એક ગામમાં એક વખત દુષ્કાળ પડ્યો હતો. બધાં જ તળાવો અને કૂવા સુકાઈ ગયાં હતાં. ત્યારે ગામના લોકોએ ગામના પાદરે આવેલા શિવજીના મંદિરે સામૂહિક પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવાર પડતાંની સાથે જ ગામના બધાં લોકો શિવમંદિર તરફ ચાલતા થઈ ગયા. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો બધાં જ ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા સાથે ડગલાં ભરી રહ્યા હતા.
આ બધામાં જ એક બાળક એવો હતો જે હાથમાં છત્રી લઈને જઈ રહ્યો હતો. તેને જોઈને બધાએ તેની મજાક ઉડાડી. એક પંડિતજી બોલ્યા, અરે, ગાંડા આ છત્રી કેમ લઈને આવ્યો છે? બાળકે જવાબ આપ્યો, બાબા, અત્યારે તો આકાશ ભલે ચોખ્ખું હોય, પરંતુ આપણે બધા જ ભગવાનને વરસાદ વરસાવવા માટે વીનવવા જઈ રહ્યા છીએ. ભગવાન આપણી પ્રાર્થના સાંભળીને વરસાદ તો વરસાવશે જ, તો પછી આપણે જ્યારે ગામ તરફ પાછા વળીશું ત્યારે છત્રીની જરૂર પડશે ને.
બાળકની વાત સાંભળીને બધા જ હસી પડ્યા, પરંતુ એક વડીલ ગંભીર થઈને બોલ્યા, વાત તો સાચી જ છે. ભગવાન પર તારો અતૂટ વિશ્વાસ છે. જો વરસાદ પડશે તો તારી પ્રાર્થના સાંભળીને જ પડશે. ગામના બધા લોકોએ મંદિર પાસે જઈને વરસાદ માટે પ્રાર્થના કરી અને પાછા ફર્યા. હજુ બધા અડધે રસ્તે જ પહોંચ્યા હતા ત્યાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
બાળકે પોતાની છત્રી ખોલી અને બાકીના બધા જ પલળતાં-પલળતાં ઘરે પહોંચ્યા. ભોજન-ભોજન કહેવા અને ભોજન કરવામાં ઘણું અંતર હોય છે. ફક્ત હે ભગવાન-હે ભગવાન બૂમો પાડવાથી ભગવાન નથી મળતા. તેના માટે ભગવાનમાં ભરપૂર શ્રદ્ધા અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે.
No comments:
Post a Comment