Thursday, May 13, 2010

ચાલો ઘ્યાન ઘ્યાન રમીએ...

ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



Dhyanઘ્યાન એ રમત બની શકે? મેડિટેશન અને ઘ્યાન જેવા શબ્દ સાંભળતાં જ મનમાં ગંભીરતાનાં વાદળો છવાય. કોઇ જટાધારી બાવા સાધુની છબી ઊપસી આવે. ઘ્યાન એ આમઆદમીની પહોંચની બહારની આઘ્યાત્મિક ક્રિયા તેવું લાગે, ખરુંને મિત્રો! પણ હકીકતમાં તેવું નથી.



ઘ્યાન એટલે જાગતિ. ઘ્યાન એટલે સાવધાની. આ બે સરળ વ્યાખ્યાઓ આપણે જોઇ ગયા છીએ. જાગૃતિ એટલે શું? જાગૃતિ એટલે જયાં અને જયારે, ત્યાં અને ત્યારે જ હોવું. જાગૃતિ એટલે અહીં અને અત્યારેનો અનુભવ.



ઊગતી ઉષા કે આથમતી સંઘ્યાની રંગભરી સંગતમાં કોઇ સરોવર પાળે બેઠા હોઇએ અને મન તેમાં લીન થઇ જાય તો કેવું સારું લાગે છે? અચાનક કોઇ પક્ષીનો તીણો-કર્કશ અવાજ ગુંજી ઊઠે. મનમાં શાંત જળમાં વમળો સર્જાય. નિસર્ગના ખોળેથી મન કયાંક દૂર કોઇ અણગમતા પ્રદેશમાં જઇ ચઢે. ઓફિસના બોસનું ચીડિયું મોઢું મનના આયને તરવરી ઊઠે. કોઇ સાથી કર્મચારીની ગંદી મજાક યાદ આવી જાય. જાણે આઇસક્રીમના સ્કૂપ પર કોઇ માખી બેઠી હોય તેવું લાગે. આવા સ્ખલનથી વિચલિત ન થઇએ.



પેલી અણગમતી યાદના પાયામાં રહેલ વાત પર ઘ્યાન આપીએ. દા.ત. બીજાની મજાક કે મસ્તીથી કોઇ તેને માત્ર બે વાક્યમાં ખરીદી શકે? મારા વ્યકિતત્વમાં કોઇ મર્યાદા છે કે જે દૂર કરવી જરૂરી છે? યાદ રહે કે દરેક લાક્ષણિકતા એ મર્યાદા હોય તેવું જરૂરી નથી. ચહેરાનો આકાર, શરીરનો રંગ કે બોલચાલની ઢબને લાક્ષણિકતા કહેવાય, ન કે મર્યાદા.



અષ્ટાવક્રની વાર્તા સાંભળી છે? તેઓ વિદ્વાન ઋષિ હતા. તેઓ એકવાર જનક રાજાના દરબારમાં જઇ ચઢે છે. તેમની શારીરિક કુરુપતા જોઇને દરબારીઓ ખડખડાટ હસી પડે છે. ત્યારે આ અપમાનથી વિચલિત થયા વિના ઋષિ પોતાના જ્ઞાનનો પરચો આપીને સહુને ભોઠા પાડે છે. રાજા સહિત સૌ તેમની ક્ષમાયાચના કરે છે. અષ્ટાવક્ર ગીતા અત્યંત મનનીય ગણાય છે. દેહની કુરુપતા બુદ્ધિની સુંદરતા સામે પાણી ભરે તે આનું નામ! ફરીથી ઘ્યાન પર આવીએ. ઘ્યાન એટલે સાવધાની. જાગૃતિના વ્યાયામથી સાવધતા કેળવી શકાય.



ઘ્યાન માટે એક સરળ પ્રયોગ જોઇએ. કોઇ શાંત સ્થળે સુખાસન (સાદી પલાંઠી) કે સિદ્ધાસનમાં બેસીએ. આંખ બંધ કરીને મનના પ્રવાહો જોવા પ્રયાસ કરીએ. થોડા સમય પછી મન વિચારશૂન્ય થયેલું જણાશે. આ ક્ષણે કોઇ ગમતો શબ્દ મનના ચિત્રપટ પર કલ્પનાની પીછી વડે ઉપસાવીએ. આ શબ્દને સતત મમળાવતા રહીએ. થોડા સમય પછી એવું ખ્યાલમાં આવશે કે આ શબ્દ પરના ઘ્યાનનું સાતત્ય ખંડિત થયું છે. કોઇ બીજો વિચાર પાછલે દરવાજેથી ઘૂસી ગયો છે. જે ક્ષણે સ્ખલન થયાની ઘટના ઘ્યાન પર આવી તે જાગૃતિની ક્ષણ.



ઉપરના પ્રયોગથી ઊલટો પ્રયોગ પણ કરી શકાય. કોઇ એક અણગમતો શબ્દ સંકલ્પની સરહદ તોડીને કેટલીવાર ઘૂસી આવ્યો છે! ઘ્યાનના સ્ખલન માટે કોઇ અફસોસ ન કરીએ. ફરીથી એ જ મનગમતા શબ્દ પર ઘ્યાન કરીએ. અસ્ખલિત ઘ્યાનનો સમયગાળો ક્રમશ: વધતો જણાશે.



મિત્રો, આવા અનેક મૌલિક પ્રયોગો વિચારી શકાય. દરેકની પોતિકી અનુભૂતિ હશે. તેની જ તો મજા છે. ચાલો, આજથી જ સંકલ્પ લઇએ. સવારના થોડા વહેલા ઊઠીને સ્નાન પછી દસ બાર સૂર્યનમસ્કાર અને છેલ્લે, જગતના પ્રસવિતા સવિતા નારાયણનું ૧૦૮ ગાયત્રી મંત્ર વડે ઘ્યાન!

No comments: