યોગ એટલે શું? ફક્ત આજે જ નહીં પરંતુ પ્રાચીનકાળથી જ ‘યોગ’ શબ્દનો ઉલ્લેખ વેદો, ઉપનિષદો, ગીતા, પુરાણોમાં થતો આવ્યો છે. ભારતીય દર્શનમાં યોગ શબ્દ ઘણો મહત્ત્વનો છે. યોગદર્શનના ઉપદેશક મર્હિષ પતંજલિ અનુસાર ચિત્તવૃદ્ધિનો નિરોધ (મનની પ્રવૃત્તિ પર અંકુશ) જ યોગ છે. ચિત્ત મનને કહેવાય છે. મનમાં શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ બાબતના વિચારરૂપી તરંગો સતત ઊઠયા કરે છે અથવા કામ, ક્રોધ, લોભ, ભય, દ્વેષયુક્ત એક ભાવના હંમેશાં હોય છે. વિચારરૂપી આ તરંગો અને રાગ વગેરેવાળી આ ભાવનાઓને જ ‘વૃત્તિ’ કહેવાય છે. જ્યારે મનમાં શબ્દ વગેરે વિષયાત્મક તરંગો તથા રાગ વગેરે ભાવની સ્થિતિ વિરુદ્ધ થઈ જાય છે એટલે કે રોકાય છે, તે અવસ્થાને યોગ કહેવાય છે.
મર્હિષ પતંજલિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સ્વરૂપવાળા અષ્ટાંગયોગનું વર્ણન પણ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે અહિંસા, સત્ય વગેરે સાર્વભૌમ મહાવ્રત છે. આના પાલન વિના આત્મિક અને વૈશ્વિક શાંતિ અશક્ય છે. મર્હિષ પતંજલિના આ કથનથી જ ખબર પડી જાય છે કે માનવજીવનમાં યોગનું કેટલું મહત્ત્વ છે.
મર્હિષ વ્યાસ અનુસાર યોગનો અર્થ સમાધિ છે. વ્યાકરણશાસ્ત્રમાં (યુજ) ધાતુથી ભાવમાં ધન્ પ્રત્યય લગાવવાથી યોગ શબ્દ ઉત્પન્ન થાય છે. મર્હિષ પાણિની ધાતુપાઠના દેવાદિગણમાં (યુજ સમાધૌ), રૂધાદિગણમાં (યુજિર, યોગે) તથા ચુરાદિગણમાં (યુજ સંયમને) અર્થમાં યુજ ધાતુ આવે છે. સંયમપૂર્વક સાધન કરતા આત્માને પરમાત્મા સાથે યોગ કરીને (જોડીને) સમાધિનો આનંદ લેવો એ યોગ છે.
ગીતામાં યોગેશ્વર કૃષ્ણ યોગને વિભિન્ન અર્થોમાં વાપરે છે. અનુકૂળતા-પ્રતિકૂળતા, સિદ્ધિ-અસિદ્ધિ, સફળતા-નિષ્ફળતા, જય-પરાજય આ બધા ભાવોમાં આત્મસ્થ રહેતા સમ રહેવાને ‘યોગ’ કહેવાય છે.
જૈનાચાર્યો અનુસાર જે સાધનોથી આત્માની સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેને યોગ કહેવાય. મહાયોગી શ્રી અરવિંદ અનુસાર પરમાત્મા સાથે એક થવા માટે પ્રયત્ન કરવો તથા તેને મેળવવો એ જ બધા યોગોનું સ્વરૂપ છે.
યોગના પ્રકાર : યોગરાજ ઉપનિષદ અને દત્તાત્રેય યોગશાસ્ત્રમાં યોગના ચાર પ્રકાર માનવામાં આવ્યા છે.
(૧) મંત્રયોગ (૨) લયયોગ (૩) હઠયોગ (૪) રાજયોગ.
મંત્રયોગ : એવું માનવામાં આવે છે કે માતૃકાદિયુક્ત મંત્ર વિધિસર ૧૨ વર્ષ સુધી જપવાથી સાધકને અણીમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
લયયોગ : દૈનિક ક્રિયાઓને સંપાદિત કરતા હંમેશાં ઈશ્વરનું ધ્યાન ધરવું એ જ લયયોગ કહેવાય.
હઠયોગ : વિભિન્ન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ અને બંધોના અભ્યાસથી શરીરને નિર્મળ અને મનને એકાગ્ર કરવું એ જ હઠયોગ કહેવાય.
રાજયોગ : યમ-નિયમ વગેરે અભ્યાસથી ચિત્ત (મન)ને નિર્મળ કરી જ્યોતિર્મય આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ રાજયોગ છે.
માનવશરીર પર યોગનો પ્રભાવ : યોગથી આપણી સુપ્ત ચેતનશક્તિનો વિકાસ થાય છે. સુપ્ત (ડેડ) તંતુઓનું પુનર્જાગરણ થાય છે અને કોશિકાઓનું નિર્માણ થાય છે. યોગ આપણા સૂક્ષ્મ સ્નાયુતંત્રને સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા ચુસ્ત રાખે છે. જેથી તેમાં સારી રીતે રક્તસંચાર થાય. યોગથી બધી જ રીતે સમ્યક રીતે, રક્તસંચાર થવા લાગે છે. આસન અને પ્રાણાયામ દ્વારા શરીરની ગ્રંથિઓ અને માંસપેશીઓમાં કર્ષણ-વિકર્ષણ, સંકોચન-પ્રસરણ તથા શિથિલીકરણની ક્રિયાઓ દ્વારા તેનું આરોગ્ય વધે છે. રક્તને લઈ જનારી ધમનીઓ અને શિરાઓ પણ સ્વસ્થ થાય છે. આ રીતે આસન અને અન્ય યૌગિક ક્રિયાઓથી પેન્ક્રિયાઝ સક્રિય થઈ ઈન્સ્યુલિન સારા પ્રમાણમાં બનાવવા લાગે છે. જેથી ડાયાબિટીસ રોગ મટે છે. યોગથી પાચનતંત્ર સ્વસ્થ થાય છે. જેથી આખું શરીર સ્વસ્થ, હલકું અને ર્સ્ફૂિતદાયક બને છે. યોગના પ્રયોગથી હૃદયરોગ (હાર્ટ ડિસીઝ) જેવી ભયંકર બીમારીથી છુટકારો મેળવી શકાય છે. યોગથી ફેફસાંને ઓક્સિજન મળે છે. જેથી ફેફસાં સ્વસ્થ થાય છે અને દમ, શ્વાસ, એલર્જી વગેરેથી છુટકારો મળે છે. યૌગિક ક્રિયાથી પાચન થઈ શરીરનું વજન ઘટે છે અને શરીર સુડોળ અને સુંદર બને છે. યોગથી ઈન્દ્રિયો અને મન પર કાબૂ રાખી શકાય છે. આજે લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે. જેથી લોકોને માનસિક તણાવ થાય છે અને પછી બીમારીઓથી ઘેરાય છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનની રક્ષા કરી શકાય છે.
No comments:
Post a Comment