જો વ્યક્તિની દ્રષ્ટિ અને વિચાર જ્ઞાનથી પરિપૂર્ણ થશે તો તે પ્રત્યેક સ્થળે સન્માનને પાત્ર બનશે. આનાથી ઊલટું અજ્ઞાની વ્યક્તિને ઉપહાસ અને નિંદાની દ્રષ્ટિથી જોવામાં આવશે.
પ્રાચીન સમયમાં એક રાજા હતા. તેઓ સંત-મહાત્માનો ખૂબજ આદર કરતા હતા. એકવાર તેમના રાજ્યમાં કોઇ મોટા સંતનું આગમન થયું. રાજાએ પોતાના સેનાપતિને સંતને સન્માન સાથે દરબારમાં લાવવાનો આદેશ આપ્યો. સેનાપતિ રાજાની આજ્ઞાને અનુસરી રથ લઇને સંતની પાસે પહોંચ્યાં અને તેમણે નતમસ્તકે સંતનું અભિવાદન કરતા કહ્યું, “અમારા મહારાજે આપને પોતાના પ્રણામ મોકલ્યા છે. જો આપની ચરણરજથી તેમના આવાસને આપ પવિત્ર કરી શકો તો આપની મોટી કૃપા ગણાશે.”
સંતે તુરંત જ પોતાની અનુમતિ આપી અને રાજમહેલમાં જવાની તૈયારી કરી. સંત શારીરિક દ્રષ્ટિએ ખૂબજ નાના કદના હોવાથી સેનાપતિ તેમને જોઇને પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. તેમણે વિચાર્યુ કે આટલા મોટા અને બળવાન રાજા સાવ નાના કદના સંત સાથે શું વિચાર-વિમર્શ કરવા માંગે છે!
સંત સેનાપતિના હસવાનું કારણ સમજી ગયા, તેમ છતાં તેમણે પૂછ્યું ત્યારે સેનાપતિ બોલ્યા, “ આપ મને માફ કરશો પણ મને આપના નાના કદ પર હસવું આવે છે. અમારા રાજા કદમાં ખૂબજ મોટા હોવાથી આપે તેમની સાથે વાત કરવા માટે કોઇ ઊંચા સ્થાન પર ચડવું પડશે.”
સંતે હસીને જવાબ આપ્યો, “ હું જમીન પર રહીને જ આપના રાજા સાથે વાત કરીશ. નાના કદનો એ જ લાભ હોય છે કે હું જ્યારે પણ વાત કરીશ ત્યારે મારું મસ્તિષ્ક ઊંચું કરીશ, પરંતું આપના રાજા લાંબા હોવાથી મારી સાથે વાત કરતી વખતે તેમણે પોતાનું મસ્તક ઝૂકાવવું પડશે.”
સેનાપતિને સંતના આ જ્ઞાનસભર જવાબથી નતમસ્તક થવું પડ્યું. એટલે કે શ્રેષ્ઠતા કદથી નહીં જ્ઞાનથી આવે છે. જો વ્યક્તિની દ્રષ્ટિ અને વિચાર જ્ઞાનથી પરિપૂર્ણ થશે તો તે પ્રત્યેક સ્થળે સન્માનને પાત્ર બનશે. આનાથી ઊલટું અજ્ઞાની વ્યક્તિને ઉપહાસ અને નિંદાની દ્રષ્ટિથી જોવામાં આવશે.
No comments:
Post a Comment