સત્ય પરાજીત થતું જ નથી, તેને તો હંમેશાં વિજય જ મળે છે
સત્ય કદાપિ કડવું હોતું નથી. મને એ ખબર પડતી નથી કે લોકો શા માટે ‘કડવું સત્ય’ એમ કહેતા હશે? સત્ય ક્યારેય કડવું હોય જ નહીં, સત્તયને કડવું કરવામાં આવે છે. સત્યના માર્ગે મુશ્કેલી પડે તે વાત પણ ઠીક નથી...
આજે હું આપની સમક્ષ ઊભા ઊભા જ બોલીશ. કારણ કે હું શિક્ષક હતો અને આજીવન શિક્ષક છું. શિક્ષક કદી બેઠેલો ન હોવો જોઈએ. ઊભેલો જ હોવો જોઈએ. હું આજે પણ શિક્ષક છું, માત્ર મારી વર્ગસંખ્યા વધી ગઈ છે. ખુરશી એક એવી છે કે જે આપણને અડધા ઊભા રાખે છે અને અડધા બેસાડે છે.
ઘણા માણસો ખુરશી માટે જ હોય છે અને ઘણી ખુરશીઓ માણસો માટે જ હોય છે. ખુરશી કયારે બેસાડે અને કયારે ઊભા કરે તે નક્કી નથી હોતું. અમુક ક્ષેત્રના માણસો બેઠા જ રહ્યા, ઊભા જ ન થયા એટલે તો દેશ ઊભો ન થયો. એવું કથાનું પણ છે. ઘણા કથા સાંભળવા આવે છે. ઘણા કથા સાંભળીને સમજવા આવે છે. તો ઘણા કથા સાંભળીને સમજીને અનુસરવા કે આચરણમાં મૂકવા આવે છે. વળી ઘણા પ્રસાદ પામવા પણ કથા સાંભળવા આવે છે. કે વ્યક્તિએ કથા સાંભળ્યા પછી બે વાર પ્રસાદ લેવાનું નક્કી વિચાર્યું. પહેલા જમણા હાથે પ્રસાદ લઈ હાથ પાછળ કરી દીધો.
ડાબા હાથે ફરી પ્રસાદ લેવા હાથ આગળ ધર્યો તો જમણા હાથનો પ્રસાદ પાછળથી કૂતરું ખાઈ ગયું અને આગળથી પ્રસાદ ખૂટી ગયો. લાલચમાં બે હાથે ભેગું કરવા જઈએ તો આવું થાય. શિક્ષકનો પ્રથમ ધર્મ એ તેનું સત્યનિષ્ઠપણું છે. સત્ય સમાન કોઈ ધર્મ નથી. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો મૌલિક સ્વભાવ, નિજ સ્વભાવ એ તેનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ, ઘર્મ એટલે કાનૂન, નીતિનિયમ.
દેશકાળની નીતિ પ્રમાણે ઘડેલા કાનૂન-નિયમો તે પણ ધર્મ જ છે. શિક્ષકનો પ્રથમ ધર્મ એ છે કે તે સત્યનિષ્ઠ હોય. સત્યનિષ્ઠ રહેવું ઘણું કઠિન છે. ઊંચા આસને, ઊંચી ખુરશી પર બેસવું, ઊંચાઈઓ સર કરવી અઘરી નથી, પરંતુ આ ઊંચા આસને ટકી રહેવું ખૂબ અઘરું છે. સત્ય પાછું પ્રિય પણ હોવું જોઈએ.
સત્ય કદાપિ કડવું હોતું નથી. મને એ ખબર પડતી નથી કે લોકો શા માટે ‘કડવું સત્ય’ એમ કહેતા હશે? સત્ય ક્યારેય કડવું હોય જ નહીં, સત્તયને કડવું કરવામાં આવે છે. સત્યના માર્ગે મુશ્કેલી પડે તે વાત પણ ઠીક નથી. સત્યના માર્ગે જે જાય છે તેને મુશ્કેલી પડતી જ નથી. સત્યનો ક્યારેય પરાજય થતો જ નથી. તેને તો હંમેશાં વિજયની વરમાળા જ મળે છે.
શિક્ષકનું અઘ્યાપનકાર્ય સત્ય હોવું જોઈએ. તેમાં સહેજ પણ અસત્યનો બેસૂરો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને ફિલ્ડ માર્શલ કે સેનાપતિની રખેવાળી - જવાબદારી સરખી છે. બંને સમાજના રખેવાળ છે, સંરક્ષક છે, સમાજની અપેક્ષાઓને તુષ્ટિ અને પુષ્ટિ આપનારા છે. સંસ્કૃતિના સંવર્ધક છે.
No comments:
Post a Comment