જીવનભરનો સત્સંગ પણ આપણું મૃત્યુ બગાડે છે. મૃત્યુની છેલ્લી પળો પણ આસક્તિમાં ડૂબી જાય ત્યારે મનુષ્યે જન્મનું ચક્કર લગાવવું પડે છે. શ્રીમદ્ ભાગવતની ભરતજીની કથા માનવમાત્રને પ્રેરક બની રહે તેવી છે. ભરતજી રાજા હતા. તેઓ જીવનના અંતિમ દિવસોમાં પ્રભુભક્તિ કરવા જંગલમાં આવ્યા છે. તેઓ એક ઝૂંપડી બનાવીને રહે છે અને આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહે છે. એક દિવસ તેઓ સ્નાન કરવા માટે નદી કિનારે જાય છે. ઉનાળાની ઋતુ હતી. એક તરસી ગર્ભવતી હરણી ત્યાં પાણી પીવા આવે છે. તે પાણી પી રહી હતી. તે જ સમયે સિંહે ભયાનક ગર્જના કરી. આ ગર્જનાથી હરણી ભયભીત થઇ ગઇ અને તેને પોતાનો જીવ જોખમમાં લાગ્યો. તે જીવ બચાવવા માટે ગંડકી નદીના સામે કિનારે પહોંચવા છલાંગ મારવા ગઇ. બરાબર આ જ સમયે તેને પ્રસવ થઇ ગયો. તે બચ્ચાને જન્મ આપીને મૃત્યુ પામી. ભરતજી તો પ્રભુના ભક્ત હતા અને સાથે દયાળુ પણ. તેઓ પ્રાણીમાત્રમાં પ્રભુનાં દર્શન કરતા હતા. એમને આ હરણબાળ પર દયા આવી અને તેને પોતાની ઝૂંપડીમાં લઇ ગયા. તેઓ હરણબાળની પ્રેમપૂર્વક સાર-સાંભળ રાખીને તેને ઉછેરવા લાગ્યા. તેઓ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે પણ હરણબાળ સુરક્ષિત હશે કે નહીં તેવી ચિંતા તેમને સતાવ્યા કરતી. તેને કારણે તેમની ભક્તિમાં ભંગ પડતો. પણ હવે થાય શું? તેમને મનમાં ને મનમાં થયા કરતું કે હું નહી હોઉં તો આ હરણબાળનું શું થશે? આવી ચિંતા તેમને દરેક ક્ષણે રહેતી. માયાની ગતિ પણ કેટલી વિચિત્ર છે! શું તેઓ નહોતા જાણતા કે દરેક જીવનું રક્ષણ કરનાર હજાર હાથવાળો સર્જનહાર બેઠો છે? તેમનો હરણબાળ પ્રત્યેનો પ્રેમ, માયા અને મોહ વધી ગયા હતા. તેને આસક્તિ કહી શકાય. આ આસક્તિ ભરતજીની ભક્તિમાં બાધા ઊભી કરે છે. ભરતજી પોતાના રાજપાટની મોહ-માયા મૂકીને જંગલમાં ભક્તિ કરવા આવ્યા હતા, પરંતુ અહીં પણ માયા ઊભી થઇ ગઇ અને અંતે ન બનવાનું બની ગયું. મૃત્યુ સમયે તેમનાથી પ્રભુ વિસરાઇ ગયા. હરણબાળની ચિંતામાં જ ભરતજીએ દેહત્યાગ કર્યો. તેમનો જીવ હરણબાળમાં જ રહી ગયો. આ મોહ-માયાને કારણે ભરતજીને ફરીથી જન્મ લેવો પડયો.
આ કથા પરથી સમજી શકાય છે કે આધ્યાત્મિક જ્ઞાનના સાધક માટે આસક્તિ બાધક સાબિત થાય છે. આસક્તિ આપણને અન્ય પર આધારિત રાખે છે. જેટલે અંશે આપણે તેમાંથી મુક્ત થઇએ તેટલે અંશે આપણે તેમાંથી સ્વતંત્ર થઇએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કહે છે- ‘ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આસક્તિરહિત થઇ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે.’
મીરાંની કૃષ્ણભક્તિ પણ ઇતિહાસમાં અમર થઇ ગઇ. ‘મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે રે’ પ્રભુ સિવાય મીરાંના મનમાં કાંઇ હોય જ નહીં. ગોપીઓનો કૃષ્ણપ્રેમ પણ આવો જ હતો. અહીં પણ આસક્તિ છે પરંતુ માત્ર પ્રભુમાં. ભક્ત જ્યારે તેનું મન પ્રભુમાં જોડી દે ત્યારે તે અનાસક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે અને અંતે તે પ્રભુમય બની જાય છે. જ્ઞાનમાર્ગી તેને આનંદની અનુભૂતિ કહે છે. સંસાર પ્રત્યેની આસક્તિ ડૂબાડે છે, જ્યારે પ્રભુ પ્રત્યેની આસક્તિ માનવીને તારે છે.
No comments:
Post a Comment