર ૧૧ લાખ લિટર પાણી વિતરિત કરાતાં એકાંતરે એકદમ ધીમું પાણી વિતરિત કરાતાં પાણીની સમસ્યા વકરી છે. તેમજ શહેરના છેવાડા અને ઊંચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે. શહેરના ગેલીવાડી, નંદાસર રોડ, મોરબીયાવાસ અને દેરાવાસમાં પાણીની સમસ્યા વકરી છે. તાકિદે નર્મદાનું વઘુ પાણી અપાય તેવી માંગ ઉઠી છે.

No comments: