અજ્ઞાન, આળસ, પ્રમાદ, સ્વાર્થ, વિષયાસકિત, નાસ્તિકતા વગેરે તમામ અવગુણોનો નાશ કરી હું મારા અંત:કરણને પવિત્ર બનાવવા ઇચ્છું છું.
અસ્માત્ - આ યજમાનથી ત્વમ્ - તમે અગ્નિદેવ અશ્વિજાત: - ઉત્પન્ન/પ્રકટ અસિ - થયું છે/ થાય છે ત્વદ્- તમારાથી અયમ્ -આ યજ્ઞકર્તા જાયતામ્ - ઉત્પન્ન થાવ પુન: - ફરીવાર અસૌ - જેનાથી આ યજમાન સ્વર્ગાય લોકાય - સ્વર્ગ-મોક્ષ સુખને માટે અધિકારી પાત્ર બની જાય સ્વાહા- તે હેતુથી અમે આ આહુતિ આપી છે.
હે અગ્નિદેવ! આ યજમાન-યજ્ઞકર્તાએ ‘ભૂર્ભુવ સ્વ:’ બોલીને તમને પ્રકાશિત કર્યા છે. હવે તમારું આ કામ છે કે આ યજ્ઞકર્તા યજમાનને પ્રકાશિત કરી, તેમને નવો વિચાર, નવી પ્રેરણા, નવું જીવન પ્રદાન કરવું. તેમનું જીવન અજ્ઞાન, ભય, ભ્રમ તથા દુ:ખથી રહિત થઇ જાય, આ જીવનપથ પર ચાલતા ચાલતા બધી જાતના અભાવ, ઊણપ, પીડા વગેરેથી રહિત થઇ સદાય બધી રીતે, બધી જગ્યાએ સુખી જ રહે તેવું સામથ્ર્ય તેને આપો.
હે અગ્નિદેવ! અમે પુરુષાર્થપૂર્વક નિરંતર ૧૦-૨૦-૩૦ વર્ષોસુધી દરરોજ સવાર-સાંજ તમને પ્રકટ કર્યા પરંતુ અમારા હૃદયમાં પ્રકાશનું કોઇ પણ કિરણો ફૂટ્યું નથી તો અમારા યજ્ઞ કરવાનું શું પરિણામ આવ્યું?
હે અગ્નિદેવ! વર્ષો સુધી હજારો વાર ‘સ્વાહા’, ‘સ્વાહા’નું ઉચ્ચારણ કરતાં કરતાં યજ્ઞકુંડમાં આહુતિઓ આપી પરંતુ જીવનમાં ત્યાગવૃત્તિનો પ્રાદુર્ભાવ ન થયો તો શું પ્રભાવ થયો આ સ્વાહાકાર નો?
હે પાવક અગ્નિ! તમને આહુતિમાં અર્પેલા સુગંધિત પદાર્થોના ભસ્મ થવાથી જે સુગંધિત વાયુ ઉત્પન્ન થયો તેણે અમારા જીવનને સદ્ગુણોથી સુગંધિત ન બનાવ્યું તો પછી આ આહુતિઓનું શું પરિણામ નીકળ્યું?
હે તાપક અગ્નિ! હિમાલયના પહાડી બાગોમાંથી વિશિષ્ટ રોગ નિવારક ઔષધિઓ વીણી લાવી જીવનવ્યવહારમાં મધુરતા, સરલતા, વિનમ્રતા વગેરે ગુણોનો નિખાર ના આવ્યો તો યજ્ઞનો શું લાભ થયો?
હે દેવ! માત્ર લાકડાં સળગાવી તેમાં ઘી-સામગ્રીને નાખી જળ-વાયુ અને પર્યાવરણને પવિત્ર કરવાને માટે જડ-પૂજા કરવી તે જ મારો આશય ન હતો, મારી ભાવના તો ઉરચ હતી. મેં તો મારા હૃદયમાં મારા આત્માને જ સમિધા બનાવી આપની આજ્ઞાઓના પાલનરૂપી આહુતિઓથી પ્રજવલિત કરવાની ઇચ્છા રાખી હતી. હું મારા આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છા રાખું છું. તેને પ્રકાશિત કરવા ઇચ્છું છું. આ ભૌતિક અગ્નિ જેવી રીતે સામગ્રીને જલાવી રાખ બનાવી દે છે તેવી જ રીતે હું મારા પાપોને, દોષોને, કુવાસનાઓને જલાવી દગ્ધબીજભાવરૂપમાં બનાવી દેવા ઇચ્છું છું.
જેવી રીતે યજ્ઞમાં હોમેલા ઘીથી અગ્નિ પ્રજવલિત થાય છે તેવી જ રીતે હું ‘આયુ: પ્રાણં પ્રજા પશુન્ કીર્તિ દ્રવિણં બ્રહ્મવર્ચસમ્’ થી તેજસ્વી દીપ્તિમાન બનવાની ઇચ્છા રાખું છું. આ બધાની પ્રાપ્તિ વિના તો મારો યજ્ઞ અધૂરો છે.
હે પ્રભુદેવ! હવે હું દેવયાજીની સાથે સાથે આત્મયાજી પણ બનવા માગું છું, બહારના વાતાવરણની સાથે સાથે અંત:કરણને પણ પવિત્ર, સુગંધિત, પ્રકાશિત અને મજબૂત કરવા ઇચ્છું છું. હે અગ્નિદેવ! તમે મારા અંત:કરણમાં આવો, મારી આ ભીની, દુર્ગંધમુક્ત, ધુમાડાવાળી આત્મ-સમાધિને, જલાવો, તેને આપના જ્ઞાન-બળ-આનંદ આદિ ગુણોથી પ્રજવલિત કરો. મારું બધું જ અજ્ઞાન, આળસ, પ્રમાદ, સ્વાર્થ, વિષયાસક્તિ, નાસ્તિકતા વગેરે અવગુણોનો નાશ કરો. હે દિવ્યાગ્ને! મારો યજ્ઞ તો ત્યારે જ પૂરો થશે જ્યારે હું સમસ્ત સાંનિઘ્યમાં મોક્ષ રૂપી સ્વર્ગનો અધિકારી બનીશ ત્યારે જ મારું ‘સર્વ વૈ પૂર્ણ સ્વાહા’ થશે. જ્યાં સુધી આ સ્થિતિ નહીં આવે ત્યાં સુધી મારો યજ્ઞ અધૂરો રહેશે. હે દેવ! આપ જ મારા યજ્ઞને પૂરો કરો, આપની સહાયતા વિના મારા એકલાથી આ યજ્ઞ પૂરો થવો સંભવ નથી.
No comments:
Post a Comment